Abtak Media Google News

ઇઝરાયેલ દ્વારા ચાર દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. બદલામા હમાસ દ્વારા ઇઝરાયેલના 50 બંધકોને છોડી દેવામાં આવશે. આ ઉપરાંત ઇઝરાયેલ પણ 150થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું છે.

બન્ને તરફથી બંધકોને મુક્ત કરવા મહત્વપૂર્ણ કરાર : ઇઝરાયેલ પણ 150થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને આપશે મુક્તિ

ઇઝરાયેલની કેબિનેટે બુધવારે સવારે મોટો નિર્ણય લીધો છે.  કેબિનેટે 50 બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટેના કરારને મંજૂરી આપી છે. બંધકોની મુક્તિના બદલામાં, ઇઝરાયેલ આગામી થોડા દિવસો માટે ગાઝા પર બોમ્બમારો બંધ કરશે.  ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું કે આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યાં સુધી બંધકોની મુક્તિ સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં.  હકીકતમાં, 7 ઓક્ટોબરના રોજ, હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલામાં 1400 થી વધુ લોકો માર્યા ગયા હતા.  આ સાથે 200થી વધુ લોકોને બંધક બનાવી ગાઝા લઈ જવામાં આવ્યા હતા.

આ ડીલ મુજબ ઈઝરાયેલ બંધકોની મુક્તિના બદલામાં 150-300 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ સાથે ઈઝરાયેલ ચાર દિવસીય યુદ્ધવિરામનું પાલન કરશે.  ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી આ પ્રથમ વખત હશે કે ગાઝા પર બોમ્બ નહીં પડે.  વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઈઝરાયેલ સરકાર તમામ બંધકોને ઘરે લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે રાત્રે સરકારે આ લક્ષ્ય હાંસલ કરવાના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત ચાર દિવસમાં ઓછામાં ઓછી 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે.  આ સમયગાળા દરમિયાન, લડાઇમાં શાંતિ રહેશે.  આ પછી, જો દરરોજ 10 બંધકોને મુક્ત કરવામાં આવે તો એક દિવસીય યુદ્ધવિરામ રહેશે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમામ બંધકો સ્વદેશ પરત નહીં આવે અને હમાસનો સંપૂર્ણ વિનાશ નહીં થાય ત્યાં સુધી ઇઝરાયલી સંરક્ષણ દળો રોકશે નહીં.  ઇઝરાયેલ પેલેસ્ટિનિયન મહિલાઓ અને સગીરોને જેલમાંથી મુક્ત કરશે અને તેમને તેમના ઘરે પરત ફરવા દેશે.  તેમાંથી મોટાભાગના પૂર્વ જેરુસલેમ અને પશ્ચિમ કાંઠાના છે.  અહેવાલો અનુસાર, 350 પેલેસ્ટિનિયન સગીર અને 82 મહિલાઓને મુક્ત કરવામાં આવશે.  આ સાથે, ઇઝરાયેલ ગાઝામાં માનવતાવાદી સહાયને મંજૂરી આપતી વખતે ઇંધણના સપ્લાયને મંજૂરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.