Abtak Media Google News

સ્પેસ કાર્યક્રમોની ગતિ આપવાની દિશામાં ઈસરોએ હવે સેટેલાઈટના નિર્માણ કાર્યને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. પોતાના સેટેલાઈટ લોન્ચ કાર્યક્રમને આઉટસોર્સ કરવાની દિશામાં વધુ એક પગલું ભરતા ઈસરોએ આગામી સમયમાં સ્પેસ રોકેટ નિર્માણ માટે ખાનગી કંપનીઓ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

દિલ્હીમાં ભારતીય સ્પેસ પ્રોગ્રામ સંદર્ભે આયોજિત એક સેમિનાર દરમિયાન એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ઈસરોના ચેરમેન એ. એસ. કિરનકુમારે જણાવ્યુ છે કે ખાનગી ક્ષેત્ર દ્વારા સેટેલાઈટ લોન્ચ વ્હીકલના નિર્માણનું કામ 2021 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ઈસરોના ચેરમેને કહ્યુ છે કે ખાનગી ક્ષેત્રની કંપનીઓથી સેટેલાઈટ લોન્ચ વ્હીકલ નિર્માણ માટે સહયોગ લેવામાં આવશે અને ઈસરો આ જોઈન્ટ વેન્ચર હેઠળ સામેલ થશે.

ઈસરોના ચેરમેને કહ્યું છે કે હાલ ઈસરો માત્ર પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલનું જ નિર્માણ કરે છે અને તેના નિર્માણના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 39 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે હાલ કુલ 42 સેટેલાઈટ દ્વારા ભૂગર્ભ અધ્યયન, સંચાર અને નેવિગેશન સહીતના ઘણાં મહત્વપૂર્ણ કામ થઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં જરૂરિયાત કરતા હાલ ઓછા સેટેલાઈટ ઉપલબ્ધ છે. તેમણે કહ્યુ છે કે આગામી સમયમાં ઈસરોએ પોતાના સેટેલાઈટ લોન્ચની ક્ષમતાને બેવડી કરવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે.

આ સિવાય ઈસરો દ્વારા આગામી પાંચ વર્ષમાં કુલ 60 સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના છે. ઈસરોના ચેરમેન કિરનકુમારે કહ્યુ છે કે શ્રી હરિકોટા ખાતે વધુ એક લોન્ચ પેડના નિર્માણની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે ઈસરો હાલ લગભગ પાંચસો ઈન્ડસ્ટ્રી સાથે કામ કરી રહ્યું છે.

ઈસરોના ચેરમેને કહ્યુ છે કે ડિસેમ્બરના મધ્યથી ફરીથી સેટેલાઈટ લોન્ચનું કામ શરૂ કરવામાં આવશે. 31 ઓગસ્ટે સેટેલાઈટ આઈઆરએનએસએસ-વન-એચના પ્રક્ષેપણની નિષ્ફળતા અંગે કિરનકુમારે કહ્યુ છે કે આ લોન્ચ દરમિયાન થયેલી તકનીકી ખામીઓ અને તમામ કારણોની તપાસ કરવામાં આવી છે. ભવિષ્યમાં થનારા લોન્ચમાં તમામ તૈયારીઓને વધુ નક્કર બનાવવા માટે કામ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.