Abtak Media Google News

આજે વિશ્વ દિવ્યાંગ દિવસ

દિવ્યાંગો માટે સમાજે માનસિકતા બદલવી પડશે

વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમનાં પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે અતિ આવશ્યક

દરેક જિલ્લા-શહેરમાં ટ્રોલ ફ્રી હેલ્પલાઇન ચાલે છે જેના નંબર ૧૮૦૦-૨૩૩-૭૯૬૫

સમાજમાં દરેક પ્રકારનાં લોકોવાસી રહ્યા છે. તેમાં સૌથી વધુ મુશ્કેલી સહન કરતા હોય તો તે છે વિકલાંગ હવે આપણે તેને દિવ્યાંગ શબ્દથી ઓળખીયે છીએ. શારીરીક કે માનસિક ખામી હોવા છતાં તેમનામાં અખુટ શક્તિનો દિવ્ય સંભાર હોય છે. સમાજ જીવનના રાજકિય, સામાજિક, આર્થિક અને સામાજીક સાંસ્કૃતિક સાથે દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને જોડવાથી થઇ શકતા લાભો વિશે સમાજને જાગૃત કરવાનો આજે દિવસ છે. દેશમાં ઘણી સંસ્થાઓ એમના ઉત્કર્ષ માટે કાર્યરત છે પણ જયાં સુધી સમાજનો માનસિક બદલાવ ન આવે ત્યાં સુધી ધાર્યા પરિણામો નહી મળે.

વિકલાંગ કે દિવ્યાંગ વ્યક્તિઓને અવરોધ મુકત વાતાવરણ પુરૂ પાડવાની સમાજની જવાબદારી છે. તેમના માટે શિક્ષણ-રોજગાર જેવી વિવિધ સમસ્યામાં સમાજનો, સરકારનો સાથ જરૂરી છે. શારિરીક કે માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિને તથા તેના પરિવારને પારાવાર મુશ્કેલી પડી રહી છે. એવા સમયે સમાજે તેનો પડખે ઉભી રહીને મદદરૂપ થવું તે આજના સમયની માંગ છે. દિવ્યાંગો માટે સમાજે “અવરોધો તોડો, દરવાજા ખોલો જેવો હકારાત્મક અભિગમ લાવવાની જરૂર છે.

વિકલાંગતાના પ્રકારો અને તેની ચોકકસ વ્યાખ્યા દરેક નાગરીકે જાણવી જરૂરી છે. છેલ્લા સરકારી પરિપત્ર મુજબ દિવ્યાંગની ૨૧ કેટેગરીમાં સંપૂર્ણ અંધ, અલ્પદૃષ્ટિ, શ્રવણમંદ, વાણી ભાષા દિવ્યાંગતા, હલન-ચલનની ક્ષતિ, માનસિક બિમારી, ચોકકસ શીખવાની ક્ષતિ, મગજનો લકવો, સ્વલિનતા, બહું વિકલાંગતા, રકતપિત, ઠીંગણા પણું, મંદબુધ્ધિ, હિમોફિલીયો, સિકલસેલ, એસીડહુમલાનો ભોગ બનનાર, લકવો, સ્નાયવિક કુપોસન જેવીનો સમાવેશ થાય છે. એસિડ એટેકમાં ભોગ બનનાર મહિલાઓની ભયંકર વેદનામાં સાથ સહકાર જરૂરી બને છે. તેના સ્વામાન ભેર જીવન જીવવા તમામ ક્ષેત્રની મદદ સમાજે કરવી જ પડે.

વિકલાંગ ધારો ૨૦૧૬ અનુસાર તેમના માટે ‘દિવ્યાંગ’ શબ્દ અમલમાં આવ્યો. ૦થી ૧૮ વર્ષના બાળકો માટે શિક્ષણ સાધન સહાય, રિસોસ સેન્ટરો જેવી તમામ સુવિધા સરકાર તરફથી વિનામૂલ્યે અપાય છે.

તેનાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા આવા બાળકોની વિશેષ કેર કરીને તેના વિકાસ બાબતના વિવિધ કાર્ય પ્રોજેકટ ચાલે છે. તેમને રેલ્વે, બસમાં ફિ મુસાફરી સાથે શિષ્યવૃતિ શાળાઓ જવા આવવા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, જેવા સહાય પ્રોજેકેટ ચાલે છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં આઇ.ઇ.ડી. વિભાગ કાર્યરત છે.

Img 20200714 Wa0243

આજના દિવસે સૌ એ જાણકારી મેળવી તેના પ્રચાર-પ્રસારના તમામ પ્રોજેકેટમાં મદદરૂપ થવું જોઇએ.

સમાજનો દિવ્યાંગ સમુદાય તેની ખામીને કારણે વિકાસથી વંચિત રહી ગયેલ છે. યુનો દ્વારા ૧૯૬૮થી દર ૩ ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ ઉજવાયું હતું. આજના દિવસે જ ૧૯૮૪માં ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી. જેને કારણે અનેક લોકો શારિરીક કે માનસિક વિકલાંગ થયા, ને અમુકના મોત થયા હતા. આવી વ્યક્તિઓને સમાજમાં માનભેર જીવન નિર્વાહ મળે તથા તેમની સ્વીકૃતિ મળે તે માટે દરેક નાગરીકે ફરજ બજાવવી પડશે. ૬થી ૧૬ વર્ષના દિવ્યાંગ બાળકોને શિક્ષણ બાબતની જરૂરીયાત પૂરતા માટે સમગ્ર શિક્ષા અભિયાન શ્રેષ્ઠ કાર્યકરી રહ્યું છે. સ્પેશિયલ એજયુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન’ વિશે દરેક શિક્ષકને તાલિમ આપીને તેનાં વિકાસમાં મદદરૂપ થવું પડશે.

ભારતના વડાપ્રધાન મોદીજીએ ૨૦૧૫માં વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ શબ્દથી સંબોધન કરીને તેમનું સન્માન અને ગૌરવ વધારેલ હતુ. પહેલા ફકત ૭ પ્રકારની વિકલાંગતા હતી. બાદમાં નવા આર.પી.ડી. એકટ  ૨૦૧૬ મુજબ નવી ૧૪ ઉમેરીને હાલ ૨૧ કેટેગરીનો સમાવેશ થયો છે. એના માટે ખાસ ‘ખેલ મહાકુંભ’ યોજાય છે જેને કારણે રાજયકક્ષા રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગો ગોલ્ડમેડલ જીતી લાવ્યા છે. દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાની માહિતી-ફોર્મ જે તે જીલ્લાના સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતેથી મળી શકે છે.

અષ્ટાવક્ર ઋષીએ અષ્ટાવક્રગીતાની રચના કરી, સુરદાસ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કૃષ્ણભક્તિના અનેક પદો સમાજનો આપ્યા. લુઇ બે્રઇલીએ ‘બ્રેઇલ’ લીપી લખી, આવી અનેક સિધ્ધી દિવ્યાંગો મેળવી છે. કુદરત એક શક્તિ છીનવે તો બીજી શક્તિનો ભંડાર કે તાકાત આવે છે. આવા લોકો સમાજ પાસે દયા નહીં, તેના અધિકારો માંગે છે, સમાજે તેનું રક્ષણ કરવું જરૂરી છે.

જૂના જમાનામાં બોલાતા વિવિધ શબ્દોને સ્થાને આજે ૨૧મી સદીમાં માન વાચક શબ્દો બોલાય છે પરંતુ તેને જોઇએ તેટલો સહકાર પ્રજા કે સમાજ નથી આપતી તે એટલું જ સત્ય છે.

આજનો દિવસ દિવ્યાંગો તથા તેમના પરિવારને તેમના આહાર-ઉછેર સાથે જીવન જીવવામાં પડતી મુશ્કેલી બાબતે ચિંતા અને ચિંતન કરવાનો છે. ઘણીવાર તો એકલી સ્ત્રી પોતાના દિવ્યાંગ બાળકનું પેટે પાટા બાંધીને જતન કરતી જોવા મળે ત્યારે દિલ દવી ઉઠે છે. સમાજના દરેક પાસાઓ ઉપર નજર કરતો માનવી આ તરફ કયારે જોશે તેની આશે આવા પરિવારો નજર માંડીને બેઠા છે. માત્ર એના નશિબ એવું માનીને નહી પણ સમાજે તેને જોવાનો દૃષ્ટિકોણ, માનસિકતા વર્તન બદલવું જોઇએ.

આજે દિવ્યાંગો માટે વિવિધ આયોજન

પ્રયાસ સંસ્થા અને બીજી ઘણી બધી સંસ્થા દ્વારા આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે. સંસ્થાના પૂજા પટેલ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે ૨૦૦ જેટલા દિવ્યાંગો માટે વેબિનાર યોજાયો છે. સાથે દિવસ દરમ્યાન જયાં જયાં દિવ્યાંગ સ્વમાનભેર ધંધો કરે છે ત્યાં જઇને સ્થળ પર પ્રોત્સાહન સાથે સરપ્રાઇઝ ગીફટ પણ અપાશે. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓએ તમામ નગરજનોને અપીલ કરી છે કે જયાં જયાં આવો પરિવાર હોય કે કોરોના મહામારીમાં આર્થિક સંકળામણ ભોગવતો હોય ત્યાં તેમને મદદ કરવી. પ્રયાસ સંસ્થા મંદબુધ્ધિના માનસિક ક્ષતિ વાળા બાળકો માટે સતત અને સક્રિય રીતે કાર્યકરે છે. આ બાબતે કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાનના આઇ.ઇ.ડી. વિભાગે પણ ઓનલાઇન કાર્યક્રમ યોજયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.