Abtak Media Google News
  • વિજ્ઞાન યાત્રાના આઠમાં દિવસે પ્રકાશની શોધ લોગો ટેકનોલોજી ઉપર રસપ્રદ વ્યાખ્યાન આપતા ડોક્ટર વિપુલ ખેરાત
  • યુવા સંશોધકોને સ્વદેશી વૈજ્ઞાનિકો મારફત લેટેસ્ટ ટેકનોલોજીનું જ્ઞાન આપતી વૈજ્ઞાનિક યાત્રા ગુજરાત યુનિવર્સિટીમાં પણ યોજવાનું આમંત્રણ આપતા પ્રો.ઉત્થલ જોશી

અબતક, રાજકોટ

ભારતીય વૈજ્ઞાનિક માનસોનું વિકસિત ભારત તરફની યાત્રાનાં ઉદેશ્ય સાથે “વિજ્ઞાન યાત્રા” નવ દિવસીય ઓનલાઇન પરિસંવાદની શૃંખલાનું આયોજન ગુજરાત વિજ્ઞાન સંમેલન અંતર્ગત કરવામાં આવ્યું છે, જેનો આઠમો દિવસ હતો. વિજ્ઞાન યાત્રાના આઠમા દિવસે ‘નેનો મટિરિયલની બનાવટમાં પ્લાઝમા’ વિષય ડો.બાલાસુબ્રમણિયન સી., કે જેઓ એફસીઆઇપીટી, ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટરનાં સાયન્ટિફિક ઓફિસર – એફ અને ‘પ્રકાશની શોધ: બ્રહ્માંડનાં રહસ્યોનાં પ્રબુદ્ધ સંશોધન માટે’ વિષય પર બે વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશભરમાંથી સંશોધકો, વિદ્યાર્થીઓ અને અનેક વિજ્ઞાન ચાહકો વર્ચ્યુઅલી જોડાયા હતાં.

વિજ્ઞાનની આ વ્યાખ્યાન શૃંખલનું પ્રથમ વ્યાખ્યાન ‘નેનો મટિરિયલની બનાવટમાં પ્લાઝમા’ વિષય પર ડો.બાલાસુબ્રમણિયન સી., કે જેઓ ફેસિલિટેશન સેન્ટર ફોર ઇંડસ્ટ્રિયલ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટરનાં સાયન્ટિફિક ઓફિસર – એફ છે, તેમના દ્વારા લેવામાં આવ્યું હતું. તેઓએ તેમના પીએચ.ડી.નો અભ્યાસ પૂણે યુનિવર્સિટીમાંથી પૂર્ણ કરેલ છે. તેમણે 30 જેટલાં સંશોધન પત્રો વિવિધ ઈન્ટરનેશનલ જર્નલસમાં બહાર પાડેલ છે, તેમણે ર1 જેટલાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ માટેનું માર્ગદર્શન આપેલ છે અને હાલમાં પીએચ.ડી. વિદ્યાર્થી તેમના દ્વારા માર્ગદર્શન મેળવી રહ્યો છે. તેઓ હાલમાં ટિટાનિયા નેનો પાર્ટીક્લ્સની સેલ્ફ ક્લીનિંગ પ્રોપર્ટી, મેગ્નેટિક નેનો પાર્ટીકલ્સની મેગ્નેટિસમમાં મોરફોલોજી અને થર્મલ સ્ટ્રેસનાં અભ્યાસ, સેમિકંડક્ટર અને મેટલ ઓક્સિડસ નેનોમટિરિયલ પર સંશોધન રૂચિ ધરાવે છે.

તેમણે તેમના વ્યાખ્યાનમાં નેનો સાયન્સ અને નેનો ટેક્નોલોજી વચ્ચેનો તફાવત જણાવ્યો. તેમણે તેનો મટિરિયલ એટલે શુ ?અને તેના ઉપયોગો વિષે માહિતી આપી. આ મટીરિયલ્સ ટોપ ડાઉન અને બોટમ અપ એવા બે અપ્રોચથી બનાવી શકાય છે, કે જેનાથી મટિરિયલનાં પાર્ટીકલ્સની સાઈઝ નેનો સ્કેલ સુધી લઈ જઈ શકાય છે. મટિરિયલ્સના મોટા પાર્ટીકલ્સની સરખામણીએ તેને નેનો સ્કેલે લઈ જતાં તેના ગુણધર્મો બદલાઈ જે છે. પ્લાઝમાની મદદથી પણ આવા નેનો મટીરિયલ્સ બનાવી શકાય છે, જેના ફાયદા વિષેની માહિતી પણ ડો.બાલાસુબ્રમણિયન દ્વારા આપવામાં આવી હતી. આવા મટીરિયલ્સને જુદી-જુદી કેરેક્ટરાઇઝેશન ટેકનીક્સ દ્વારા વધુ ઊંડાણથી સમજી શકાય છે, જેની ઊંડાણ પૂર્વકની માહિતી તેઓએ આપેલ હતી.

ત્યારપછીનું બીજું વ્યાખ્યાન ડો.વિપુલ ખેરાજ દ્વારા લેવામાં આવ્યું હતું, 2008માં એન.એસ. યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ ફિજિક્સમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી, હાલમાં સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સુરતમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.

તેમના સંશોધન ક્ષેત્રો થીન ફિલ્મ અને મટિરિયલ સાયન્સ સાથે ઓપ્ટોઈલેક્ટ્રોનિક મટિરિયલ અને ડિવાઇસીસ છે. ડો.ખેરાજ ફૂલબ્રાઈટનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમને ફૂલબ્રાઇટ-નેહરુ પોસટડોક્ટરલ રિસર્ચ ફેલોવશિપ પુરસ્કાર 2013-14માં યુએસએની યુટાહ યુનિવર્સિટીમાંથી મળેલ છે. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય જર્નલમાં 60 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરેલ છે.

જ્ઞાનરૂપી ગંગા ‘વિજ્ઞાન યાત્રા’ના આઠમા દિવસે વિશેષ અતિથિ તરીકે પ્રો.ઉત્પલ જોશી, પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને પ્રેસિડન્ટ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા પ્રો.ભરતકુમાર આર. કટારિયા, પ્રોફેસર તથા અધ્યક્ષ, ડીપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટિરિયલ્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની ઉપસ્થિતિ રહી હતી. વિજ્ઞાન યાત્રાનું આ સેશન સેશનચેર એક્સપર્ટ તરીકે ડો. દીપક એચ. ગદાણી, આસોસીએટ પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન ગુર્જરી, રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, વિજ્ઞાન ગુર્જરી, રાજકોટ એકમના સેક્રેટરી પ્રો. પી. એન. જોશી તેમજ વિજ્ઞાન યાત્રાના કો-ઓર્ડીનેટર ડો.પીયૂષ સોલંકી અને ડો.દેવીત ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.