Abtak Media Google News

નિયમોની આંટીઘૂટીના કારણે ફોર્મ પરત આવતા નથી ૧૯૦૦૦ ફોર્મના ઉપાડ સામે માત્ર ૨૦૧૨ ફોર્મ જમા

મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગત બનાવવામાં આવનાર ૩૦૭૮ આવાસ માટે કેટેગરીવાઈઝ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ૨ બીએચકેના આવાસની કિંમત રૂા.૧૨ લાખ છે. ત્યારે આવક મર્યાદા ૩ લાખથી ૬ લાખ સુધીની રાખવામાં આવી છે. ફોર્મમાં જમા કરાવતી વેળાએ આઈટી રીટર્ન ફરજિયાત હોવાના કારણે જેટલા ફોર્મ ઉપડે છે તેની સરખામણીએ ૧૦ ટકા ફોર્મ ભરાઈને પરત આવતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતા મંગળવારથી એમઆઈજી કેટેગરીના ૩ બીએચકેના આવાસ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાં ૨ બીએચકેના ૧૨૭૮ આવાસ બનાવવામાં આવનાર છે. જેમાં વાર્ષિક ૩ લાખથી લઈ ૬ લાખની આવક ધરાવતા પરિવાર લાભાર્થી રહી શકે છે. હાલ મામલતદાર દ્વારા માત્ર ૨.૫ લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિને દાખલો આપવામાં આવે છે. અઢી લાખથી વધુ આવક હોય તેના માટે આવાસ ફોર્મ ભરવું હોય તો ફરજીયાત આઈટી રીટર્ન આપવું પડે અવા સોગંદનામુ રજૂ કરવું પડે છે. નિયમોની આંટીઘૂટીના કારણે જેટલા ફોર્મ ઉપડે તેની સામે પરત આવતા ફોર્મની સંખ્યા ૧૦ ટકાથી પણ ઓછી છે. ૨ બીએચકે માટે ૧૯ હજાર ફોર્મ ઉપડ્યા છે જેની સામે માત્ર ૨૦૧૨ ફોર્મ પરત આવ્યા છે. હવે મુદત વધારવી પડે તેવી નોબત ઉભી થવા પામી છે. આગામી મંગળવારથી ૨૪ લાખ રૂપિયાની કિંમત ધરાવતા એમઆઈજી કેટેગરીના ૩ બીએચકેના આવાસના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.