Abtak Media Google News

દરિયાઈ વિસ્તારમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તદુપરાંત માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઇ

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાનની આગાહી અનુસાર, રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ ઉકળાટ યથાવત રહેશે. દરિયાઈ વિસ્તારમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. તદુપરાંત માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

બીજી બાજુ રાજ્યમાં ચોમાસાને લઈને પણ મહત્વના સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુંબેસી જશે. આ સાથે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેરાત કરતા જણાવ્યું કે, ’મહારાષ્ટ્રમાં તારીખ 8થી 10 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. જ્યારે 15થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.’

ઉલ્લેખનીય છે કે, દેશમાં ચોમાસુ બેસી ગયું છે અને કેરળના દરિયાકાંઠે દસ્તક દઇ દીધી છે. સામાન્ય રીતે કેરળમાં 1 જુનથી શરુ થતું ચોમાસુ 3 દિવસ પહેલા એટલે કે 29 મેના દિવસે ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગે એવું જણાવ્યું કે આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય થઈ જશે. આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ જણાવ્યું હતું કે કર્ણાટક, તમિલનાડુ, બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વના રાજ્યોના વધુને વધુ ભાગોને આવરી લેવા માટે ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગો અને દિલ્હીમાં હીટવેવ જેવી સ્થિતિ નહીં રહે. જણાવી દઈએ કે ખેડૂતોથી લઈને સરકાર સુધી બધા જ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુંદેશમાં દસ્તક દઈ ચૂક્યું છે, વિભાગે રવિવારે તેની પુષ્ટિ કરી છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સામાન્ય રીતે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વખતે તે 29 મેના રોજ જ દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે.

આ રીતે તે પોતાની સામાન્ય તારીખના ત્રણ દિવસ પહેલા જ કેરળ પહોંચી ગયું છે. આઇએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત અસાનીના આધારે આગાહી કરી હતી કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. પરંતુ તેમાં બે દિવસનો વિલંબ થયો હતો. તેમ છતાં સામાન્ય રીતે થતા ચોમાસાની એન્ટ્રીના ત્રણ દિવસ પહેલા જ આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.