Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

આજના 21મી સદીના આધુનિક યુગમાં દૂર સંચાર વ્યવહાર ડિજિટલી બનતા ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે તો સાથે ઈન્ટરનેટનો વ્યાપ વિસ્તાર વધ્યો છે ત્યારે રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે એક આનંદના સમાચાર છે. રિલાયન્સ જિઓના ગ્રાહકોને હવે કનેક્ટિવિટીમાં કોઈ સમસ્યા નહીં આવે. કારણ કે કનેક્ટિવિટી ઈસ્યુ અને નેટવર્ક સમસ્યાને લઈ રિલાયન્સ જિઓએ એક મોટું પગલું ઉઠાવ્યું છે તે આંતરરાષ્ટ્રીય સબમરીન કેબલ સિસ્ટમ બનાવી રહી છે. રિલાયન્સ જિયો આગામી 5 જી જનરેશનની સબમરીન કેબલ રજૂ કરશે. જિઓએ આ માટે ઘણી મોટી કંપનીઓ અને વર્લ્ડ ક્લાસ સબમરીન કેબલ સપ્લાયર સબકોમ સાથે હાથ મિલાવ્યો છે. આ ઈન્ટરનેશનલ સબમરીન કેબલની ઈન્ડિયા-એશિયા-એક્સપ્રેસ (આઈએએક્સ) સિસ્ટમ ભારતને સિંગાપોર અને અન્ય દેશો સાથે પૂર્વ તરફ જોડશે. જ્યારે ભારત-યુરોપ-એક્સપ્રેસ (આઈએક્સ) સિસ્ટમ ભારતને મધ્ય પૂર્વ અને યુરોપને પશ્ચિમમાં જોડશે. આ સેવાથી ભારતની બહાર પણ ડેટા અને ક્લાઉડ સેવાઓ પહોંચાડવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

ઉલ્લેખનીય છે કે, 2016માં જિયોની શરૂઆત થઈ ત્યારથી જ  ભારતમાં ડેટા માંગમાં અસાધારણ તેજી આવી છે. ડેટા વપરાશમાં આ વધારાને કારણે ભારત આજે આંતરરાષ્ટ્રીય ડેટા નેટવર્ક માટે વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે. આ હાઇ સ્પીડ સિસ્ટમ આશરે 16,000 કિ.મી.ના અંતરે 200tbs થી વધુની ક્ષમતા પ્રદાન કરશે. રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાનએ કહ્યું કે, ભારતમાં ડિજિટલ સેવાઓ અને ડેટા વપરાશમાં રિલાયન્સ જિઓ નેટવર્ક મોખરે છે. સ્ટ્રીમિંગ વીડિયો, રિમોટ વર્કફોર્સ, 5 જી, આઇઓટી જેવી માંગને પહોંચી વળવા જિયો તેની પ્રથમ પ્રકારની ભારત-કેન્દ્રિત આઇએએક્સ અને આઇએક્સ સિસ્ટમ્સના નિર્માણમાં અગ્રેસર છે. વૈશ્વિક રોગચાળાની વચ્ચે આ મહત્વપૂર્ણ કાર્ય કરવું એક પડકાર છે. પરંતુ ડિજિટલ સેવાઓ માટે ઉચ્ચ-સ્તરની કનેક્ટિવિટીની જરૂરિયાતને પહોંચી વડીશું. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આઈએએક્સ કેબલ સિસ્ટમ ભારતને, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તેમજ એશિયા પેસિફિકના બજારો સાથે જોડશે. તેનાથી મુંબઇ, ચેન્નાઈ, થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોરને એક્સપ્રેસ કનેક્ટિવિટી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.