Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

રાજકોટ મહાનગર પાલિકાની વર્તમાન બોડીનું આવતીકાલે સવારે પ્રથમ જનરલ બોર્ડ મળશે. ફેબ્રુઆરીમાં ચૂંટાયેલા નગરસેવકો પ્રથમ વખત પ્રજાને અસર કરતા પ્રશ્નોની બોર્ડમાં ચર્ચા કરી શકશે. કોરોના અને પ્રિ-મોન્સુન  કામગીરી અંગે બોર્ડમાં તડાપીટ બોલવાના એંધાણ વર્તાય રહ્યા છે.જો કે પ્રથમ ભાજપના નગરસેવિકાના પ્રશ્નની ચર્ચા થવાની હોય રાબેતા મુજબ પ્રશ્નોત્તરી કાળનો એક કલાકનું સમય તેમાં જ વેડફાય જાય તેવું લાગી રહ્યું છે.

બીજી તરફ આપ દ્વારા પ્રશ્નોત્તરી કાળનો સમય વધારવાની પણ માગણી કરવામાં આવી છે.  મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આવતીકાલે 11 કલાકે  કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સ્વ. રમેશભાઈ છાયા સભાગૃહમાં વર્તમાન ટર્મની પ્રથમ સામાન્ય સભા મળશે.જેમાં નગરસેવકો પોતાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી શકશે. ભાજપના 12 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં 22 પ્રશ્ન રજુ કર્યા છે.તો સામાપક્ષે કોંગ્રેસના તમામ ચારેય નગરસેવકોએ 11 પ્રશ્નો મૂક્યા છે.ક્રમ અનુસાર પ્રથમ વોર્ડ નં.16 ના ભાજપના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરાના પ્રશ્નની ચર્ચા થશે. કોરોના અને પ્રિ-મોન્સુન કામગીરી સહિતના પ્રશ્ન બોર્ડમાં તડાપીટ બોલવાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ કોરોનાને નાથવામાં  સંપૂર્ણ નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર અંગે કોર્પોરેશનના શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે. વાવાઝોડા અંગે પણ બોર્ડ તોફાની બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જોકે ભાજપ ના 68 કોર્પોરેટરો સામે કોંગ્રેસને માત્ર ચાર જ કોર્પોરેટર હોય બોર્ડમાં અગાઉ જેવી ઘમાસાણ જોવા મળશે કે નહીં તે વાત નક્કી છે. મેયર તરીકે પ્રશ્નોત્તરીકાળ વાળું  આ પ્રથમ બોર્ડનું સંચાલન ડો. પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવશે.જનરલ બોર્ડ સમક્ષ અલગ-અલગ 7 દરખાસ્તો મંજૂરી અર્થે રજુ કરવામાં આવી છે. એકથી બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત પણ બોર્ડમાં મૂકાય તેવું હાલ લાગી રહ્યું છે.જોકે તમામ દરખાસ્તો બોર્ડમાં બહુમતીથી મંજૂર થઈ જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.