Abtak Media Google News

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પૂજાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. આ ઉત્સાહ સીમાડા વટાવી છેક અમેરિકા સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિપૂજનને ભવ્ય બનાવવાની તૈયારી છે. ભગવાન રામની ભવ્ય તસ્વીર 5 ઓગસ્ટે ન્યૂયોર્કના આઇકોનિક ટાઇમ્સ સ્ક્વેરમાં પ્રદર્શિત થશે.

આ સાથે ટાઇમ્સ સ્ક્વેર પર રામ મંદિરનું 3 ડી ચિત્ર પણ બતાવવામાં આવશે. આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય રીતે ગોઠવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહત્ત્વની વાત એ છે કે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ 5 ઓગસ્ટે કરવામાં આવશે. અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે બપોરે 12: 15 વાગ્યે શ્રી રામ મંદિર માટે ભૂમિપૂજન કરશે.

5 ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરશે ત્યારે ન્યૂયોર્કમાં ઐતિહાસિક ક્ષણની ઉજવણી થશે. ટાઇમ્સ સ્ક્વેર પર સૌથી મોટી સ્ક્રીન ઇન્સ્ટોલ કરવામાં આવશે. ખાસ પ્રસંગ માટે વિશાળ નાસ્ડેક સ્ક્રીન અને 17,000 ચોરસ ફૂટ આજુબાજુ એલઇડી ડિસ્પ્લે સ્ક્રીન સ્થાપિત કરવામાં આવી છે, જે વિશ્વનું સૌથી મોટુ પ્રદર્શન અને શ્રેષ્ઠ રીઝોલ્યુશન રહેશે. હિન્દી અને અંગ્રેજીમાં ‘જય શ્રી રામ’, ભગવાન રામનો ફોટો અને વીડિયો, રામ મંદિરની ડિઝાઇન અને 3 ડી ફોટોગ્રાફ્સ રજૂ થશે.

અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકો આ વિશેષ તહેવારની ઉજવણી સ્વરૂપે મીઠાઇનું વિતરણ કરશે મોટી સંખ્યામાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે એકઠા થશે. રામ જન્મભૂમિ શીલાન્યાસની ઉજવણી માટે આઇકોનિક ટાઇમ્સ સ્ક્વેરથી વધુ સારી જગ્યા એકેય નથી.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રામ મંદિરનું નિર્માણ વિશ્વના હિન્દુઓ માટેનું સ્વપ્ન સાકાર થયું હોય તેવી અનુભૂતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.