પર્યુષણમાં જીભને સુગર ફેક્ટરી અને મગજને આઇસ ફેક્ટરી બનાવો: ધીરજમુનિ મ.સા.

જૈન સંસ્કૃતિ પર્વને માને છે, ‘પુનાતિ ઇતિ પર્વ’ જે આત્માને પવિત્ર બનાતે તે પર્વ

પર્યુષણના જુદા-જુદા અર્થ છે (1) પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (2) પર્યાવસન: તપોમય અધ્યાત્મ જીવનની વર્ષગાંઠ ઉજવવી. (3) પર્યુશયન: આત્માને દૂષિત કરનારા કષાયોનું શમન કરવું. જીવનમાં વેર-ઝેરની ગાંઠો પડી ગઇ હોય, તેને છોડવાની છે.

અબોલા, શત્રુતા હશે ત્યાં સુધી આત્માની શુદ્વિ નહિ થાય. સીડીનું કામ શરીરને ઉપર ચડાવે. સંપતિનું કામ દિમાગને ઉપર ચડાવે તેમ સદ્ગુણોનું કામ આત્માને ઉંચે ચડાવે છે. બોલીને બગાડો નહિ, સમતા ધારણ કરો, થોડું સહન કરવું એમ જે સમજે છે તે સદ્ગુણોનું ઉપાર્જન કરી શકે છે. વર્ષોના સંબંધોને કડવી ભાષા બોલવાથી તૂટતા વાર લાગતી નથી. માટે ક્રોધમાં ક્યારેય બોલવું નહિં.

મૌન રાખવું. નિરાશામાં ક્યારેય નિર્ણય કરવો નહિં. ચપટી નમકથી રસોઇ સ્વાદિષ્ટ બને, ચમચી મેળવણથી દહીં જામી જાય તેમ મીઠી ભાષા બોલવાથી ઘર નંદનવન બની જાય. પર્યુષણમાં જીભને સુગર ફેક્ટરી અને મગજને આઇસ ફેક્ટરી બનાવો. આપણે જીભનો વ્યાપાર ઘણો કર્યો. હવે જિગરનો વ્યાપાર કરશો તો જગદીશ મળ્યા વિના રહેશે નહિં. પતિએ પત્નીને ફરિયાદી સૂરમાં કહ્યું કે બા જેવી રોટલી આવડતી નથી.

પત્નીએ કહ્યું બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ !! પતિએ એ જ દિવસે ગુરૂદેવ પાસે જઇને યાવત્જીવન જમતી વખતે ન બોલવાની પ્રતિજ્ઞા અંગીકાર લીધી ! જીવનમાં જીભનો વ્યાપાર એવો કરો કે બોલ્યા પછી પસ્તાવું ન પડે ! માટે એકબીજાના રિપોર્ટર નહિં પણ સપોર્ટર બનજો !!!