Abtak Media Google News

વિશ્વભરના હજારો ભાવિકોએ એક સાથે એક જ સમયે કરેલા પાંચ કરોડ નમસ્કાર મંત્ર જપના ઉદઘોષ સાથે ‘વર્લ્ડ નવકાર ડે’ ઉજવાયો: કાલે સવંત્સરી મહાપર્વ ઉજવાશે

રાષ્ટ્રધર્મથી મોટો અન્ય કોઈ ધર્મ ન હોય ત્યારે નિજી સ્વાર્થ ત્યજીને રાષ્ટ્રધર્મનું કર્તવ્ય બનાવી લેવાનો સંદેશ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્વનો છઠ્ઠો દિવસ ન માત્ર રાષ્ટ્રપ્રેમની પ્રેરણા પ્રસરાવી ગયો પરંતુ હજારો હૃદયમાંથી પ્રગટતાં નમસ્કાર મહામંત્રના પાંચ કરોડ વારના ઉદધોષ સાથે સમગ્ર વિશ્વમાં શાંતિના પાવન તરંગો વહાવી ગયો હતો.

વહેલી સવારના સમયે વર્લ્ડ નવકાર ડે ના આયોજન અંતર્ગત એક સાથે એક જ સમયે શ્રી નમસ્કાર મહામંત્રની જપ સાધનાનો ગુંજારવ કરવા માટે મુંબઈના ઘાટકોપર, દાદર, બોરીવલી, કાંદીવલી, મીરા રોડ, ડોમ્બીવલી ભાવનગર, જૂનાગઢ, પુના, કોલકાતા, રાજકોટ, જામનગર, બેંગ્લોર, સિકંદરાબાદ, ગોંડલ, વડાલ, આકોલા, રાઉરકેલા, હૈદરાબાદ, જૈન સેન્ટર ઓફ કેલિફોર્નિયા, સેન ફ્રાન્સિસ્કો આદિ અનેક ક્ષેત્રોની શાળાના બાળકો, બાલાશ્રમના બાળકો, ઓલ્ડ એજ હોમના ભાવિકો, હોસ્પિટલના દર્દીઓ તેમજ દેશ-વિદેશના હજારો હજારો ભાવિકો એ જોડાઈને કરોડો કરોડોની સંખ્યામાં જપ સાધના કરીને વિશ્વશાંતિના તરંગો પ્રસરાવ્યાં હતાં.

આત્માનું પરમ કલ્યાણ કરાવી દેનારા પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહેતાં એક પછી એક અમૂલ્ય બોધ સાથે આજના છઠ્ઠા દિવસે હૃદયને સ્પર્શી જતાં વચનો ફરમાવતાં પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, જ્યારે સ્વાર્થ મટે છે, ત્યારે જ શ્રાવક ધર્મની, સાધક ધર્મની શરૂઆત થતી હોય છે કેમ કે દરેક અવગુણના મૂળમાં સ્વાર્થ હોય. 100 ગુણોને પણ શૂન્ય કરી દે એવો એક અવગુણ તે સ્વાર્થ હોય. માટે જ સ્વાર્થ ત્યજીને માત્ર આપણા જ સુખનો વિચાર ત્યજીને આ દેશને વફાદાર બનીને દેશના- રાષ્ટ્રના ખરા વારસદાર બનીએ.પરમ ગુરુદેવની કરૂણા ભાવનાથી છેલ્લાં એક વર્ષથી અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલી અર્હમ અનુકંપા યોજના અંતર્ગતની  અર્હમ એનિમલ એમ્બ્યુલન્સના માધ્યમે આજ સુધી 30,000થી વધુ અબોલ-ઘાયલ અને વેદનાગ્રસ્ત પશુઓને સમયસરની સારવાર આપીને એમને વેદનામુક્ત કરવામાં આવ્યાં છે, નવજીવન આપવામાં આવ્યું છે.

આ પરમાર્થની શૃંખલાને આગળ વધારતી પરમ ગુરુદેવની પ્રેરણાની ઝીલીને આ અવસરે ઘાયલ પશુઓ માટે અવંતિભાઈ કાંકરીયા પરિવાર, પ્રવીણભાઈ પારેખ પરિવાર, કંચનબેન રમણીકભાઈ શેઠ પરિવાર, કાશ્મીરાબેન કાંતિભાઇ શેઠ પરિવાર, મીનાબેન રમેશભાઈ મકાતી પરિવાર સહિતના દ્વારા 1-1 એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવતા સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.ઉપરાંતમાં, આ અવસરે લુક એન્ડ લનેના બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ સાથે અને ’સિદ્ધયાન’ની સુંદર પ્રતિકૃતિ દ્વારા સદગુણોને ખીલવીને સિદ્ધક્ષેત્ર સુધી પહોંચવાની પ્રેરણા આપી હતી. એ સાથે જ, હજારો બાળકો અને સેંકડો દીદીઓને સંસ્કારિત કરતાં લુક એન્ડ લનેના પ્રણેતા પરમ ગુરુદેવ પ્રત્યે બાળકો અને દીદીઓએ કરેલી અહોભાવની ઉપકાર અભિવ્યક્તિ સહુના હૃદયને સ્પર્શી ગઈ હતી. હજારો બાળકોને સંસ્કારિત કરતા લુક એન્ડ લર્નના પ્રેસિડન્ટ  સ્વાતિદીદી કામદારનું આ અવસરે અવંતિભાઈ કાંકરિયા દ્વારા સુવર્ણ મુદ્રા સાથે બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

નમસ્કાર મંત્ર નૃત્યની પ્રસ્તુતિ કરનારા કચ્છની નુપુર એકેડમીના બાળકોને તેમજ સુંદર પ્રસ્તુતિ કરનારના લુક એન્ડ લર્નના બાળકોને  કાંકરિયા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.ગિરનાર ધરા પર પરમ ગુરુદેવના સાંનિધ્યે સાધના- આરાધના- શ્રદ્ધા- ભક્તિભાવના સાથે વ્યતિત થઈ રહેલાં એક પછી એક દિવસ, અત્ર તત્ર સર્વત્ર દીપી રહ્યાં છે. 50 ઉપવાસ, 45 ઉપવાસ, 27થી વધુ માસક્ષમણ તપ, 21 ઉપવાસ, ધર્મચક્ર તપ, 11 ઉપવાસ, 9 ઉપવાસ અને 140થી વધુ અઠ્ઠાઈના આરાધકો શોભી રહ્યાં છે ત્યારે બાકી રહેલાં પર્વના માત્ર બે દિવસના દરેકે દરેક કાર્યક્રમ ઉપરાંત પર્વના અંતિમ દિન 19/09 મંગળવારના દિને બપોરના 03:00 કલાકે વિશેષરૂપે આયોજિત “સંવત્સરી આલોચના” તેમજ સાંજના સમયે આયોજિત “સંવત્સરી પ્રતિક્રમણ” આરાધનામાં જોડાઈને આત્મહિત સાધવા દરેકે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ-ગિરનાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.