Abtak Media Google News
  • સુરેન્દ્રનગરના પાનવા ખાતે આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્રસુરીશ્વરજીની પાવન નિશ્રામાં 1008 પાર્શ્ર્વજીન મંદિર અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
  • સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદજી ગેહલોત સહભાગી બન્યા હતા.
Jain Dharma Ahimsa Acting With Paramo Dharma-Jivadaya: Governor Thawar Chand Gehlot
Jain Dharma Ahimsa Acting With Paramo Dharma-Jivadaya: Governor Thawar Chand Gehlot

આ પ્રસંગે રાજ્યપાલ થાવરચંદજી ગેહલોતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી રહ્યો છું. અગાઉ જ્યારે હું મુલાકાતે આવ્યો એના કરતાં આજે અહીંયા ઘણું પરિવર્તન આવ્યું છે અને આજે આ જગ્યા વિશાળ તીર્થસ્થાન બનીને ઉભરી છે, જે જોઈને આનંદની અનુભૂતિ થાય છે.

ધર્મ પરંપરા ધર્મગુરૂથી આગળ વધે છે. ધર્મ મનુષ્યજીવનના ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રભાવિત કરે છે. ભારતીય પરંપરામાં તપસ્યાના મહત્વ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તપ એ જીવનની જ્યોતિ છે. તપસ્યા મનને શુદ્ધ અને આત્માને ઉજ્જવળ બનાવે છે.

જૈન ધર્મ વિશેની વાત કરતા વધુમાં રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, જૈન ધર્મ અહિંસા પરમો ધર્મ: અને પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ જેવા પવિત્ર વિચારો સાથે કાર્ય કરી રહ્યો છે, જે અતિ પ્રસંશનીય બાબત છે. જીવદયા અને માનવ સમાજ માટે ઉત્તમ સેવા કાર્ય પણ કરે છે. છેલ્લા તીર્થકરશ્રી મહાવીર સ્વામીએ આપેલા સંદેશ “જીવો અને જીવવા દો” સાર્થક કરી ધર્મ સંસ્કૃતિને જીવંત રાખી રહ્યો છે.

વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને વિશ્વને એક પરિવાર સમજીને વિશ્વ શાંતિ અને કલ્યાણની દિશામાં કાર્ય કરવા અને ઋષિમુનિઓ અને સાધુ-સંતોની આજ્ઞાનું પાલન કરી ધર્મના માર્ગે આગળ વધવા જણાવ્યું હતું. જળ, વન, વાયુ, ભૂમિ એમ જૈવિક વિવિધતાની દિશામાં કાર્ય કરવા અને વ્યસનમુક્ત જીવન જીવવા ઉપસ્થિત સૌને આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રૈલોક્ય શાશ્વત મહાતીર્થ શંખેશ્વર નજીક વઢિયાર અને ઝાલાવાડ પ્રદેશની સરહદે આવેલા પાનવા ગામે પ.પુ. રાષ્ટ્રસંત આચાર્ય દેવેશ શ્રીમદ વિજય લેખેન્દ્રસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં 1008 શ્રી પાર્શ્ર્વ જીન મંદિર અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું તા.25 થી 31 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે.

Jain Dharma Ahimsa Acting With Paramo Dharma-Jivadaya: Governor Thawar Chand Gehlot
Jain Dharma Ahimsa Acting With Paramo Dharma-Jivadaya: Governor Thawar Chand Gehlot

આ તકે આચાર્ય દેવેશ શ્રીમદ વિજય લેખેન્દ્રસુરીશ્વરજી મહારાજે ઉપસ્થિત સર્વેને આશીર્વચન પાઠવ્યા હતાં. આ પ્રસંગે દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ગઢડા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.