Abtak Media Google News

જામનગરના પટેલ પાર્ક વિસ્તાર પાછળ એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે શરાબની પ૬ બોટલ પકડી પાડી છે. જ્યારે એસટી રોડ પરથી સ્કૂટરમાં આઠ બોટલ સાથે જતાં બે શખ્સો ઝડપાયા છે.

જામનગરના પટેલ પાર્કના છેવાડે આવેલી વૃંદાવન સોસાયટી તરફના માર્ગ પર ગોલ્ડન રેવન્યુ-પ નામના એપાર્ટમેન્ટમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી શનિવારે સાંજે પીએસઆઈ આર.બી. ગોજિયા તથા સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાં આવેલા બ્લોક નં.૩૦૩માં ભાડાથી રહેતા રવિ મહેન્દ્ર માલવી નામના પ્રજાપતિ શખ્સના ફલેટમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પ૬ બોટલ મળી આવી હતી. જ્યારે આરોપી રવિ પોલીસના આગમન પહેલા નાસી ગયો હતો. રૂ.ર૮ હજારની બોટલ કબજે કરી પોલીસે રવિની શોધ શરૃ કરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના પરેશ ખાણધર, રાઈટર રાયદેભાઈ ગાગિયા, ધર્મેન્દ્રસિંહ  માધુભા, રવિ બુજડ, વિપુલ ગઢવી, વિપુલ સોનગરા, રાજપાલસિંહ હનુભા, ઉપાસનાબેન મુકેશભાઈ વોરા સાથે રહ્યા હતા.

જામનગરના એસ.ટી. ડેપો વિસ્તારમાંથી શનિવારે રાત્રે પસાર થતા જીજે-૧૦-સીક્યુ ૪૫૯૪ નંબરના સ્કૂટરને પોલીસે શકના આધારે રોકાવી તેના ચાલક વિનાયક પાર્ક નજીકની મધુરમ્ રેસીડેન્સીમાં રહેતા સહદેવસિંહ બળવંતસિંહ જાડેજા તથા રણજીતનગરમાં રહેતા વિશાલ સુરેશભાઈ પરિયાણી નામના શખ્સોની તલાશી લેતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની આઠ બોટલ મળી આવી છે. પોલીસે બોટલ તથા સ્કૂટર કબજે કરી બન્નેની ધરપકડ કરી છે.

કાલાવડમાં શનિવારે સાંજે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ખાનકોટડા ગામના ગિરીશ હીરાભાઈ ચાવડા નામના શખ્સને રોકી તેની તલાશી લેતા આ શખસના કબજામાથી એક બોટલ શરાબ મળી આવ્યો છે.

લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી શનિવારે રાત્રે પોલીસે વિક્રમસિંહ જામભા જાડેજા ઉર્ફે ભગત નામના શખ્સને અંગ્રેજી શરાબની ત્રણ બોટલ સાથે પકડી પાડયો છે. જામનગર તાલુકાના સરમતના પાટિયા પાસેથી પોલીસે દેવદાસ ભાયાભાઈ રાજાણી નામના ગઢવી શખ્સને એક બોટલ સાથે પકડી પૂછપરછ કરતા તેણે આ બોટલ ઈશ્વર એભાભાઈ રાજાણી પાસેથી લીધી હોવાની કબૂલાત આપી છે. પોલીસે ઈશ્વરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.