Abtak Media Google News

જિલ્લામાં નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાંનું એક મંદિર છે જામનગર શહેરથી 30 કિમી દૂર ગજણા ગામે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરની સ્થાપના આશરે 450 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. અંહી શિવલિંગ સ્વયં ભૂ પ્રગટ થયેલ છે. અને તે પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.ભોળેશ્વર મહાદેવના ઇતિહાસ વિષે વાત કરીએ તો લોકવાયકા છે કે, ભગવાન ભોળાનાથ અહી સ્વયંભૂ પ્રગટ થયા છે અને મંદિરના શિવલિંગના કદમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે.

મંદિરની વિશેષતા એ છે ભોળેશ્વર મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. અહીં વિવિધ ત્રણ નદીઓનો સંગમ થાય છે. સવંત 1645માં શિવલિંગની ઉત્પતિ થઈ હતી. એવી લોકવાયકા છે કે ગજણાનો ગોવાળ પોતાનું ગાયોનું ધણ લઇ અહી ચરાવવા માટે આવતો એમાં ગજણા ગામના સુથારની એક ગાય દરરોજ સાંજે ધણથી અલગ પડી જતી અને એક રાફડા પાસે ઉભી રહી તેના પર પોતાના ચારેય આંચળનું દુધ વરસાવતી હતી.ગોવાળને આ વાતની જાણ થતાં તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. પરંતુ બાદમાં ભગવાન શંકર તેના સપનામાં આવ્યા અને જણાવ્યુ કે ગાય જે જગ્યા પર દૂધ વરસાવે છે ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવશે.

બાદમાં અહીં ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું. લોકોએ વિચાર્યુ કે આ વન-વગડામાં દાદાને થોડા રખાય તેને ગજણામાં તેની સ્થાપના કરીશું આમ વિચારી લીંગ વધુ ખોદી તો લીંગ બોલી મને અહી જ રાખો બીજે ન લઇ જાવ તે વખતે ગાયે ફરીથી અભિષેક કરતા ના પાડવામાં આવતા ગાયે ગુસ્સે થઇ લીંગ માટે પગની ખરી મારી હતી. જોકે આ શિવલિંગમાં ત્રિકમ વાગી જતા લોહી પણ વહેતું થયું હતું. અંહી પગપાળા જઇને દર્શન કરવાનો મહિમા પણ ઘણો છે. લાલપુર તાલુકામાં મુરીલા ગામેથી જવાના રસ્તે લાલપુરની બાજુમાં આવેલું ભોળેશ્વર મહાદેવનું મંદિર પોતાના પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

માત્ર જામનગર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભોળેશ્વર મહાદેવનું મંદિર પ્રખ્યાત બન્યું છે. અંહી બારે માસ ભક્તોની ભીડ રહે છે. પરંતુ શ્રાવણ માસમાં તો અંહી માનવ મહેરામણ ઉમટી પડે છે. તેમાં પણ સોમવારે તો અનેક ભક્તો મહાદેવના દર્શનાર્થે આવે છે. પરંતુ હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીના પ્રમાણે અહી ભીડ એકઠી થવા દેવા પર પ્રતિબંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.