Abtak Media Google News

લાખોટા તળાવ પાર્ટ-2માં એક તરફ સફાઇ અભિયાન કરવામાં આવ્યુ હતું. ત્યારે મીગ કોલોનીથી લઇને આશાપુરા સર્કલ સુધીના તળાવમાં કચરાના ગંજ દૂર કરવા શહેરીજનો તરફથી માંગ ઉઠી છે. મહત્વનું એ છે કે, તળાવની અંદર જ પશુધનને લીલોચારો નાખીને ગંદકી ફેલાવામાં આવતી હોવા છતાં મહાનગર પાલિકાનું તંત્ર આંખ આડા કાન કરતા જ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને એસ.એસ.બી.ના જવાનો અને શહેરીજનોને સાથે રાખી લાખોટા તળાવના પાછલા ભાગમાં સફાઇ અભિયાન તાજેતરમાં હાથ ધરાયું હતું. અને તળાવમાં સફાઇ પણ થઇ હતી.

પરંતુ પ્રશ્ર્ન એ છે કે, મીગ કોલોનીથી લઇને આશાપુરા સર્કલ સુધીના તળાવના પાછલા ભાગમાં ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે. એટલુ જ નહીં મહાનગર પાલિકાના લીલો ઘાસચારો નાખવાના પ્રતિબંધનો ભંગ કરીને લાખોટા તળાવમાં લીલો ઘાસચારો પશુધનને જોલી બંગલા સામેના તળાવમાં નાખવામાં આવે છે. ખુલ્લેઆમ રીતે તળાવમાં લીલો ઘાસચારો નાખીને ગંદકી કરવામાં આવે છે.

તળાવમાં ગંદકી કરવા ઉપર અને પશુઓને રાખવા સામે મનાઇ છે. પરંતુ આ નિયમની અમલવારી મહાનગરપાલિકાનું તંત્ર કરવામાં ઉણુ ઉતર્યુ છે. જેને લીધે જ લીલો ઘાસચારો વેંચનારા જોલી બંગલાથી લઇને આશાપુરા સર્કલ સુધીના તળાવમાં પશુઓને લીલો ઘાસચારો ખુલ્લેઆમ નાખવામાં આવે છે. જેનાથી તળાવની અંદર જ પશુઓ રહે છે.

મહાનગરપાલિકાનું તંત્ર લાખોટા તળાવનું સફાઇની બાબતમાં ગંભીરતા શા માટે દાખવતું નથી. તે સવાલ શહેરીજનોમાં ઉઠી રહ્યો છે. એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં લીલુ વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે તે જ રીતે લાખોટા તળાવમાં ગંદકી ફેલાવવા માટે ઘાસચારો પશુધનને નાખવામાં આવતો હોવા છતાં શા માટે અટકાવવામાં નથી આવતું તે સવાલ ઉભો થાય છે. લાખોટા તળાવના પાછલા ભાગમાં મીગ કોલોની બાજુ પણ ગંદકી અને પ્રદુષણનું પ્રમાણ કચરાનું વધતુ જાય છે. આ અંગે મહાનગર પાલિકા દ્વારા સાત રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી તળાવની દિવાલ ઉપર જારી બાંધવામાં આવી છે.

પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડથી લઇને મીગ કોલોની સુધીમાં તળાવની અંદર કચરો નાખવામાં આવે છે જેનાથી તળાવમાં પ્લાસ્ટીક, શાકભાજી સહિતના જુદા જુદા કચરાઓને ફેકવામાં આવે છે. જેનાથી તળાવમાં ગંદકી વધી છે ત્યારે મહાનગરપાલિકા વરસાદ પહેલા તળાવની અંદર રહેલા આ કચરાને દૂર કરવાનું ઝડપભેર આયોજન કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.