Abtak Media Google News

જામનગરના નારણપર ગામે છ માસ પહેલાં સાધુને વાડીએ આશરો આપી ભાનુશાળી પરિવારે કરેલી સેવા ચાકરીના ફળ સ્વરૂપે પરિવારની યુવાન પુત્રીને વસીકરણ કરી ભગાડી ગયાનું પ્રકાશમાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રના ભાનુશાળી પરિવારમાં ચકચાર જાગતા પોલીસે કામાંધ સાધુને અમદાવાદથી ઝડપી યુવતીને મુક્ત કરાવી છે. સાધુના સ્વાંગમાં રહેલા શૈતાને તાંત્રિક વિધી કરી પરિવારને મારી નાખવાની ધમકી દઇ યુવતીનું અપહરણ કર્યા બાદ જૂનાગઢ, રાજસ્થાન અને અમદાવાદમાં અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની કબુલાત આપી છે.

ભગવાધારી માનવ તસ્કર કરતો હોવાની શંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને મોબાઇલ નેટવર્કના આધારે પોલીસે સાધુનું પગેરૂ અમદાવાદથી શોધી પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. સી.એમ.કાંટેલીયા સહિતના સ્ટાફે યુવતી સાથે સાધુને ઝડપી લીધો હતો. સાધુની પૂછપરછ કરતા તે અરવલ્લી જિલ્લાનો વતની જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર હોવાનું જણાવ્યું હતુ.

લંપટ સાધુએ યુવતી સાથે ચારેક દિવસ પહેલાં પરિવારને તાંત્રિક વિધીથી મારી નાખવાની ધમકી દઇ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની કબુલાત આપી છે.છ માસ દરમિયાન જે પરિવારની પનાહમાં રહી જેનું ખાધુ તે પરિવાર માટે આફત બનેલા સાધુ પરિવારની યુવતી સાથે નારણપર છોડી ગત તા.19 જુને ભાગી જતા ધીરજભાઇ મનજીભાઇ ચાંદ્રાએ જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી.છેલ્લા બે વર્ષથી ભાનુશાળી પરિવારના પરિચયમાં આવેલા સાધુને વાડીએ આશરો આપવાની સાથે જમવા સહિતની સગવડ પુરી પાડવામાં આવતી હતી પરંતુ યુવાન સાધુએ પરિવારની જ યુવતીને ભગાડી ભાનુશાળી પરિવારને શરમજનક સ્થિતીમાં મુકી દીધા છે.

પોતાની પુત્રીની ભાળ મેળવી હેમખેમ પરત લાવવા માટે નારણપરના ભાનુશાળી પરિવાર ટેકનોલોજીની મદદથી પોતાની પુત્રીના ફોટા અને ગુમ નોંધ વાયરલ કરી છે. પરંતુ હજી સુધી સાધુનો કે યુવતીની ભાળ મળી નથી.ભાનુશાળી પરિવારની સ્વરૂપવાન પુત્રીને ફસાવી પલાયાન થયેલા લંપટ સાધુ અને યુવતી અમદાવાદથી મળી આવતા બંનેને જામનગર લવાયા બાદ યુવતીની ફરિયાદ પરથી સાધુ જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે.

નારણપરથી જતા રહ્યા બાદ કયાં આશરો મેળવ્યો, બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે યુવતીને વશીકરણ કરી ઉઠાવી ગયો હતો, સાધુ જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ સહિતના મુદે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે યુવતી અને સાધુ જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરીનું મેડીકલ ચેકઅપ કરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.