Abtak Media Google News

મૃતદેહ કોહવાય ગયો: જવાબદારો સામે પગલા લેવાશે ?

જામનગરમાં મેડિકલ કોલેજ કે જી.જી. હોસ્પિટલમાં ગાંધી જયંતીના દિવસે જ મોતનો પણ મલાજો પણ જળવાયો નહીં અને એક વડીલના નિધન પછી તેના સંકલ્પ મુજબ દેહદાન આનાકાની પછી સ્વીકારાયું, તેથી આ મુદ્દો ’ટોક ઓફ ધ ટાઉન’ બન્યો અને લોકોમાં સરકારી વિચિત્ર નિયમો અંગે પણ સવાલો ઊઠ્યા. હોસ્પિટલ રજાના દિવસે દેહદાન સ્વીકારતી ન હોય, તો મૃતકનો મૃતદેહ કોલ્ડરૃમમાં રાખવાનો નિયમ છે અને ત્યાં ટેકનિકલ ખામીના કારણે મૃતદેહ બગડી જાય, પછી જવાબદારીની ફેંકાફેંકી કરતું તંત્ર ભાજપ શાસનમાં ફેલાયેલી નિંભરતા દર્શાવે છે. કોલ્ડરૃમમાં મૃતદેહ બગડી જાય, ત્યાં સુધી મોતનો મલાજો ન જળવાય, તો તેવી ઘોર બેદરકારી આચરનારાને તત્કાળ સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

આ ઉપરાંત આ વિચિત્ર નિયમો સુધારવા રાજ્ય કક્ષાએથી ત્વરીત પગલાં લેવાય તે જરૃરી છે. કારણ કે માનવીનું મૃત્યુ કાંઈ રજાના દિવસો છે કે નહીં, તે જોઈને આવતું હોતું નથી. વિપક્ષના નેતાઓ દ્વારા આ અંગે સરકારનું ધ્યાન ખેંચવામાં આવશે, ત્યારે જ આરોગય ખાતાનું રાજ્ય કક્ષાનું નિંભર અને સંવેદનહીન તંત્ર જાગશે. સરકારે દેહદાન કરનાર દાતાના પરિવારની પડખે ઊભા રહીને તેને સાંત્વના સાથે એમ્બ્યુલન્સ દ્વારા પાર્થિવ દેહને સન્માનપૂર્વક હોસ્પિટલમાં લાવીને સાચવી લેવો જોઈએ અને કાગળિયા કરવાની પ્રક્રિયામાં મૃતકના પરિવારને મદદ કરવી જોઈએ. કારણ કે તે સમયે આ પરિવારે તેનો આપ્તજન ગુમાવ્યો હોય છે, જો કે અડધા  કલાકની મસલતો કર્યા પછી ડોક્ટરોએ મૃતદેહ સ્વીકારી લેતા મૃતકના પરિવારોએ રાહત અનુભવી હતી.

રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ એક તરફ રક્તદાન, દેહદાન, ચક્ષુદાન માટે ભારે પ્રચાર કરે છે અને પ્રજાના પૈસે નેતાઓની તસ્વીરો સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારોની મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરે છે, પરંતુ જ્યારે કોઈ દેહદાન કે ચક્ષુદાન કરે, ત્યારે તેના પરિવારો પરેશાન થાય અને દેહદાન કરનારના પાર્થિવ દેહનું પણ અપમાન થાય, તે ભાજપના શાસનમાં જ બની શકે છે.

મેડિકલ કોલેજમાં ગાંધી જયંતીના દિવસે રજા હોવાથી કોલ્ડ રૃમમાં દેહદાન કરનાર દાતાના પાર્થિવ દેહની બગડેલી હાલત માટે જે ક્ષતિઓ બહાર આવી હોય, તે પણ હવે મેડિકલ કોેજ તથા હોસ્પિટલ તંત્રે અને રાજ્યના આરોગ્ય વિભાગે સુધારવી જોઈએ. માર્ગ-મકાન વિભાગની ક્ષતિ હોય તો તેને પણ નશ્યત કરવી જોઈએ. અવારનવાર આ પ્રકારની સમસ્યાઓ ઊભી થતી અટકાવવા મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના વિવિધ વિભાગોના સંચાલકો અને સરકારી (નિંભર) માર્ગ-મકાન વિભાગના તંત્ર વચ્ચે સુદૃઢ સંકલન અને જવાબદારીની ચોક્કસ વહેંચણી સુનિશ્ચિત થવી જોઈએ. આવીી ઘટના બન્યા પછી આ તંત્રો એકબીજાને ખો આપતા હોય તો તેને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.

જામનગરની મેડિકલ કોલેજને પોતાના મૃત્યુ પછી ઉપયોગી થઈને માનવતા દાખવવાની ઈચ્છા વ્યક્ત કરનારના મૃત્યુ પછી તેની સાથે આવો વ્યવહાર થાય, તો તેને હળવાશથી લેવાના બદલે ગંભીરતાથી વિચારીને આવી દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરીથી બને નહીં, તે માટે રૃપાણી સરકારે રાજ્યવ્યાપી સુધારણા કરવી અનિવાર્ય છે, જેથી અન્ય મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલના ડાંડ તંત્રો પણ સુધરી જાય. દેહદાન કરનાર પરિવાર દાતાનો મૃતદેહ કોલ્ડ રૃમમાં રાખે, અને ર૪ કલાક પછી તેને સ્વીકારવા પરિવારને આજીજી કરવી પડે, તે યોગ્ય ગણાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.