Abtak Media Google News

29થી વધુ જૂના જોગીઓને પડતા મુકાયા: કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 3 કોર્પોરેટરોને ટિકિટ અપાઈ

મહાપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપના 19 કોર્પોરેટર રીપીટ થયા છે અને 29 વધુ જૂના જોગીને પડતા મુકાયા છે. ભાજપે 45 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ કાર્યાલય માંથી જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટેના 64 ઉમેદવારો માટેની યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. જેમાં ગત ટર્મના 19 પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 29 થી વધુ જૂના જોગીઓને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઉપરાંત નવા 45 ચહેરાને સ્થાન અપાયું છે. વિપક્ષના 16 કોર્પોરેટરો ભાજપમાં પ્રવેશ્યા હતા, જે પૈકી 3 પૂર્વ કોર્પોરેટરોને પણ ફરીથી ટિકિટ અપાઈ છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 16 પૈકીની ચોસઠ બેઠકો માટે 32 મહિલા ઉમેદવાર તેમ જ 32 પુરુષ ઉમેદવારોના નામોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં ગત ચૂંટણી લડી ચૂકેલા હોય તેવા 19 પુર્વ કોર્પોરેટરોનો રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે મોટા માથા ગણાતા 29 પૂર્વ કોર્પોરેટરોના પત્તા કાપી નાખવામાં આવ્યા છે. જેથી ભાજપના વર્તુળોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

થોડા સમય પહેલા કોંગ્રેસનો સાથ છોડીને 16 કોર્પોરેટર ભાજપમાં આવી ગયા હતા, જે પૈકીના એક કોર્પોરેટરે ફરીથી ભાજપનો સાથ છોડી દીધો હતો. અને તેઓએ વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ઉપરાંત બાકીના ત્રણ ઉમેદવારો કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેઓને પુન:ટીકીટ આપવા માં આવી છે. ફુલ 45 નવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જોકે તેમાં અન્ય કેટલાક ઉમેદવાર પહેલા ચૂંટણી લડી ચૂકેલા હોય તેવા નામોનો પણ સમાવેશ થાય છે.

એકંદરે ગત ટર્મના 19 કોર્પોરેટરોને રિપીટ કર્યા છે બાકીના 45 ચહેરાને તક આપવામાં આવી છે. કેટલાક પૂર્વ કોર્પોરેટરો દ્વારા પોતાને સ્થાન મળ્યું ન હોવાથી રોષ વ્યક્ત કર્યો છે અને આગામી બે દિવસ દરમિયાન નવાજૂની થાય તેવું ચર્ચાઈ રહયું છે અને નજીકના ભવિષ્યમાં જ પક્ષ પલ્ટાના દૃશ્યો પણ જોવા મળશે, તેમ મનાઈ રહ્યું છે.

ભાજપની યાદી પ્રસિધ્ધ થતા જ કાર્યાલયમાં ધમધમાટ

કાર્યકરોમાં નવા ચહેરા આવતા ઉત્સાહનો માહોલ તો ક્યાંક માયુશી

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડ માટેના 64 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાયા પછી જામનગર શહેર ભાજપના કાર્યાલયમાં ધમધમાટ શરૂ થઈ ગયો હતો અને ભાજપના શહેર સંગઠનના અગ્રણીઓ તેમજ મોવડી મંડળ વગેરેની હાજરીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા અને ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કેટલાક પૂર્વ કોર્પોરેટરો અથવા દાવેદારોના પત્તા કપાયા હોવાથી માયૂસી પણ જોવા મળી હતી અને તેઓ કાર્યાલય તરફ ફરક્યા પણ ન હતા. ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા અને પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા અન્ય શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પ્રદેશ કાર્યાલયમાંથી જાહેર થયેલી નવા ઉમેદવારોની યાદીને લઈને ચૂંટણીનો ધમધમાટ શરૂ કરાયો હતો. અને કાર્યાલયના દ્વારે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમાંયે ખાસ કરીને 45થી વધુ નવા ચહેરાઓને સ્થાન અપાયું હોવાથી વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા નાના-મોટા કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે નવા ચહેરાને સ્થાન અપાયું તે ઉમેદવારો તથા તેના પરિવારજનો વગેરેએ ભાજપ કાર્યાલય પર પહોંચી જઈ ખુશી વ્યક્ત કરી હતી અને ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટર્મના કેટલાક પૂર્વ નગરસેવક સહિતના મોટા માથા કે જેઓને આ વખતે તક મળી નથી એવા કાર્યકરોમાં માયુષિ છવાઈ ગઈ હતી અને તે પૈકીના કેટલાક પૂર્વ નગરસેવકો અથવા તો દાવેદારો શહેર ભાજપ કાર્યાલય સુધી ફરક્યા પણ ન હતા પાંચમી તારીખે તેમજ 6 તારીખે ઉમેદવારી પત્ર ભરવા માટેની પુરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપના 10 પૂર્વ કોર્પોરેટરોના પરિવારજનો સંગઠનના હોદ્દેદારોને પણ ટિકિટ અપાઈ

મહાનગરપાલિકાની ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના 64 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 પૂર્વ કોર્પોરેટરના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે શહેર સંગઠનના માળખામાં જોડાયેલા 4 હોદ્દેદારોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેમાં અનેક મોટા માથાઓને કાપી નાખવામાં આવ્યા છે પરંતુ તેમના પરિવારજનો ને સમાવી લેવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ચારથી વધુ ટર્મથી ચૂંટણી લડનારા પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને તેમ જ અન્ય ત્રણથી વધુ વખત ચૂંટણી લડનારા પૂર્વ કોર્પોરેટરના પત્ની અથવા પુત્રવધુ ને પણ ટીકીટ આપી દઈ આગ ઠારવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાથોસાથ જામનગર શહેર સંગઠ્ઠનના ચાર હોદેદારોને પણ તક આપવામાં આવી છે. જેમાં એક મહિલા મોરચાના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. જ્યારે પૂર્વ મહા મંત્રી તથા ઉપપ્રમુખ વગેરેનો પણ સમાવેશ થાય છે. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા  ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પરિવારના સગા સંબંધીને ટિકિટ ફાળવવામાં આવશે નહીં તેવી જાહેરાત પછી પણ 10થી વધુને ટિકિટ ફાળવવામાં આવી હોવાથી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા નિવેદન થી થોડૂ જૂદું તારણ નીકળ્યું છે. જે પણ જામનગર શહેર ભાજપ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપના ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ થયા બાદ હોબાળો: કેટલાકે ટિકિટ મુદ્દે આક્રોષ ઠાલવ્યો

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદી પ્રસિધ્ધ કરાયા પછી જેઓના પત્તા કપાઇ ગયા હોય તેવા કાર્યકરો દ્વારા આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી જામનગરના વોર્ડ નંબર 9 તેમજ 10માં વિરોધ સાથેનો આક્રોશ જોવા મળી રહ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય પર અમુક કાર્યકરોએ આવીને રોષ ઠાલવ્યો હતો. જામનગરના વોર્ડ નંબર નવમાં મહિલા ઉમેદવાર તરીકે સજ્જન બેન ચૌહાણે ટિકિટ માંગી હતી પરંતુ તેઓને ટિકિટ નહીં મળતાં સજજનબેનના સમર્થકો- ટેકેદારો વગેરે શહેર ભાજપ કાર્યાલય આવીને રોષ ઠાલવ્યો હતો. જોકે થોડીવારમાં મામલો શાંત પડી ગયો હતો. ત્યારપછી વોર્ડ નંબર 10માં એડવોકેટ સંજય દાઉદીયા દ્વારા પણ દાવેદારી કરવામાં આવી હતી. ભોય જ્ઞાતિના આ દવેદારને ટિકિટ નહીં આપી અને પૂર્વ મેયરના પુત્ર પાર્થ જેઠવા ને ટિકિટની ફાળવણી કરતાં કેટલાક સમર્થકોએ ભાજપ કાર્યાલયના દ્વારે હોબાળો મચાવ્યો હતો અને થોડી ક્ષણો માટે ભારે તંગ વાતાવરણ બની ગયું હતું. જો કે થોડીવાર પછી મામલો શાંત થયો હતો. ટિકિટની ફાળવણીની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના દાવેદારોનાં વિરોધ વંટોળ જોવા મળતાં શહેરમાં ચર્ચા જાગી છે. અન્ય વોર્ડમાં પણ આવા જ કેટલાક સમીકરણો સર્જાય તેવી સ્થિતિ છે.

કોંગ્રેસના 8, આપના 3 સહિત 18ના ફોર્મ ભરાયા

જામનગર મહાપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટેના ચાર દિવસ સુધીમાં 18 ઉમેદવારીપત્ર રજૂ થયા છે. વોર્ડ નંબર ચાર અને આઠમાંથી કોંગ્રેસની પેનલ ના આઠ ઉમેદવારો ઉપરાંત વોર્ડ નંબર 13માં આમ આદમી પાર્ટીના બે અને વોર્ડ નંબર નવના આમ આદમી પાર્ટીના એક સહિત કુલ 15 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે, જેના માટે ના 18 ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટે 1લી ફેબ્રુઆરીથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના ચાર દિવસના અંતે કુલ 18 ઉમેદવારીપત્ર રજૂ થયા છે અને  કુલ 15 ઉમેદવારોએ  ઉમેદવારી કરી છે.  જેમાં  વોર્ડ નંબર ચારમાં  નવ ઉમેદવારો દ્વારા કુલ 12 ઉમેદવારો પત્ર રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસની પેનલના આઠ ઉમેદવારો નો સમાવેશ થાય છે. તે ઉપરાંત વોર્ડ નંબર છમાં એક ઉમેદવાર, વોર્ડ નંબર 8માં એક ઉમેદવાર, વોર્ડ નંબર 9માં આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર તેમજ વોર્ડ નંબર 13માં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો તથા વોર્ડ નંબર 14માં એક ઉમેદવાર સહિત કુલ 15 ઉમેદવારોએ  ઉમેદવારી કરી છે અને તેના માટેના 18 ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે. ચાર દિવસના અંતે 425થી વધુ ઉમેદવારીપત્રો લઈ જવાયા પછી માત્ર 18 ફોર્મ ભરીને આવ્યા છે. ત્યારે હજુ ઉમેદવારીપત્રો રજૂ કરવા માટેના બે દિવસો બાકી છે. જેથી બાકીના બે દિવસોમાં ઉમેદવારીપત્ર રજૂ કરવા માટે ભારે ધસારો થશે.

ઉમેદવારોના નામોની જાહેરાત બાદ સુધારો કરવા ફરજ પડી: પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું નામ પાછળથી ઉમેરાયું

મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 વર્ષના 64 ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીની યાદી આજે પ્રદેશ કાર્યાલય મારફતે પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં જામનગરની સૌ પ્રથમ યાદી જાહેર થઈ જેમાં ત્રણ નંબરમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રનું નામ જાહેર કરાયું હતું જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ કપાઈ ગયું હતું. જે અંગેના ટેલિફોનિક તાર જણ જણતા થયા અને આખરે ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં સુધારો કરવો પડયો હતો, અને અડધો કલાક પછી નામ સુધારા સાથેને ફરીથી નવી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર તથા સ્ટેન્ડિંગ કમિટીમાં પૂર્વ ચેરમેન સુભાષ જોશી કે જે મુખ્ય દાવેદાર હતા. તેઓનું નામ પ્રથમ યાદીમાં કપાઈ ગયું હતું અને તેમના સ્થાને પૂર્વ કોર્પોરેટરનાં પુત્ર આશિષ કંટારીયાનુ નામ પ્રસિદ્ધ થયું હતું. જેથી વોર્ડ નંબર ત્રણમાં ભારે દોડધામ થઈ હતી અને સ્થાનિક મોવડી મંડળ તેમજ ભાજપના પ્રદેશ કક્ષાએ પણ ટેલિફોનિક તાર ઝણઝણતા થયા હતા. અને આખરે તે નામમાં ભૂલ થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું અને અડધો કલાકના સમયગાળામાં જ જામનગર શહેર ભાજપની નવી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી. જેમાં આશિષભાઈ કંટારીયાના સ્થાને સુભાષભાઈ જોશી વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.