Abtak Media Google News

જામનગરના માધવ બાગ વિસ્તારમાં બે દિવસ પહેલા ધોળા દિવસે ઘરફોડ ચોરી થયાની ફરિયાદ થયા પછી પોલીસે ફરિયાદમાં રહેલી કેટલીક ત્રુટીઓ પર ફોકસ કરી ફરિયાદીના પત્નીની પૂછપરછ કરતા તેઓએ ચોરીની ખોટી ફરિયાદ કરાયાની વિગતો મળી છે તે મહિલાએ જેને  દાગીના આપી દીધા હતા તે શખ્સને પોલીસે અટકાયતમાં લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરના બાધવ બાગ-૧ વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી શેરી નં.૩માં જયેશભાઈ બાલમુકુંદ અગ્રાવતના મકાનમાં સોનાના દાગીનાની ચોરી થયાની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી જેની પીઆઈ આર.જે. પાંડર, સેક્ધડ પીઆઈ યુ.સી. માર્કન્ડેય વગેરેએ તપાસ શરૃ કરી હતી.

પ્રાથમિક રીતે પોલીસને ચોરીની આ ફરિયાદમાં કંઈક ખોટું હોવાની ગંધ આવતા પોલીસે તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ આરંભતા આ ફરિયાદના ભેદ પરથી પરદો ઉંચકાવા પામ્યો છે. ફરિયાદી જયેશભાઈના પત્નીની પોલીસે પૂછપરછ કરતા આ મહિલાએ જાહેર કરેલી વિગત મુજબ જયેશભાઈના ઘેર સંતાનમાં દીકરો ન હોય તેઓના પત્ની પાડોશમાં રહેતા અને સંતાનમાં પુત્ર ધરાવતા રોહિતભાઈ આનંદભાઈ પરમારને ત્યાં તે બાળકને રમાડવા માટે જતાં હતા જેથી બન્ને પરિવાર વચ્ચે ઘનિષ્ઠતા કેળવાઈ હતી તેના પગલે થોડા સમયથી આર્થિક સંકળામણમાં સપડાઈ ગયેલા રોહિતભાઈએ આ મહિલાને પોતાના ઘરમાં રહેલા સોનાના દાગીના આપી દેવાનું કહ્યું હતું.

આ શખ્સની વાતોમાં આવી ગયેલા જયેશભાઈના પત્નીએ બુધવારે પોતાના ઘરેથી સોનાના દાગીના લાવી રોહિતભાઈને સોંપ્યા પછી જયેશભાઈને ઘરમાં ચોરી થઈ હોવાની વાત જાહેર કરી હતી જેના પગલે જયેશભાઈએ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જેની સઘન તપાસ કરતા ઉપરોક્ત હકીકત બહાર આવવા પામી છે. આઈપીસી ૩૮૦, ૪૫૪ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં પોલીસે મૂળ આમરા ગામના વતની અને હાલમાં ગોકુલનગર શેરી નં.૧રમાં રહેતા સતવારા રોહિત પરમારની અટકાયત કરી તેના કબજામાંથી સોનાનું મંગળસૂત્ર, બે ચેન, બે વીંટી મળી કુલ રૃા.૨,૩૫,૮૦૦નો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ આઈ.એસ. વસાવા, સ્ટાફના પ્રતિપાલસિંહ, રાજુભાઈ સૂવા, રાજેન્દ્રસિંહ બચુભા, લાભુભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ બચુભા, હિતેશ મકવાણા, હિતેન્દ્રસિંહ અનોપસિંહ સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.