Abtak Media Google News

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હૈયાધારણા

રી-ડેવલપમેન્ટ  યોજના હેઠળ તમામ મુખ્ય ફલેટ ધારકોને મનપા 40% વધારા સાથે નવા ફલેટ બનાવી આપશે: ભાડુ પણ ચૂકવશે

જામનગર મહાનગર પાલિકા દ્વારા અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસના ફ્લેટધારકોને પાંચ દિવસમાં તમામ બિલ્ડીંગો ખાલી કરી દેવાના આદેશ અપાયા પછી ફ્લેટધારકો ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી પાસે રજૂઆત કરવા ગયા હતા, દરમિયાન ધારાસભ્ય દ્વારા તમામ મુખ્ય ફ્લેટ ધારકોને રી-ડેવલોપમેન્ટના પ્લાન હેઠળ 40 ટકા વધારા સાથે ના નવા ફ્લેટ વિના મૂલ્ય મળશે, તેમ જ તેટલા સમય સુધીનું નિયત ભાડું પણ ચૂકવાશે તેવી હૈયાધારણાં આપી છે. દરમિયાન આવાસ ના ફ્લેટ ધારકો ફ્લેટ ખાલી કરવા ના કામ માં જોડાઈ ગયા છે.

જામનગરમાં અંધાશ્રમ પાસેની મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી  1404 આવાસ યોજના ના ફ્લેટ હાલ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલીક અસરથી ખાલી કરી દેવા પાંચ દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું.

જેના ત્રણ દિવસનો સમયગાળો વીતી ગયા પછી કેટલાક ફ્લેટ ધારકો  જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને મળવા માટે ગયા હતા. તે સમયે તેઓએ તમામ મુખ્ય ફ્લેટ ધારકોને મહાનગરપાલિકાના તંત્ર તરફથી નવા ફ્લેટ આપવા માટેની હૈયાધારણાં આપી હતી.

જામનગર મહાનગર પાલિકાના મેયર- કમિશ્નર તેમજ અન્ય પદાધિકારીઓ- અધિકારીઓના પ્રયાસથી હાલમાં 1404 આવાસ વાળી જગ્યા કે જેમાં તમામ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયા હોવાથી તે તમામને તોડી પાડવામાં આવશે, અને તે જગ્યા ખુલ્લી કરાવ્યા પછી તે જ સ્થળે રી-ડેવલપમેન્ટના પ્લાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લેટ ધારકોને નવા ફ્લેટ બનાવી અપાશે, અને તે પણ 40 ટકા ના વધારા સાથે ફ્લેટનું બાંધકામ કરીને વિના મૂલ્યે આપવામાં આવશે.

એટલું જ માત્ર નહીં જે મુખ્ય ફ્લેટ ધારકો, કે જેઓએ જામનગર મહાનગરપાલિકા સાથે કરાર કરીને અગાઉ ફ્લેટની ખરીદી કરી છે, તે મુખ્ય ફ્લેટ ધારકો કે જેઓને સરકારશ્રીના નિયત થયેલા ભાડા ના દર  મુજબના ભાડાની રકમ પણ ચૂકવાશે. જ્યાં સુધી ફ્લેટનો કબજો ન મળે ત્યાં સુધી ભાડા ની રકમ મહાનગરપાલિકા ચૂકવતી રહેશે, તેવી પણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા હૈયા ધારણા અપાઇ છે. દરમિયાન મહાનગર પાલિકા દ્વારા  આવાસના મકાનો ખાલી કરી દેવા માટેની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે મોટાભાગના ફ્લેટ ધારકો પોતાને જ્યાં મકાનો ભાડે મળે તે સ્થળે અથવા તો અન્ય વૈકલ્પ વ્યવસ્થા ના ભાગરૂપે પોતાનો સર સામાન કાઢીને સ્વયંભૂ ફલેટ ખાલી કરવાની પ્રક્રિયામાં જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.