Abtak Media Google News

જામનગર સમાચાર

સમગ્ર વિશ્ર્વમાં ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ  તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળ બે મહત્વના કારણો જોડાયેલા છે. એક તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહેલું પ્રમાણ અને બીજુ મહિલાઓ શરમ અને સંકોચના કારણે સ્તન કેન્સરની તપાસ કરાવવા આગળ ન આવવાના કારણે વધી રહેલી આર્થીક, સામાજિક તથા શારીરિક મુશ્કેલીઓ.મહિલાઓ સામે ચાલીને મેમોગ્રાફી સ્ક્રીનીંગ કરાવે તે માટે જી.જી.હોસ્પિટલ દ્વારા આ માસની ઉજવણી દરમિયાન નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના વધુમાં વધુ મહિલાઓ જી.જી. હોસ્પિટલ ખાતે આવી સ્ક્રિનિંગ મેમોગ્રાફી કરાવે અને સ્તન કેન્સર થાય તે પહેલા જ જાતે કાળજી લઈ જાગૃત બને તે માટે જી.જી.હોસ્પિટલના સહ પ્રાદ્યાપક અને ક્ધસલન્ટ રેડીયોલોજીસ્ટ ડો.શિલ્પા ચુડાસમાએ તમામ મહિલાઓને અનુરોધ સહ વિવિધ સુચનો કરેલ છે.

Whatsapp Image 2023 10 02 At 12.40.45 74Ddcc2E
ગત વર્ષે જી.જી. હોસ્પિટલમાં 2600 જેટલી મહિલાઓએ સામે ચાલી આ મેમોગ્રાફી તપાસ કરાવેલ જેમાં માત્ર 11 મહિલાઓને પ્રથમ સ્ટેજના સ્તન કેન્સરનુ નિદાન થયેલ અને તેઓને ત્વરિત સારવાર મળતા આ તમામ બહેનો કેન્સર મુક્ત બન્યા. જ્યારે આ જ વર્ષમાં 250 જેટલી મહિલાઓ કેન્સરના લક્ષણો સાથે તપાસ કરાવવા આવેલ જેમાની 70 જેટલી મહિલાઓને ત્રીજા કે ચોથા સ્ટેજનું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. આમ ફળીભૂત થાય છે કે વહેલુ નિદાન કરાવવાથી સરળતાથી આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. સરળતાથી મેમોગ્રાફી તપાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રજાના દિવસો સિવાય 2554193 નંબર પર ફોન કરીને મહિલાઓ રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે.

વિશ્વ  સ્તન કેન્સર જાગૃતી માસમાં મહિલાઓ વધુમાં વધુ મેમોગ્રાફી કરાવવા આગળ આવે અને વૈશ્વિક કક્ષાની આ ઉજવણી જામનગરમાં પણ એટલી જ અસરકારકતાથી ઉજવાય તે માટે શરમ, સંકોચ કે ડર રાખ્યા વિના તપાસ કરાવી સ્વસ્થ ભારતના નિર્માણમાં જિલ્લાની મહિલાઓ સક્રિયતાથી સહભાગી બને તે માટે જી.જી. હોસ્પિટલના તજજ્ઞોએ અપિલ કરી છે.

સ્તન કેન્સર થવાના મુખ્ય કારણો:

સ્તન કેન્સર થવાના ઘણા કારણો છે જેમાંના મુખ્ય કારણ તરીકે જિનેટિક એટલે કે વંશ પરંપરાગત રીતે લોહીમાં જ સ્તન કેન્સરનું પ્રમાણ હોવું તેમજ માસિકના અંત:સ્ત્રાવોનો ફેરફાર, માસિકની અનિયમિતતા, વંધ્યત્વ, મોટી ઉંમરે પ્રસુતિ, બેઠાડું જીવન, મેદસ્વિતા તેમજ બાળકને સ્તનપાન ન કરાવેલ હોય આવા પ્રકારના કિસ્સાઓમાં સ્તન કેન્સર થવાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

સ્તન કેન્સરથી બચવાના ઉપાયો:

મહિલાઓમાં સ્તન કેન્સર છે કે નહીં તે જાણવા સ્ક્રિનિંગ મેમોગ્રાફી તપાસ કરાવી અત્યંત જરૂરી છે. મેમોગ્રાફી એટલે જેમાં એક ખાસ પ્રકારના મશીન દ્વારા સ્તનની તપાસ કરાય છે જેમાં મગ કે ચણાની દાળના માપની બારીક કેન્સરની ગાંઠ પણ પકડાઈ જાય છે અને તેને લીધે બહેનો માટે સ્તન કેન્સરની સારવાર અત્યંત સરળ બની જાય છે તેમજ સ્તન કઢાવવા સહિતના મોટા ઓપરેશનની જરૂર રહેતી નથી.પ્રથમ તબક્કામાં નિદાન થયેલ આ કેન્સર ગ્રસ્ત મહિલાઓનો જીવ બચાવવાની શક્યતા સો ટકા જેટલી થઈ જાય છે.

મહિલાઓને કેન્સર આવે તો ગભરાવવાની જરૂર નથી પ્રથમ તબક્કાની સારવાર સરળ અને બિન ખર્ચાળ છે

જિલ્લાના તમામ મહિલાઓને અનુરોધ કરતાં ડો.શિલ્પા ચુડાસમાએ જણાવ્યું છે કે સ્તન કેન્સરથી ડરવાની જરૂર નથી. જેટલું વહેલું નિદાન થશે તેટલી જ ઝડપી સારવાર થશે જેના કારણે પ્રથમ તબક્કામાં જ મહિલાઓ કેન્સર મુક્ત થઈ પુન:સ્વસ્થ જીવન જીવી શકશે. મેમોગ્રાફી તપાસમાં જો કેન્સર આવે તો ગભરાવાની જરૂર નથી કારણ કે પ્રથમ તબક્કાની સારવાર ખૂબ જ સરળ અને બિન ખર્ચાળ છે. સાથે-સાથે મહિલાઓએ સમયાંતરે પોતાના સ્તનની જાત તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે જેથી જો સ્તનમાં કંઈ પણ ફેરફાર જણાય તો સમયસર તેનુ નિદાન કરાવી શકાય.

જી.જી. હોસ્પિટલમાં નજીવા દરે મેમોગ્રાફીની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ;

જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનું મેમોગ્રાફી મશીન ઉપલબ્ધ છે. આ મશીન ખૂબ જ બારીક પ્રકારનુ સ્તન કેન્સર પકડવા પણ સક્ષમ છે. મેમોગ્રાફી તપાસનો ભાવ સરકાર દ્વારા માત્ર 300 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ચાર્જ બે થી ત્રણ હજાર જેટલો ચૂકવવો પડતો હોય છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.