Abtak Media Google News

બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઉગ્રવાદીઓ હથિયારો મોકલાવી મણિપુરમાં હિંસા ભડકાવતા હોવાનો NIAનો ધડાકો

Manipur

નેશનલ ન્યૂઝ

મણિપુરમાં સ્થિતિ સતત વણસી રહી છે. એક જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. વધુમાં સરકારે ઈન્ટરનેટ બેન લંબાવ્યો છે. બીજી તરફ આ હિંસા પાછળ દેશ બહારમાં તત્વો જવાબદાર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ બગડી રહી છે. આ વખતે કારણ બે વિદ્યાર્થીઓના અપહરણ અને તેમની હત્યા છે. આ મામલે સીબીઆઈએ 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આરોપીઓને મહત્તમ સજા આપવાનો પ્રયાસ કરીશું. દરમિયાન આ ચાર લોકોની ધરપકડના વિરોધમાં ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ સહિત અન્ય આદિવાસી સંગઠનોએ ચુરાચાંદપુર જિલ્લામાં આજથી પૂર્ણ બંધની જાહેરાત કરી દીધી છે.

સ્થિતિને જોતાં મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પર મૂકાયેલા પ્રતિબંધને 6 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું હતું કે બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં સીબીઆઈએ ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા આપવાનો પ્રયાસ કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને એક વિશેષ ફ્લાઈટમાં રાજ્યથી બહાર લઈ જવાયા છે.

બીજી બાજુ કુકી સમુદાયના સંગઠને આ ધરપકડને અપહરણ ગણાવી તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમણે રવિવારે રાતે ચુરાચાંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં દેખાવ કર્યા હતા. સાથે જ 1 ઓક્ટોબરથી ચુરાચાંદપુરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે બંધની જાહેરાત કરી દીધી હતી. મણિપુરના માધ્યતા પ્રાપ્ત આદિવાસી સમૂહ આઈટીએલએફએ ધરપકડના વિરોધમાં આજે 10 વાગ્યાથી ચુરાચાંદપુર જિલ્લામાં અનિશ્ચિતકાળ માટે બંધનું આહ્વાન કર્યું છે અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો 48 કલાકમાં ચાર લોકોને મુક્ત નહીં કરવામાં આવે તો તેમણે માઠા પરિણામો ભોગવવા પડશે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મણિપુરમાં થયેલી હિંસા અંગે મોટો ખુલાસો કર્યો છે. તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મ્યાનમાર અને બાંગ્લાદેશના આતંકવાદીઓ મણિપુરમાં હથિયાર અને દારૂગોળો સપ્લાય કરતા હતા. રિપોર્ટ અનુસાર, મ્યાનમાર અને બાંગ્લાદેશના કેટલાક આતંકવાદી જૂથોએ મણિપુરના આતંકવાદી નેતાઓ સાથે મળીને હિંસક ઘટનાઓનું ષડયંત્ર રચ્યું હતું.
અહેવાલ મુજબ, આ બંને દેશોના કેટલાક આતંકવાદી જૂથો મણિપુરને સતત હથિયાર અને દારૂગોળો સપ્લાય કરી રહ્યા હતા. તેઓ યુદ્ધ સામગ્રીનું ભંડોળ પણ આપી રહ્યા છે. આ કેસમાં એનઆઈએએ શનિવારે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ વ્યક્તિ પર મણિપુરમાં જાતિય હિંસા અને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.