Abtak Media Google News

હાલાર અને દ્વારકા જીલ્લામાં 1521 વીજપોલ ધરાશાઇ: 526 ગામોમાં વિજળી ગુલ

બિપરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં સર્જાયેલ ફેરફાર દરમ્યાન જામનગર જિલ્લામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં 24 કલાકમાં જામનગરમાં 39 મીમી, ધ્રોલમાં 36 મીમી, જામજોધપુરમાં 91 મીમી, જોડીયામાં 31 મીમી, કાલાવડમાં 67 મીમી, લાલપુરમાં 39 મીમી સહિત જામનગર જિલ્લામાં અંદાજીત 51 મીમી વરસાદ ખાબક્યો છે.

જામનગર શહેરમાં ભારે પવનને કારણે ઘણા બધા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની તથા ડાળીઓ પડવાની ફરિયાદો તંત્રને મળી હતી.

તેથી ફાયર વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમોએ માર્ગો, ગલીઓ ખુલ્લા કરાવ્યાં હતા. હજું પણ જામનગરમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ વિજપોલ પડી ગયા હતા.

જામનગર જીલ્લામાં અને દ્વારકા જીલ્લામાં 1521 વીજપોલ ભારે પવન વરસાદને કારણે ધરાશાઇ થયા હતા તથા 526 ગામોમાં વીજપૂરવઠો ખોરવાઇ જતા અંધારપટ્ટ છવાઇ ગયો હતો.

જામનગર શહેરમાં વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા વીજ પોલ ધરાશાહી તથા તુરંત જ પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વીજપોલ ધરાશાઇ થતા અનેક માર્ગો બંધ થયો હતો. હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

કયાં કેટલો વરસાદ

  • જામનગર – દોઢ ઇંચ
  • જામજોધપુર – ચાર ઇંચ
  • ધ્રોલ – દોઢ ઇંચ
  • જોડીયા – દોઢ ઇંચ
  • કાલાવડ – ત્રણ ઇંચ
  • લાલપુર – દોઢ ઇંચ

સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીદ્રારા ફુડ પેકેટનું વિતરણ

Screenshot 15 7

જામનગર શહેરની સેવાભાવી સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના સહયોગથી આજે બીજા રાઉન્ડ માં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉદ્યોગકાર મેહુલભાઈ જોબનપુત્રા અને મિત્ર મંડળ નો પણ સહયોગ સાંપડ્યો છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, જે તમામ લોકો માટે જામનગરની સેવાભાવી સંસ્થા ઉપરાંત શહેર ભાજપના સંગઠન દ્વારા ફૂડપેકેટ બનાવવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે.

જેના અનુસંધાને જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ની આગેવાનીમાં પરમદીને 15,000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને જિલ્લા વહીવટી તંત્રને સોંપી દેવામાં આવ્યા હતા.

પરંતુ હજુ પણ જામનગરના અનેક આશ્રય સ્થાનોમાં સંભવિત વાવાઝોડાની દહેશતના પગલે નીચાણવાળા વિસ્તાર ના નાગરોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, અને તેઓને રાતવાસો કરવામાં આવી રહ્યો છે.  જેઓ માટે વધુ ફૂડપેકેટ ની જરૂરિયાત હોવાથી કેશવજી અરજણ લેઉવા પટેલ સંસ્થા તેમજ 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ફૂટ પેકેટ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યો. અને વિતરણ કરાયા.

અનેક વિસ્તારોમાં અંધારપટ

જામનગર શહેરમાં મોડી સાંજે વાવાઝોડાની અસર જોવા મળી હતી, અને પ્રતિ કલાકના 80 થી વધુ કિ.મી. ની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો, અને અનેક ઝાડ પડી ગયા હતા. જેની સાથે કેટલાક વીજ પોલ અને વિજ વાયર પણ તૂટી પડ્યા હતા, અને શહેરમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

જામનગર શહેરમાં સાંજે 7.30 વાગ્યા પછીથી એકાએક પવનની તીવ્રતામાં વધારો થયો હતો, અને ભારે તોફાની પવન ફૂંકાયો હતો. જે પવનની ગતિ 80 થી વધુ કી.મી.ની અંદાજવામાં આવી રહી છે, જેના કારણે અનેક ઝાડ પડી ગયા ના અહેવાલો મળ્યા છે. સાથોસાથ કેટલાક વિજ પોળ પણ હાલક ડોલક થતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વીજપોલ પર ઝાળની ડાળીઓ પડવાના કારણે વિજ પોલ ભાંગી ગયા હતા, અથવા તો થાંભલા અને વીજવાયર તૂટી પડ્યા હતા. જેથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, અને અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે.

જોકે માત્ર સામાન્ય છાંટા જ પડ્યા હતા, અને વરસાદ પડ્યો ન હતો. પરંતુ તોફાની પવનને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, અને લોકોએ વગર લાઈટે પણ ઘરમાં જ ભરાઈ રહેવાનું પસંદ કર્યું હતું.

ધરાશાથી થયેલા 61 વૃક્ષો ખસેડતું તંત્ર

સંભવિત બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે. જેના પરિણામે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય બે દીવસમાં જિલ્લામાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. પરંતુ રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની કુલ 18 ટીમો કાર્યરત છે. અને તમામ વૃક્ષો ખસેડવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં વૃક્ષો ધરાશાઈ થવાના પરિણામે એક પણ રસ્તો બંધ નથી. જામનગર જિલ્લાના ધ્રોલ,જોડિયા, લાલપુર,કાલાવડ, જામજોધપુર,વસઇ, મોટી ગોપ વગેરે જગ્યાએ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા ઈમરજન્સીના સમયે કોઈ રસ્તા બ્લોક થાય તો તે ક્લિયર કરવાની કામગીરી તથા વૃક્ષ કે અન્ય કોઈ ભારે સામાન રસ્તા ઉપર પડે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેથી વાહન વ્યવહાર જળવાઈ રહે. અને રસ્તાઓ બ્લોક ન થઈ જાય.

પતરાની મોટી આડશ દૂર કરાઈ

Screenshot 16 5

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ની બાજુમાં એક ખાલી પ્લોટને પતરા થી કવર કરવામાં આવ્યો હતો, અને સમગ્ર પ્લોટની ફરતે મોટા મોટા પતરા ની આડશ ઊભી કરવામાં આવી હતી. હાલમાં સંભવિત વાવાઝોડાના પગલે ભારે પવનથી પતરા ઉડે અને આસપાસના લોકોને નુકસાન પહોંચાડે, તેવી દહેસતના પગલે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આવા 100 થી વધુ પતરાઓ કબજે કરી લેવામાં આવ્યા હતા, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.

વાવાઝોડાની દહેશતના પગલે  બજારો સુમસામ

Screenshot 17 3

જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડા ના પગલે આજે તમામ વેપારીઓએ પોતાના વેપાર રોજગાર સંપૂર્ણ પણે બંધ રાખ્યા છે, અને શહેરની તમામ મુખ્ય બજારો સજ્જડ બંધ રહી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બે દિવસ માટે વેપારીઓને પણ સ્વયંભૂ પોતાના વેપાર ધંધા- કારખાના વગેરે બંધ રાખવા માટે ની અપીલ કરવામાં આવી હતી, જેની સારીએવી અસર આજે શહેરમાં જોવા મળી છે. શહેરના બ્રાસ સહિતના તમામ ઉદ્યોગો કારખાનાઓ બંધા રહયા છે, એટલુંજ માત્ર નહીં શહેરની તમામ મુખ્ય બજારો પણ આજે બંધ રહી છે. રણજીત રોડ, ચાંદી બજાર, બર્ધન ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, સુપર માર્કેટ, ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ, પંચેશ્વર ટાવર પટેલ કોલોની, સત્યમ કોલોની, ખોડીયાર કોલોની, ગુલાબ નગર સહિતના અનેક વિસ્તારોમાં મોટાભાગની દુકાનો આજે સ્વયંભૂ બંધ રહી છે, અને કુદરતી સંચારબંધી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.  અને મોટાભાગે શહેરીજનોએ સંભવિત વાવાઝોડાના પગલે પોતાના ઘરમાંજ રહેવાનું પસંદ કર્યું છે. જેથી જામનગર શહેરમાં જાનમાલની નુકસાની ની સંભાવનાઓ નહીવત રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.