Abtak Media Google News

જામનગરના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોના પ્રતિષ્ઠિત સંગઠન જામનગર ફેકટરી ઓનર્સ એસો.ની કુલ 20 પૈકી 18 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. નોનફેરસ મેટલ વિભાગની બન્ને બેઠકના ઉમેદવાર અગાઉ બિન હરીફ જાહેર થયા છે. સાંજે 5-00 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરી હાથ ધરવામાં આવશે અને રાત્રિ સુધીમાં પરિણામ જાહેર થઇ જશે. ફેકટરી ઓનર્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ લાખાભાઇ કેશવાલાની પ્રગતિશીલ પેનલ અને પૂર્વ પ્રમુખ રામજીભાઇ ગઢિયાની વિઝન ગ્રુપ પેનલ વચ્ચે રસાકસીભર્યો જંગ જામવાની સંભાવના જોવાઇ રહી છે.

જામનગર શહેરને આગવી ઓળખ આપનારા બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોન સંગઠન જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાઇ રહયું છે. ઉદ્યોગનગરમાં આવેલી સંસ્થાની કચેરીએ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. 2022થી 2025 સુધીની મુદત માટે કારોબારી સમિતિની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહયું છે. આ સંસ્થામાં કુલ 1400 જેટલા ઉદ્યોગકારો સભ્ય છે.

ફેકટરી ઓનર્સ એસોસિએશનની આ મહત્વની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ લાખાભાઇ કેશવાલાની પ્રગતિશીલ પેનલ જયારે પૂર્વ પ્રમુખ રામજીભાઇ ગઢિયાની વિઝન ગ્રુપ પેનલ વચ્ચે જંગ લડાઇ રહ્યો છે. ગઇકાલે ઉદ્યોગનગરમાં શુક્રવારને કારણે રજા હોવાથી આખો દિવસ ચૂંટણીનો રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. બન્ને જૂથ મતદારોને પોતાના તરફ ખેંચવા સક્રિય રહયા હતા. વિઝન ગ્રુપ દ્વારા તમામ વિભાગમાં કુલ 19 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. જયારે પ્રગતિશીલ પેનલે બ્રાસ વિભાગમાં 12 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમના કુલ ઉમેદવારોની સંખ્યા 18 છે. જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનમાં કુલ 4 વિભાગનો સમાવેશ થાય છે. જેમાં બ્રાસ વિભાગ, ફ્રાઉન્ડ્રી વિભાગ, નોન ફેરસ મેટલ વિભાગ તથા જનરલ વિભાગ, બ્રાસ વિભાગની 13 બેઠક છે.

જયારે ફાઉન્ડ્રી વિભાગની પાંચ બેઠક છે. ત્રીજો વિભાગ નોન ફેરસ મેટલનો છે. જેના બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ચૂકયા છે. આજે સવારથી જ ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક મતદાન માટે ઉમટી પડયા હતા. ઉદ્યોગનગરમાં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો. સાંજે 5-00 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મત ગણતરી શરૂ કરી દેવામાં આવશે અને રાત્રે 9 વાગ્યા સુધીમાં ચૂંટણીના પરિણામો આવી જવાની સંભાવના ચૂંટણી અધ્યક્ષ વિજયભાઇ શેઠે દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.