જન્માષ્ટમી સ્પેશ્યલ: જામજોધપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થપાયું હતું ગોપનાથ મંદિર, જાણો 5000 વર્ષ જૂનો ઇતિહાસ

અબતક,જામનગર

સૌથી પ્રાચીન મંદિરોમાં સમાવિષ્ટ જામજોધપૂર તાલુકામાં બરડાની તળેટીઓ પર આવેલ “ગોપનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરમાં પ્રખ્યાત છે. ભગવાન શિવના દર્શનાર્થે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે. તેમાં પણ સોમવારે અને શ્રાવણમાસમાં તો ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે. તળેટીઓ ઉપર ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત આ મંદિરનો કુદરતી નજારો પણ એટલો જ અદ્ભૂત છે જેટલો રસપ્રદ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે બરડા ગોપની તળેટીઓ પર ગોપનાથ મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિર પર લાલપુરથી ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોપના ડુંગર પર 6 કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા અથવા પાંચસો જેટલાં પગથિયાં ચડી પહોંચી શકાય છે. તળેટીથી આ ડુંગર આશરે 150 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. મંદિરની સ્થાપના 5000 વર્ષ પૂર્વે કરવામાં આવી હોવાથી ડુંગર ઉપર ચડવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી.

પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથીયાં ચડી જવું પડતું હતું, પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ચઢવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર નજીક ગુરૂઓની સમાધી પણ છે. ડુંગર પરથી તળેટીમાં આવેલ મોટી ગોપ ગામ ઉપરાંત ચોતરફ ઝરણાં, ચેકડેમ, તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે.આ ઉપરાંત ડુંગરની ઉત્તર-પૂર્વ દિશા તરફની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે.આ રસ્તામાં અનેક પથ્થરો આવેલા છે. અને આજુબાજુમાં પ્રકૃતિનો નયનરમ્ય નજારો દર્શનાર્થે આવતા દરેક ભક્તોનું મનમોહી લે છે. ભગવાન શિવના દર્શનાર્થે અંહી અનેક ભક્તો સિવાય રજાના દિવસોમાં અને તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં પણ શ્રાવણમાસમાં તો મંદિરનું મહત્વ અનેક ગણું વધી જાય છે.

રોજે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. પરંતુ હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં ભક્તોની ભીડ એકઠી થવા દેવા પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે.પૌરાણિક મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આશરે 5000 વર્ષ પૂર્વે 16 હજાર ગોપ બાળાઓને ઝીણાવારી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોંયરામાં કેદ કરવામાં આવી હતી, આ ગોપીઓની પ્રાર્થના સાંભળી શ્રીકૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી હતી તથા રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા, ભોંયરૂ તેમ જ નદી કિનારે શિવાલય અને કૃષ્ણ ભગવાનના પગલાંની છાપ જોવા મળે છે. આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ ક્ધયાઓને જયાં પુરી રાખેલી તે ગુફાઓ આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે. મંદિરના નિર્માણમાં માત્ર પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરોની કલા કોતરણીજ એ રીતે કરવામાં આવી છે કે તેના જોડાણમાં એક પણ વસ્તુની જરૂરિયાત ન પડે. જામનગર જિલ્લામાં આવેલ આ અતિપ્રાચીન મંદિરની મુલાકાત એક વખતતો અવશ્ય લેવી જ જોઈએ.