Abtak Media Google News
ગ્રામ્ય વિસ્તારોમાં જંત્રી રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ 95 ટીમોએ 547 જેટલા ગામોમાં સચોટ રીતે સર્વે કર્યો છે. હવે સબ રજીસ્ટ્રાર કચેરી અને મામલતદાર કક્ષાએ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ પ્રાંત અને કલેકટર બન્ને વેરિફિકેશન કરી સરકારમાં રીપોર્ટ કરશે.
સરકાર દ્વારા જંત્રી રી-સર્વે કરવા માટે ખાસ અભિયાન હાથ ધરાયુ છે. જે મુજબ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અંદાજે ૩૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા ૯૫ ટિમો બનાવી રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં જંત્રી રીવીઝનની કામગીરીનો પ્રારંભ તા. ૧૫ મેના રોજ કરવામાં આવ્યો હતો.
હાલ રાજકોટના જિલ્લાના ૧૧ તાલુકામાં ૫૪૭ ગામોમાં રીસર્વે માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકએ જણાવ્યું કે રી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ 4 તબક્કે વેરિફિકેશન કરવાનું હોય છે. જેમાં સબ રજીસ્ટ્રાર કચેરી અને મામલતદાર કક્ષાએ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. હવે પ્રાંત કક્ષાએ એટલે કે તેઓની કક્ષાએ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જે થઈ ગયા બાદ જિલ્લા કલેકટર સમક્ષ આ રી સર્વેનો અહેવાલ વેરિફિકેશન માટે મુકવામાં આવશે. આ બન્ને તબક્કાની વેરિફિકેશન પ્રક્રિયા એકાદ સપ્તાહમાં પૂર્ણ થઈ જશે એટલે સરકારમાં આ અંગે રિપોર્ટ કરવામાં આવશે.
રાજકોટ મહાપાલિકા, 6 નગરપાલિકા અને રૂડાના 54 ગામોમાં હવે રી સર્વે કરાશે
સરકાર દ્વારા જંત્રી રી સર્વેનો આદેશ મળ્યા બાદ રાજકોટ જિલ્લામાં બે તબક્કામાં રી સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામ્ય કક્ષાનો રી સર્વે પૂર્ણ થઈ ગયો છે. હવે શહેરી કક્ષાનો રી સર્વે શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની 400 જેટલી સોસાયટી, 6 નગરપાલિકાઓ અને રૂડાના 54 ગામોનો સર્વે કરવામાં આવશે.
11 વર્ષ બાદ જંત્રી માટે સચોટ સર્વે
મહેસુલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. જોકે તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ સુધી અમલમાં હતી. પણ ફરી જંત્રીના દરમાં વધારો જાહેર થતા 11 વર્ષ બાદ સચોટ સર્વે કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.