Abtak Media Google News

અબતક, રાજકોટ

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક તેમજ જિલ્લાઓમાં અને રાજ્યકક્ષાએ ન્યૂઝ ચેનલો, વેબ ચેનલો અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓની સંખ્યા સતત વધી રહી છે અને સામે તેમના રજીસ્ટ્રેશન અંગેની કોઇ ચોક્કસ માર્ગદર્શિકા અમલમાં આવી નથી. પરિણામે સોશિયલ મિડીયા જેવા કે યુટ્યૂબ, ફેસબુક વગેરે પ્લેટફોર્મ ઉપર સાવ ઓછી સંખ્યામાં ફોલોવર ધરાવતા હોવા છતાં મોટી સંખ્યામાં માત્ર મોબાઇલ અને બૂમ જેવા સાધનો લઇ આવીને રાજ્ય સરકારના અગત્યના કાર્યક્રમોમાં આવી કવરેજ માટે જે અગત્યની ન્યૂઝ ચેનલો અને પ્રીન્ટ મિડીયાના પ્રતિનિધિઓ છે તેમના સામે અવરોધ રૂપ ઊભા થઈ રહ્યા છે , જેથી આ પ્રકારના રજિસ્ટ્રેશન ન ધરાવતી ચેનલો ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

 રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશને કલેકટરને આવેદન પાઠવ્યું 

એટલું જ નહીં આ પ્રકારના સોશિયલ મીડિયામાં માત્ર લોકો બનાવી પત્રકાર હોવાનો દાવો કરતા અને કહેવાતા પત્રકારો અને કેમેરામેન રાજ્ય સરકારની જુદી-જુદી કચેરીઓમાં જય અસભ્ય વર્તન કરી કર્મચારીઓને ધાક ધમકી આપતા હોય છે જેના કારણે સામાન્ય જનતામાં અન્ય પ્રકારો વિશે ગેરસમજણ ઉભી થતી હોય છે. આ તકે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે લોકલ નેટવર્ક ની ચેનલો અને પ્રીન્ટ મિડીયાના પ્રતિનિધિઓ રાજ્ય સરકારમાં નોંધાયેલા હોય છે અને એ માત્ર લોકજાગૃતિ અને સરકારની વિકાસ યોજના અને ક્યારેક સરકાર અને પ્રજા વચ્ચે ની મહત્વની કડી બનવાનું કામ પણ કરતું હોય છે. આ પ્રકારના કેમેરામેન અને પ્રતિનિધિઓ કચેરીમાં જઇ અધિકારીઓને હેરાન-પરેશાન કરતા હોય છે અને મોબાઇલથી શૂટિંગ કરી કર્મચારી અધિકારીઓને માનસિક ત્રાસ આપવાનું કૃત્ય કરતા હોય છે. એટલું જ નહીં અનેક જગ્યાએ નાણાકીય માંગણીઓ પણ કરવામાં આવતી હોય છે. આ લેભાગુ પત્રકારો ના કારણે જે નોંધાયેલા પ્રતિનિધિઓ છે તેમને કોઇ અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા તાકીદે પગલાં લેવામાં આવવા જોઈએ.

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી અને શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમય પહેલા રાજકોટના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માન્યતા ધરાવતાં પ્રતિનિધિઓને ઓળખકાર્ડ આપવામાં આવ્યા હતા જો આ પ્રકારના ઓળખકાર્ડ સ્થાનિક કક્ષાએથી અપાય તો આ પ્રશ્ન કંઈક અંશે હલ થઈ શકે છે. ત્યારે આ રજૂઆત પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે જે માન્યતા ધરાવતા જે પ્રતિનિધિઓ છે તેઓ તેમની કામગીરી સરળતાથી અને પ્રમાણિકતાથી કરી શકે તેમ જ ચોથી જાગીર તરીકે પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે તે જ એસોસીએશનની માંગણી છે.

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા આ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે રાજ્ય સરકાર અને અન્ય કાર્યક્રમો રાજ્ય કક્ષાએ યોજાતા હોય તો તે સમયે માહિતી ખાતા દ્વારા જિલ્લા તંત્રમાં મીડિયા વ્યવસ્થાઓ, મીડિયા મેનેજમેન્ટ સુચારુ રૂપથી થઈ શકે તે માટે માહિતી ખાતાની અલગ અલગ જિલ્લા કચેરીઓ દ્વારા સર્વ સામાન્ય અને એકસૂત્રતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવે. ત્યારે આ તમામ મુદ્દે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશને કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં આવેદન આપવા એસોસિયેશનના પ્રમુખ અશોકભાઇ બગથરીયા, ઉપ-પ્રમુખ દિવ્યરાજ સરવૈયા, મંત્રી ભાવિન રાજગોર, મોહિત ભટ્ટ પરાક્રમસિંહ જાડેજા ,ધર્મેશ વૈદ, શની મયદ, અંકિત પોપટ, ચેતન ઠકરાર, ધવલ ગોંડલીયા, કેતન લખતરિયા, જયેશ રાવરાણી, રવિ ચાવડા, નવનીત લસકરી, ભાવેશ લસકરી, સરફરાઝ પઠાણ સહિતના પત્રકારો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.