Abtak Media Google News

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી પૂર્વે કોંગ્રેસને તોડવાનો ભરપુર પ્રયાસ: જસદણ-વિંછીયા પંથકનાં કોંગ્રેસનાં ૨૫૦ કાર્યકર્તાઓને પણ ભાજપમાં જોડાશે: રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે જસદણ-વિંછીયાના કોંગ્રેસના માત્ર બે જ સભ્યો રહેશે

જસદણમાં જિલ્લા ભાજપનું આજે બપોરે સ્નેહમિલન છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૬ સભ્યો કેસરીયો ખેસ ધારણ કરવાના છે. આ ઉપરાંત જસદણ-વિંછીયા પંથકના કોંગ્રેસના ૨૫૦ કાર્યકર્તાઓ પણ કેસરીયો ખેસ ધારણ કરવાના છે. જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી પૂર્વે ભાજપ દ્વારા કોંગ્રેસને તોડવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવતા રાજકીય ગરમાવો જામ્યો છે.

ગણતરીના દિવસોમાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી જાહેર થવાની છે ત્યારે તે પૂર્વે જસદણ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આજરોજ બપોરે આયોજન કરવામાં આવ્યું છે. આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ સંમેલનમાં જિલ્લા પંચાયતના જસદણ-વિંછીયા પંથકના કોંગ્રેસના ૬ સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાવવાના છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સભ્યો કોળી સમાજના છે.

તેઓ ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સમર્થનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કરવાના છે. આ સભ્યો સાથે જસદણ-વિંછીયા પંથકના ૨૫૦ જેટલા કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવવાના છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજરોજ જિલ્લા પંચાયતના જસદણ-વિંછીયા પંથકના ૬ સભ્યો કેસરીયો ખેસ ધારણ કરવાના છે. તેમાં હંસાબેન મનજીભાઈ ભોજાણી, વજીબેન રામભાઈ સાકળીયા, વાલીબેન કાળુભાઈ તલાવડીયા, ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા, હેતલબેન રણજીતભાઈ ગોહેલ અને મગનભાઈ સીદાઈ મેટાળીયાનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતના આ ૬ સભ્યો ભાજપમાં જોડાવવાના છે.

જેમાં મુખ્ય ભૂમિકા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની રહી છે. ભાજપે જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી જાહેર થાય તે પૂર્વે જસદણ-વિંછીયા પંથકના કોંગ્રેસના ઘણા આગેવાનોને પોતાની તરફ ખેંચી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતમાં જસદણ-વિંછીયા પંથકના ૬ સભ્યો રાજીનામું ધરી દેશે. બાદમાં કોંગ્રેસ પક્ષના જસદણ-વિંછીયા પંથકના માત્ર બે જ સભ્યો અવસરભાઈ નાકીયા અને વિનુભાઈ ધડુક બચશે.

કોંગ્રેસના આ સભ્યો જોડાશે ભાજપમાં

* હંસાબેન મનજીભાઈ ભોજાણી

* વજીબેન રામભાઈ સાકળીયા

* વાલીબેન કાળુભાઈ તલાવડીયા

* ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા

* હેતલબેન રણજીતભાઈ ગોહેલ

* મગનભાઈ સીદાભાઈ મેટાળીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.