Abtak Media Google News

અખાત્રિજ એટલે વણજોયુ મુહુર્ત અખાત્રિજના પાવન દિવસે શુભ કાર્ય શ‚ કરવાનો લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. લોકો ઘરનું વાસ્તુ, ઘરની ખરીદી , સોના-ઘરેણાની ખરીદી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી અને શુભ કાર્યોનો પ્રારંભ અખાત્રિજના પાવન પર્વે શહેરનાં પેલેસ રોડ તેમજ સોની બજારમાં આવેલી જવેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement

આ અંવે વધુ વિગત આપતા શિલ્પા જવેલર્સ ના મેનેજર સંજયભાઇએ જણાવ્યું કે, આજનો અખાત્રીજનો દિવસએ સોનાની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. દિવાળી, ધનતેરસ, અને અખાત્રીજના દિવસે લોકો ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. જયારે સોમવારથી જ અખાત્રીજના દિવસને ઘ્યાનમાં રાખી અમે ગ્રાહકો માટે ખાસ સ્કીમ રાખી છે.

રાધિકા જવેલર્સના મેનેજર મુકેશભાઇએ જણાવ્યું હતું કે આજના અખાત્રીજના દિવસે લોકો ખાસ લગ્નની સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે આ ઉપરાંત ડાયમંડ વાઇડ ગોલ્ડ સહીતની અવનવી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે.

અક્ષય ફળ આપનાર અખાત્રીજ

વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા, અક્ષય-કારિણી જેનો કદી શ્રય ન થાય એનું નામ અક્ષય તૃતીયા યાને ‘અખાત્રીજ’.ભારતીય પર્વ પ્રધાન સંસ્કૃતિમાં ‘અક્ષય તૃતિયા’ની અનેરી, આગવી, મહિમા અને ગરિમા છે. પૂનમનો પડવો (ધૂળેટી) અમાસની બીજ (અષાઢી બીજ) વણ પૂછયુ મુહૂર્ત. તેરશ (ધનતેરશ) અને ત્રીજ (અખાત્રીજ) ભારતીય કાલ ગણના અનુસાર સામાન્યત ચાર સ્વયંમ સિઘ્ધ-અભિજીત મુહૂર્ત માનવામાં આવે છે.

આમ અક્ષય તૃતીયાએ પરમ સુખાકારી, હિતકારી, સ્વયં-સિદ્ધિ, મંગલકારી મુહૂર્ત છે. આમાં પણ ‘અક્ષય તૃતીયા’ રોહિણી નક્ષત્રથી યુકત હોયનો પરમ મંગલકારી બને છે. જોકે અન્ય લોકવાયકા કથન અનુસાર ચૈત્ર સુદ એકમ, વૈશાખ સુદ એકમ, જયેષ્ઠ સુદ એકમ અને અષાઢ સુદ એકમ, વર્ષના આ ચાર મહત્વપૂર્ણ આધાર સ્થંભ ગણવામાં આવ્યા છે. એ કથન અનુસાર, વૈશાખ સુદ એકમના ભરણી નક્ષત્ર આવતુ હોય તો, શાકભાજી, ઘાસચારો, સારો થાય. મુંગા અબોલ જીવોને સુખાકારી વર્તાય.

આ દિવસે કરવામાં આવેલ દાન, તપ, જપ, હવન, તીર્થ-સ્નાન વગેરે અક્ષય ફળ આપનાર બને છે એનો મોંઘેરો મહિમા છે. જૈનોના વર્ષાતપના પારણાનો અડ્ડાઈ કે ત્રણ દિવસના કરવામાં આવતા તેલાનો પણ આ પરમ પુનિત દિવસ છે. વર્ષમાં એકવાર વૃંદાવનમાં શ્રી બાંકે-બિહારીજીના શ્રીચરણના દર્શન પણ આજના શુભ દિને થાય છે. આ મંગલમય દિન ત્રેતા-સત્યુગના આરંભનો દિવસ પણ મનાય છે. જેથી યુગાદિ તિથિનો પરમ પુનિત પૂણ્યકાળ કહેવાય છે. આ દિવસે ગંગા સ્નાનનું અનેરુ મહત્વ અને મહિમા છે. કૃષિકારો અને સાગર ખેડુઓનો પણ આ પુનિત પર્વ ગણાય છે. હયગ્રીવના અવતારનો પણ આ દિવસ છે. પંજાબમાં આને ‘અણ-પુછા’ મુહૂર્ત કહે છે.

સ્વયમ્ સિઘ્ધ દિવસના હોવાના કારણે સૌથી વધુ વિવાહ સંસ્કાર પણ આજનો દિવસે થાય છે. જોકે આ વખતે વિવાહ મુહૂર્ત નથી. પંચમહાલ અને સાબરકાંઠાના ભીલો આજના દિનને ‘ખાતરી’ના દિન તરીકે ઉમંગભેર ઉજવે છે. અમે આને ‘ખાતરીયો’ મહિનો કહે છે. સુવર્ણ‚પી સર્વણરંગી ઘઉં ઘરમાં આવે અને ઘઉં‚પી ધાન્યથી ઘરમાં એના ભંડાર ભર્યા રહે, અક્ષય રહે એ માટે આ દિવસે કોઠારમાં ઘઉં ભરાય છે.

આમ ઘઉંનો મબલક પાક ઉતર્યા બાદ એના ભંડાર સદાય અભરે અક્ષય ભર્યા રહે, એવી ભાવના ભરતો માં અન્નપૂર્ણાનો ઓચ્છવનો પણ આ દિવસ છે. અક્ષય તૃતીયાએ અનેક પ્રસંગોને આવરી લેતા અનેરા ઓચ્છવનો મંગલમય દિન છે. આ દિવસે કરવામાં આવતું કોઈપણ શુભ કાર્ય, અખંડ, અક્ષય અને અમર રહે છે. જેથી તેને અક્ષય તૃતીયા અખાત્રીજ કહેવાય છે.

એમ કહેવાય છે કે લક્ષ્મીજીની ઉત્પતિ દિપાવલીના દિવસે થઈ પરંતુ એને સ્થાયી‚પમાં પ્રાપ્ત કરવા આજના દિવસે પૂજન કરાય છે. જેથી આજનો દિવસ પુજન માટે પણ શ્રેષ્ઠ છે. (લક્ષ્મીજીને ચંચલા કહેવાય છે એ અચલા આને સ્થાઈ રહે). આજના દિવસે કરેલુ પૂણ્ય ભવિષ્ય પુરાણના કથન અનુસાર ‘અક્ષય’ રહે છે. જેથી આજના દિવસે પૂજન, અર્ચન, તર્પણ, દાન વિગેરેનો પણ અનેરો મહિમા છે. જેથી અખાત્રીજ યાને અક્ષય તૃતિયા એ વાસ્તવમાં અનેરો, અનોખો, પાવક પર્વ અને દિવ્યદિન છે. આ દિવસે તલથી પિતૃતર્પણ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.