Abtak Media Google News

જમાદાર ભારતસિંહ ઉર્ફે ભામાઝાલા ઉર્ફે સવાઈ રીબેરો એ જે વાત કરી તે સાંભળી ને ફોજદાર જયદેવને ઠંડીનું લખલખુ આવી ગયેલું અને અચંબો પામી ગયેલ.

તે ખતરનાક વાત એમ હતી કે અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં ગેંગસ્ટર બાબુભૈયાએ જે ત્રણ સરદારજીની હત્યા કરેલી તે ગુન્હાની એલીબી (ગેરહાજરીનો પૂરાવો)નું કાવત્રુ મુળીમાં ફોજદાર ગોસાઈ સાથે મળીને કરેલું પરંતુ આ કાવત્રુ કર્યું તે પહેલા થોડા મહિના પહેલા જ મુળી પોલીસ સ્ટેશનના સરલા ગામની સીમમાં આવેલ એક મંદિરમાં પુજારી મહંતના ટેપરેકર્ડરની ચોરી થયેલી. મહંતને શક એક વાઘરી ઉપર હતો તેનું નામ ગોસાઈને આપ્યું. જોગાનું જોગ ગોસાઈનો એક બાતમીદાર સરલાનો જ વાઘરી.

વળી આ બંને વાઘરીનો શકદાર અને બાતમીદાર બંને વચ્ચે અબોલા અને અણબનાવ પણ હતો. ગોસાઈએ બાતમીદાર વાઘરીને મહંતની શંકા અંગે વાત કરી બંને વચ્ચે વાંધો તો હતો જ તેથી બાતમીદારે વિચાર્યું કે બરાબર નો લાગ આવ્યો છે. પોલીસ ભલે સામાવાળા શકદાર વાઘરીને ‘કુણો’ કરે, બાતમીદાર વાઘરી એ ફોજદાર ગોસાઈને મીઠુ મરચુ ભભરાવીને વાઘરીને વાત કરી કે પોતે જોયો છે અને વાત પૂરી થઈ શકદાર વાઘરીને પોલીસે ઉપાડી ને ઠમઠોર્યો પણ તેણે કાંઈ ચોરી કરી હોય તો કશુ મળે ને? મહંતે ફોજદારને કહ્યું ‘સાલા, હમ ભી બાવા ઔર તુમ ભી બાવા કૈસે ભી મેરા ટેપ લાહો!’ ગોસાઈએ મંદિરના બાજુના મકાનમાં જ બે દિવસથી ધામા નાખેલા અને દેશી તથા સસલાનો પણ બે દિવસથી કાર્યક્રમ ચાલે. લગભગ ચોવીસે કલાક નશામાં જ હોય.

શકદાર વાઘરીની બે દિવસથી ધોલાઈ ચાલુ હતી મુદામાલના ટેપરેકર્ડર અંગે કાંઈ હકિકત મળતી ન હતી વળી તેમાં ત્યાં મંદિરમાં નાનકડો પ્રસંગોપાત મેળો ભરાયેલો . બધા આવતા જતા જુએ કે વાઘરીની ધૂલાઈ ચાલુ છે. આથી લોકો પાછા મહંત પાસે ચોરીનો ખરખરો કરે કે બાપુ બહુ ખોટું થયું. આથી મહંતને ઝનુન ચડયું એટલે તેણે ગોસાઈ ને હવા ભરી ‘અરે બાવા ટેપ નહિ મીલતા હૈ તો જગહ ખાલી કરકે ચલે જાઓ સારે ગાંવ મેં હમારા તો તમાશા બનાદીયા હૈ, વળી ગોસાઈને ઝનુન ચડયું.

બાવાનું અને નશાનું બેનેનું આ મંદિરની બહાર એક મોટુ વડનું ઝાડ હતુ ગોસાઈએ ત્યાં શકદાર વાઘરીને પગે દોરડાથી બાંધી ઉંધો લટકાવ્યો. મેળામાં મંદિરે આવતા જતા તમામ લોકો આ વગર પૈસાનો તમાશો જોતા જાય. ગોસાઈ પોલીસને કહે કે આ જોઈને હવે બીજા લોકો પણ ચોરી કરતા સોલાર વિચાર કરશે! જમવા ના સમયે એક પોલીસ વાળાએ વાઘરીને લટકાવ્યો ત્યાંથી ઉતારી જમાડવા માટે ગોસાઈને કહ્યું પણ નશામાં ધૃત ગોસાઈએ કહ્યું નહિ ટેપ અંગે કાંઈ ન બોલે ત્યાં સુધી લટકતો જ રાખવાનો છે અને જાતે ઉભા થઈ એક લાડવો લઈ ઉંધા લટકતા શકદારના મોઢામાં ખોસી દઈને કહેવું ખા….ખા…! પરંતુ ઉંધો લટકતો માણસ ગળે ઉતારી શકે તો કેટલુ ઉતારે? ગોસાઈએ પરાણે બીજો લાડવો લટકતા શકદારના મોઢામાં ઠોંસી ઠોંસી ને ભરી દીધો.

સાંજે મેળો પણ પૂરો થયો અને શકદાર વાઘરીનો ખેલ પણ ખલાસ થઈ ગયો. મંદિરનાં પટાંગણમાં મોતનો માંડવો નખાયો, જેલમાં જવાના ડાકલા વાગવા લાગ્યા અને સજા થવાની ભૂતાવળનો ભયંકર ના પોલસી માટે શ‚ થયો. મહંતે ગોસાઈ અને તેની કંપની (ખાવા પીવા વાળા સાગ્રીતો સહિત)ને તાત્કાલીક મંદિર બહાર કાઢ્યા અને કહ્યું ‘મેં સુરેન્દ્રનગર એસ.પી.કો. કમ્પ્લેન કરને કો જા રહા હું. ગોસાઈ એ કહ્યું ‘અરે બાપજી આપ જ કહેતા હતા હું પણ બાવો અને તમે પણ બાવા આ માટે માટે થોડુ કર્યું છે.? મહંતે કહ્યું ! ‘મેં કુંછ નહિ જાનતા મેરે કો જેલમેં જાનેકા નહિ હૈ, મેરે કો તો મેરા ટેપરેકર્ડર ચાહિએ થા, મૈને કહા કહા થા ઉલ્ટા લટકા કે ઉનકે મુંહ મેં લડુ ભરદો’ ગોસાઈનો ત્રણ દિવસનો નશો સડેડાટ એકદમ ઉતરી ગયો.

પરંતુ ગોસાઈએ અગાઉ લાઠી તથા સાયલા પોલીસ સ્ટેશનમાં પણ આવા અરે આની કરતા ભયંકર કસ્ટડીયલ ડેથના ખેલ ખેલી નાખ્યા હોય બહુ સારો અનુભવ હતો. તેણે મહંતને આર્થિક મોટી લાલચ આપીને સમજાવ્યા. મુળીના રાજકારણનાં ‘આશરે’ જઈ બાવાના દિકરા તરીકે મદદ માગી. રાજકારણીઓ એ તો કાં, કરવાનું હોતુ નથી. આશ્ર્વાસન અને ટેકો જાહેર કરવાનો હોય અને અગાઉ જણાવ્યા પ્રમાણે મુળીના રાજકારણનું જે જબ્બરદસ્ત નેટવર્ક અને પકકડ હતી તે જ કાફી હતી. તેના નામે કોઈ વિરોધી પણ હરફ ઉચ્ચારી શકે તેમ નહતા.

બાકીની ગોઠવણ ગોસાઈએ એ જાતે કરી લીધી મહંતને નિવેજ ધરાઈ ગયા. બાતમીદાર વાઘરીને બહુ મોટી જંગી રકમની લાલચ અને વકીલ રાખવાનો ખર્ચ સહિત કોર્ટમાંથી કેસ છોડાવી દેવાની પાકકી શરતે તેને જ આરોપી બનાવ્યો. થોડી રકમ એડવાન્સમાં પણ અપી અને બંને મરનાર અને ઉભો કરેલ તહોમતદાર વચ્ચેની ભી કરેલી મારામારીની વાર્તા નો સાક્ષી અને ફરિયાદી બનાવ્યો સરલા ગામના કરપડા વજુનેતે પણ મોટી સમજૂતીથી ખૂનની એફઆઈઆર નોંધાઈ ગઈ અલબત ઉભી કરેલી. લાશનું પોસ્ટ મોર્ટમ થઈ ગયું અંતિમક્રિયા પણ મરનારના ઘરવાળાને મોટો ફાયદો કરાવીને કરાવી નાખી. બાતમીદાર વાઘરીની આરોપી તરીકે ધરપકડ પણ થઈ અને આ ગુન્હાનું ડીવાયએસપી ધ્રાંગધ્રા એ વિઝીટેશન પણ કરી નાખ્યું આરોપી સુરેન્દ્રનગર જેલમાં પણ ચાલ્યો ગયો. વાત પતી ગઈ ! ‘જંગલ મેં મોર નાચા કીસેને દેખા?’ મુળીના રાજકારણનો પ્રભાવ ‘કીસીને નહિ દેખા’!

આ સરલા ગામ એટલે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર’ના શૌર્ય પ્રકરણ ‘આલેક કરપડા’ વાળા આલેક કરપડાનું ગામ. આ વાર્તામાં સરલા ગામના આલેક કરપડાએ ભાડલાના દરબાર લાખા ખાચરને યુધ્ધમાંતેની ફોજ સાથે એકલા હાથે ભગાડી દીધેલ હતા ! બીજા એક યુધ્ધમાં મોરબીનાં જીવીજી ઠાકોરે પોતાની સલામતી ખાતર પોતાનો ઘોડો, પોતાની પાઘડી અને પોતાના કપડા એક ખવાસને પહેરાવી યુધ્ધમાં આવેલા આ મોરબીનાં સૈન્ય સાથે લડતા લડતા જીવાજી ઠાકોરના ઘોડે તેમના કપડા પહેરીને બેઠેલા ખવાસને એટલે કે ડભી જીવાજી ઠાકોરને તો આલેક કરપડાએ એકલા હાથે જ વધેરી નાખ્યો હતો.

અને આખુ સૈન્ય તેની એકલાઉપર તુટી પડતા તેને પેટ અને શરીર ઉપર પાંત્રીસ જીવલેણ ઘા થયેલા પેટ ચીરાઈ જતા નીચે પડેલ પણ જીવાજી ઠાકોર બચી ગયેલ. બાદમાં બીજા કાઠીઓએ આલેક કરપડાને ઉપાડીને ઘેર લઈ જવા ફાળીયાની ઝોળી બનાવેલ પરંતુ આલેકે ઝોળીનું ફાળીયુજ લઈ લીધું અને પેટને ફરતે વિંટીને ઘોડા ઉપર બેસી ઘેર આવી તેના બાપ ને જમીન ઉપર લીપણ કરવા કહેલ જેથી તેની ઉપર સુઈને પોતે મૃત્યુ પામી શકે. પરંતુ તેના બાપે તેને કહ્યું બેટા સગાવહાલા ને મળ્યા સિવાય એમ થોડુ ચાલ્યું જવાય? અને પેટનું ફાળીયું ખોલવા ન દીધું. મહેમાનો આવી જતા મળી ને આલેકે કહ્યું હવે વિદાય લઉ પરંતુ રાત્રીનાં મહેમાનોને વાળુ પાણી કરાવીને તેમ કરતા કરતા સવરે કસુંબા પાણી કરાવી શીરામણ કરાવી ઘેરથી ચલાવીને સ્મશાને ચેહ ઉપર જાતે ચડીને આલેકે કરપડાએ પેટે બાંધેલું ફાળીયું છોડયું અને શુરવીર આલેક કરપડો સ્વર્ગે સીધાવેલ આ તેજ વિર આલેક કરપડાનું ગામ સરલા ! હાલમા સરલા મુળી તાલુકામાં આવેલ છે.

આ વાઘરીનો ખૂન કેસ ચાલવા ઉપર જ હતો. આ કેસનો ફરિયાદી કમ સાક્ષી વજુ કાઠી (કરપડા)ને તો હોસ્ટાઈલ થઈ ફરી જ જવાનું હતુ,. તમામ તૈયારીઓ અને બધુ જ પાકા પાયે વકીલ સહિતનું તૈયાર હતુ અને જો કેસ ચાલી જાત એટલે કે કોર્ટમાં ટ્રાયલ થઈ ગઈ હોત તો કોઈને ખબર પણ પડવાની ન હતી.

પરંતુ ‘વિનાશ કાળે વિપરીત બૂધ્ધી’ ટ્રીપલ ખૂન કેસનું બાબુભૈયા સાથે કાવત્રુ કર્યુ અને તે પણ દા‚ ના ખોટાકેસ અને તે પણ જામીન લાયક છતા આરોપીઓ નેકોર્ટમાં રજૂ કર્યા અને ‘પાપ પીપળે ચડીને પોકાર્યંુ’ કાવત્રુ ખૂલ્લુ પડી ગયું અને ફોજદાર ગોસાઈ પોતે જ જેલમાં જતા. અને આખા રાજયમાં તેમ જેલોમાં પણ આ સમાચાર જતા પેલો ખોટા બનેલો તહોમતદાર બાતમીદાર વાઘરીને પણ આ બાબુભૈયા વાળી અને ફોજદાર ગોસાઈ અમદાવાદ જેલમાં ગયાની ખબર પડી તેમજ વજુ કરપડો ફરાર થયાની વાત જાણી.

આ વાત જાણીને આ વાઘરીને થયું હવે વકીલને પૈસા કોણ આપશે હવે જે કેસ છોડાવી દેવાની બાંહેધરી લેનાર ફોજદાર જ નથી તેથી હવે જેલનીસજા પાકી જ તેમ વિચારીને આ વાઘરી જેલમાંજ પોકે પોકે રડયો અને પોતે ખૂન કરેલ નથી જે મરી ગયો તેને તો મૂળી ફોજદારે જ લટકાવી દીધો હતો. આ વાત ગામ આખું જાણે છે.

વિગેરે વિગેરે બોલવા માંડતા અને કોઈ કે આ અંગેની અરજી પર લખી દેતા અને સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ વડાને મોકલતા તથા દૈનીક પત્રોમાં બહુ મોટા પાયે આ સમાચારો એક અકલ્પ્ય સમાચારો ‚પે શણગારી શણગારી તમામ છાપા વાળાઓએ લખતા વળી પાછશે ખૂબ ઉહાપોહ થયો અને આ ચાર્જશીટ થયેલા ખૂન કેસની પણ ફેર તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપાણી પરંતુ સરલા ગામો વજુ કરપડા તો અગાઉથી જ નાસતો પરતો હતો. બાબુભૈયાના દા‚ના ખોટા કેસમા પંચ રહેવા અંગે ! આ વાઘરી વાળી તપાસમાં ફોજદાર ગોસાઈ સાથે તે સમયે તપાસમા રહેલા પોલીસ વાળા અને કેટલાક રાજકારણીઓ ઉપર પણ જાણે મોત આવ્યું. પોલીસ વિચારતી હતી કે બાબુભૈયા વાળા કેસમાં તો બચી ગયા પણ આ વાઘરી ખૂન કેસમાં કોઈ છટક બારી દેખાતી નથી. જેમ કબુતર ખાનામાં બીલાડીઘુંસે અને કબુતરોની જે હાલત કબુતરખાનામાં થાય તેવી હાલત મુળી પોલીસ અને અમુક રાજકારણીઓની થઈ.

સી.આઈ.ડી. ક્રાઈમે આ સરલા વાઘરી ખૂન કેસની ફેર તપાસ ચાલુ કરી જેલમાં રહેલ વાઘરીનું વિગતે નિવેદન લીધું પરંતુ વાઘરીને ફોજદાર ગોસાઈ સિવાય કોઈ પોલીસના નામ આવડતા ન હતા. વાત રહી રાજકારણીઓ અંગે (સમજાવવા-ધમકાવવા વાળા) પણ પાછુ છુટીને તો મુળી તાલુકામાં જ આવવાનું ને? એમ વિચારીને વાઘરીએ ફકત ફોજદાર ગોસાઈનું નામ આપ્યું બીજા કોઈના નામ આપ્યા નહિ.

પરંતુ સરલા ગામનો કાઠી વજુ કરપડા ભાગતો ફરતો હતો તે સી.આઈ.ડી. ક્રાઈમ પાસે હાજર થતો નહોતો. પોલીસ અને રાજકારણને બંનેને ભય હતો કે જો વજુ હાજર થાય અને સી.આઈ.ડી. ક્રાઈમની પૂછપરછમાં ‘વટાણા વેરી નાખે’ અને નામ આપી દેતો? આ જ કારણથી મુળી પોલીસ અને રાજકારણ નવા ફોજદારોને સહકાર આપતા નહતા! એમ માની ને કે મામલો ઠંડો થઈ જાય પછી વજુ પકડાય ત્યારની વાત ત્યારે!

સ્વ. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાળા આલેક કરપડાએ તો એકલા હાથે ભાડલાના દરબાર લાખા ખાચરને સેના સાથે ભગાડેલ અને મોરબીના જીવાજી ઠાકોરના સૈન્યમાં જીવાજી ઠાકોરનાં ઘોડા ઉપર તેમની પાઘડી અને કપડા હથીયારો ધોરણ કરી બેઠલે ડમી જીવાજી ઠાકોરને પણ વધેરી નાખ્યા હતા ! જયારે આ અત્યારના વજુ કરપડા એ પોતે જ ભાગી જઈને મુળીની પોલીસના ધોતીયા ઢીલા કરી નાખ્યા હતા અને રાજકારણીઓ ને પણ કપડા ઉતરી જવાનો ભય પેસી ગયો હતો!

જમાદાર ભારતસિહ ઝાલા ઉર્ફે સવાઈ રીબેરો એ બીજી એક વાત કરી કે ફોજદાર ગોસાઈ વખતની જે ગુન્હાની તપાસો અધુરી છે. તે હજુ તેમની તેમજ છે. કોઈ ફોજદારે તેને હાથ પણ અડાડયો નથી. તે ગુન્હાની તપાસોમાં પણ કોણ જાણે કેટ કેટલા હાડપીંજર દબાઈને પડયા હશે ?

આ સાંભળીને જયદેવને પણ તાવ આવી જાય તેવું થઈ ગયું ખાસ તો ગોસાઈનો પેન્ડીંગ ગુન્હાનીતપાસો અંગે હવે પોતે પર હાથ કાળા કરવા પડશે? શું થશે? કોણ કોણ પોલીસ જેલમાં જશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.