કલ્પસર યોજના સત્વરે શરૂ કરવા પ્રધાનમંત્રીને રજુઆત કરતા જે.એમ. તળાવીયા

વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનતા દેશના વિકાસના દ્વાર ખુલશે

પાણીના અભાવે સૌરાષ્ટ્રના લોકોએ મોટા પાયે રોજગારી માટે સ્થળાંતર કર્યું છે, જે જે જગ્યાએ સ્થળાંતર કર્યું છે ત્યાં ત્યાં વસ્તીની ગીચતા વધી છે, બીજી બાજુ ગામડાઓ ખાલી થઈ ગયા છે. જો પાણીની વ્યવસ્થા થાય તો ખેતી સમૃદ્ધ બને, લોકોને નિયમિત પીવાનું પાણી મળે, ખેડૂતોને પિયત માટે પાણી મળે સાથે સાથે  ઔદ્યોગિક વિકાસ માટે જરૂરું પાણી – વીજળીની વ્યવસ્થા થવાથી રોજગારીની તકો વધે, લોકો સૌરાષ્ટ્ર તરફ પાછા વળે. આ માટે ” કલ્પસર યોજના ” અમલમાં મુકવી અતિ આવશ્યક છે.

ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠાને ભારતનું વિકાસ દ્વાર બનાવવું હોય તો દરિયામાં જતી દરેક નાની મોટી નદીઓ પર ચેક ડેમ અને મોટા બંધો બાંધવા રહયા. એમાનો એક સૌથી મોટો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એટલે “કલ્પસર યોજના “, દેશનું પ્રથમ ક્રમનું અને દુનિયાનું સૌથી મોટું બીજા ક્રમનું સરોવર એટલે ” સરદાર સરોવર ” આનાથી મોટું અને દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર એટલે  નિર્દિષ્ટ ” કલ્પસર યોજના” નું સરોવર કે જેની ક્ષમતા 10,000 મિલિયન ઘન મિટર પાણીની  હશે. આ યોજનામાં 30 કિલોમીટરનો બંધ બાંધી તેના પર 100 મિટર પહોળો 10 લેનનો હાઇવે બનાવવાનો અને બે ટ્રેક રેલવે લાઈનનો પ્લાન છે કે જેથી ભાવનગરથી સુરતનો રસ્તો લગભગ 200 કિલોમીટર જેટલો  ટૂંકો બને અને સમય, શક્તિ અને નાણાં બચાવી શકાય.આ બંધમાં સૌરાષ્ટ્રની ભોગાવો, સુંખભાદર, ઉતાવળી, ઘેલો, કાલુભાર,  કેરી, બાગડ અને રંગોળા નદીનું પાણી સંગ્રહિત થશે,  ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નદીઓ જેવી કે ; સાબરમતી, મહીસાગર, ઢાઢર, નર્મદા વગેરે જેવી મોટી નદીઓનું પાણી સંગ્રહિત થશે. આ મીઠા પાણીના સંગ્રહથી દરિયાની ખારાશ તેની ઘનતા પ્રમાણે નીચે જશે અને ખંભાતના અખાતના કાંઠાળ વિસ્તારની ખારાશ દૂર થશે. સૌરાષ્ટ્રના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના હાંસોટ વચ્ચે બનનાર આ યોજનાથી માછીમાર ભાઈઓને મીઠા પાણીની માછલીઓ પણ ઉપલબ્ધ થશે. ભાવનગર બંદરનો વિકાસ થતા રોજગારી વધશે. આ સાથે સોલાર, સૌર અને ભરતી – ઓટથી ઉતપન્ન થતી વીજળી પણ ઉપલબ્ધ થશે.

90,000 કરોડની આ યોજના સાકાર થતા અંદાજે 5 થી 7 વર્ષ લાગે તેમ છે. યોજનાનું આયુષ અંદાજે 500 વર્ષ હોય આવતી દસ થી બાર પેઢીને આનો લાભ મળવા પાત્ર છે.આ યોજના સાકાર લેતા ખેતી – ઉદ્યોગોનો વિકસ થતા ખેત પેદાશોની  અને ઔદ્યોગિક વપરાશી ચીજ –  વસ્તુઓની નિકાસ કરી સારા એવા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ મેળવી શકાય તેમ છે.નિર્દિષ્ટ યોજનાની શિલાન્યાસ વિધિ સત્વરે કરી યોજના ચાલુ કરવા અમરેલીના પ્રાધ્યાપક જે.એમ.તલાવીયાએ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે પુરુષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા, સી.આર.પાટીલ, નારણભાઇ કાછડીયા  અને આર.સી. મકવાણાને પણ પાત્રો  પાઠવઈં અવગત કર્યા છે.