Abtak Media Google News

હરિયાગ, કથા પારાયણ, પૂ.જોગીસ્વામીનું ભાવપૂજન, યુવામંચ, મહિલામંચ, ભકિત સંગીત, સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ સહિતના આયોજનો: ૧૦મીએ મુખ્યમંત્રીના હસ્તે શેઠ રસિકલાલ એમ ધારીવાલ ઈન્ટરનેશનલ સ્કુલનું લોકાર્પણ: ૧૨મીએ બાલકૃષ્ણ સ્વામીના કરકમલો દ્વારા નૂતન મંદિરનો સ્તંભાર્ચન: ફરેણી મંદિરે યોજાઈ પત્રકાર પરિષદ

પૂ.જોગીસ્વામી મહારાજની સ્મૃતિમાં સપાદ શતાબ્દિ જન્મજયંતી ઉપલક્ષે ધોરાજી તાલુકાના ફરેણી ગામે કાલથી લાભપાંચમ સુધી ભવ્ય મહોત્સવ યોજાનાર છે. કાલે મારૂતીયજ્ઞ, બુધવારે લક્ષ્મીપુજન, નૂતનવર્ષે ધર્મજોગી જયોત, હરિયાગ, પોથીયાત્રા, જયોત વધામણા, ૧૦મીએ હરિયાગની પૂર્ણાહુતી તેમજ મુખ્યમંત્રીના હસ્તે સ્વામિનારાયણ વિદ્યાપીઠનું લોકાર્પણ, ૧૧મીએ સર્વરોગ નિદાન, રકતદાન કેમ્પ અને અંતિમ દિવસ ૧૨મીએ અન્નકુટ અને કથા પૂર્ણાહુતી થશે તેમજ બાલકૃષ્ણ સ્વામીના હસ્તે નૂતનમંદિરની સ્તંભાર્ચન વિધિ થશે. વિગતવાર માહિતી આપવા સહજાનંદ સંસ્કારધામ ફરેણીના ટ્રસ્ટીઓ તેમજ સંતોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ બિંદુ ગણાતું ફરેણીધામ એક નાનકડું ગામ છે. આજથી ૨૧૭ વર્ષ પૂર્વે ભગવાન સહજાનંદસ્વામી મહાપ્રભુએ પોતાના ગુરુ ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદસ્વામીના સ્વધામ સિધાવ્યા પછીના ચૌદમાના દિવસે ફરેણીમાં ભરાયેલી પચ્ચીસ હજાર અનુયાયીઓની સત્સંગ સભામાં પોતાના વેદોકત નામ સ્વામિનારાયણનો મહામંત્ર સ્વમુખે ઉદ્ઘોષિત કર્યો, જે ગગનની ગોખે અને આભની અટારીએ અથડાઈને સારાએ બ્રહ્માંડમાં પડઘાયો. ઉદ્ધવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકેની નવી ઓળખ મળી. ૬૦ સંતોને એક જ ખાટલીમાં વારાફરતી સુવડાવીને પોતાના ધામમાં મોકલી દીધા. આવી તો અનેક લીલાઓ શ્રીજી મહારાજે ફરેણીમાં કરી. સદગુરુ રામાનંદસ્વામીએ પોતાની હયાતીમાં સ્વહસ્તે સ્થાપન કરેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આજે પણ ભકતોના કષ્ટ કાપીને એમને દુ:ખ મુકત કરતા હાજરાહજુર દર્શન આપે છે.

ઈ.સ.૨૦૦૩માં પ. પૂ. જોગીસ્વામી ધર્મપ્રસાદદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ સ્થાનમાં નિવાસ કર્યો અને સહજાનંદ સંસ્કારધામની સ્થાપના કરી. છેલ્લા પંદર વર્ષોથી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી સંસ્થાના માધ્યમથી પૂ.સ્વામીનું સંત-પાર્ષદ મંડળ હરિભકતોના સહકારથી અનેકવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સામાજીક પ્રવૃતિઓ કરી સમાજ ઘડતરની દિશામાં યત્કિંચિત્ યોગદાન આપી રહેલ છે. જેમાં વ્યસનમુકિત અભિયાનો, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામસફાઈ, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે ધરતીકંપ જેવી દૈવ સંબંધી આપતિઓમાં પીડિતોને સહાય, અભ્યાસમાં પ્રવિણ પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, સીડી, વીસીડી, ડીવીડી, એમપી૩ દ્વારા જીવન ઘડતર કરનારા સાહિત્ય પ્રકાશનો જેવી સમાજોત્થાન માટેની પ્રવૃતિઓ મુખ્ય ગણાવી શકાય.

નિર્માણાધીન સ્વામિનારાયણ હવેલી એટલે ભગવાન સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામીનું સંપૂર્ણ જીવનદર્શન કરાવતી અદભુત આર્ટ ગેલેરી..સંકુલમાં નવ્ય-ભવ્ય-દિવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણાધીન છે જેમાં અત્યારે પ્રાર્થનામંદિરમાં બિરાજતા બાળપ્રભુ ઘનશ્યામ મહારાજની પુન:પ્રતિષ્ઠા થશે. નયનરમ્ય ઘનશ્યામ મહારાજની પ્રાર્થના મંદિરમાં જયારે સને ૨૦૧૦માં વડતાલ લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પરમ પૂજય, ધર્મ ધુરંધર, ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઈ એ વખતે અંતરીક્ષમાંથી ચંદનની વૃષ્ટિની દિવ્ય મહેંકની ઉપસ્થિત હજારો ભકતોને અનુભૂતિ થયેલી.

સને ૨૦૧૧ ડિસેમ્બર મહિનામાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૧૦મો પ્રાગટય મહોત્સવ ઈન્ટરનેશનલ કક્ષાએ ઉજવાયો હતો. પ.પૂ.સદ્.શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના ગુરુ પ.પૂ. સદ્.જોગીસ્વામી ધર્મપ્રસાદદાસજી સ્વામીનો ૧૨૫મો જન્મોત્સવ ‘સપાદ શતાબ્દી જન્મજયંતી મહોત્સવ’ તા.૮/૧૧/૧૮ થી તા.૧૨/૧૧/૧૮ દરમિયાન દિવ્યતાપૂર્વક ઉજવાશે જે અંતર્ગત ત્રિદિનાત્મક હરિયાગ, પંચદિનાત્મક કથા પારાયણ, પ.પૂ. સદ્. જોગીસ્વામી મહારાજનું દિવ્યાતિદિવ્ય ભાવપૂજન, યુવામંચ, મહિલામંચ, કિર્તનભકિત-સંગીત સમારોહ તેમજ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેકવિધ આયોજનો નિરધાર્યા છે.

આ મહોત્સવમાં તા.૧૦ નવેમ્બર ૨૦૧૮ને શનિવારે સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સ્વામિનારાયણ વિદ્યાપીઠ-શેઠ રસિકલાલ એમ.ધારીવાલ ઈન્ટરનેશનલ સ્કુલનો લોકાર્પણવિધિ થશે. તા.૧૨ નવેમ્બર ૨૦૧૮ને સોમવારે સવારે ૯ વાગ્યે પ.પૂ.આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ અને પ.પૂ.સદ્.શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના કરકમલો દ્વારા નૂતન મંદિરનો સ્તંભાર્ચનવિધિ થશે. મહોત્સવનો અલભ્ય લાભ લેવા સર્વેને અનુરોધ કરાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.