Abtak Media Google News

કોવિડ-19ને લઈને છેલ્લા દોઢ વર્ષ જેટલાં લાંબા સમયથી સૌ કોઈ ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને એ દરમ્યાન  કોઈએ રક્ષણ કર્યું હોય તો એ છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કોવિડ 19 જ નહીં પણ કોઈ પણ રોગનાં સંક્રમણથી બચવું હશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ જ આપણને સાથ આપશે. અને આ રોગ પ્રતિકારક શકિત વધારવા રામબાણ ઇલાજ છે ગળો એટલે કે ગિલોય છે.

આયુષ મંત્રાલય દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા સંશમની વટીનાં ઉપયોગની સલાહ અપાઈ છે અને આયુષ પ્રભાગ દ્વારા એનું ખૂબ બહોળી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું છે. જેનો ઘણાં લોકોએ લાભ લીધો છે. આ સંશમની વટી જેમાંથી બને છે એ વનસ્પતિનું નામ છે ગળો. સંસ્કૃતમાં એને ગુડૂચી અને હિન્દીમાં ગિલોય કહે છે. આ ગળોનાં અસંખ્ય ઔષધિય ગુણોનાં લીધે જ એને ’અમૃતા’ પણ કહે છે. તેમ જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલના અધિક્ષક ડો. ઝારસાણીયાએ જણાવ્યુ છે.

ગળો રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે વાત, પિત્ત, કફ એમ ત્રણેય દોષોનું શમન કરે છે, રસાયન છે, તાવની અકસીર ઔષધિ છે, ડાયાબિટીસમાં ઉપયોગી છે, લોહીનો બગાડ દૂર કરે છે, ધાવણ સુધારે છે, બુદ્ધિ વધારનાર છે અને આવા અનેક ઔષધિય ગુણો ધરાવે છે.ગળો પીવા માટે 10-20 ગ્રામ ગળોનાં કાંડનાં નાના નાના કટકા કરી, થોડાં ટોચીને અથવા મિક્સરમાં એની અધકચરી પેસ્ટ બનાવીને 100 મિલી પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે ચોળીને એ પાણી લઇ શકાય. અથવા તો 10-20 ગ્રામ ગળોનાં ટોચેલા કટકા અથવા તો મિક્સરમાં પીસેલી અધકચરી પેસ્ટને 40 થી 80 મિલી પાણીમાં રાત્રે પલાળી, સવારે ધીમા તાપે ઉકાળવા મૂકી, ચોથા ભાગનું એટલે કે 10 થી 20 મિલી જેટલું પાણી બચે એટલે એ ગાળીને પીવું જોઈએ. અહીં એ યાદ રાખવું ખાસ જરૂરી છે કે, કોઈપણ ઉકાળો હંમેશા ધીમા તાપે જ ઉકાળવો, ઉકળતી વખતે પાત્ર ખુલ્લું રાખવું. અને ઉકાળો બની ગયા બાદ 10 જ મિનિટમાં એનું સેવન કરવું. માર્કેટમાં મળતાં તૈયાર ઉકાળાનાં સેવન કરવા કરતાં તાજા અને ઘરે બનેલા ઉકાળા જ વધુ ફાયદાકારક છે એ વાત હંમેશા યાદ રાખવા ડો. ઝારસાણીયાએ વધુમાં જણાવ્યુ છે.આ અમૃત સમાન ગળોને ઉગાડવી પણ એકદમ આસાન છે. ગળો એક વેલ થાય છે એટલે જગ્યા રોકતી નથી કે વધુ માવજત પણ માંગતી નથી. ફક્ત એને ઝાડનો કે ફેન્સિંગનો સપોર્ટ આપવો પડે છે. કુંડામાં પણ આસાનીથી ઊગી શકે છે. એનું મુખ્ય વાવેતર એની ડાળ એટલે કે સ્ટેમ કટિંગમાંથી થાય છે. એ સિવાય એનાં બીજમાંથી પણ એ ઊગી શકે છે.

આ ગળોનાં વાવેતરને પ્રોત્સાહન આપવા માટે દ્રવ્યગુણ વિભાગ, સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢ દ્વારા આગામી 5 જૂન- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 20 મે થી 5 જૂન સુધી વિશ્વ પર્યાવરણ પખવાડિયું ઉજવવામાં આવશે. જેનાં ભાગ રૂપ 1000 ગળોનું  વાવેતર માટે વિતરણ કરવામાં આવશે.

તાજેતરમાં જ વાવાઝોડામાં આપણે ઓક્સિજનનો ભંડાર અને બહુમૂલ્ય એવી અનેક ઔષધિય વનસ્પતિઓ ગુમાવી છે. તો આપણે સૌ સાથે મળીને આ પખવાડિયામાં શક્ય એટલી વનસ્પતિઓનું વાવેતર કરીએ એ માટે અમારા આ 1000 ગળો વાવેતર વિતરણ અભિયાનમાં પણ આપનો સહયોગ અપેક્ષિત છે. 20 મે થી 5 જૂન સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે હોસ્પિટલ ની સામે સવારે 9 થી 12 નાં સમયમાં વાવેતર માટેની ગળોની ડાળ મળશે જેને તમારાં ઘરમાં કે ઘરની આસપાસ કોઈ પણ ઝાડનાં ટેકે કે કુંડામાં ત્રાંસો કાપેલો ભાગ જમીન તરફ રહે એ રીતે ઉગાડવાની રહેશે. તો આ પરોપકારનાં કામ માટે આવો છો ને ગળો લેવા? સાથે સાથે અમે ગળો સાથે સેલ્ફી ફોટોનું પણ અભિયાન શરૂ કર્યું છે. તો જ્યારે પણ તમે ગળો ઉગાડો ત્યારે એની સાથે એક સેલ્ફી ફોટો લઈ એને તમારાં સ્ટેટસમાં શેર કરવાનું ભૂલશો નહીં. તેમ ડો. ઝારસાણીયાએ વધુમાં જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.