Abtak Media Google News

કોરોના વાયરસથી વિશ્વ આખુ હતપ્રત થઈ ઉઠ્યું છે. કોવિડની આ વૈશ્વિક મહામારી માંથી ઉગરવા દરેક દેશની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. ભારતમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. પરંતુ વાયરસને નાથવામાં જાદુઈ છળી મનાતી આ રસી નિષ્ફળ નીવડી રહી છે કે શું તેવા સવાલ ઉઠ્યા છે. આજરોજ જૂનાગઢ મેડિકલ કોલેજના એક વિદ્યાર્થી કે જેણે રસી લીધા બાદ પણ કોરોના ફરી થતા વેક્સિનની વિશ્વસનીયતા અને અસરકારકતા પર પ્રશ્નો ઉઠ્યા છે.

જૂનાગઢ મેડિકલ કોલેજમાં એમબીબીએસ કોર્ષનો અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જે ફરી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. આ વિદ્યાર્થી ઉપલેટાનો હોવાનું સામે આવ્યું છે તેમજ તેનું નામ કુંજ પટેલ છે. એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. કુંજ પટેલને ઝીણો તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટીવ નોંધાતા સમગ્ર મેડિકલ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ વિદ્યાર્થીએ ગત 30મી જાન્યુઆરીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જેના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. એક નહીં પણ બબ્બે ડોઝ લીધા બાદ પણ કોરોના થતા રસીની અસરકારકતા પર સવાલો ઉભા થયા છે. આ કોલેજમાં 200 જેટલા વિદ્યાર્થીઓ છે. તેમને પણ સંક્રમણ ના થાય એ માટે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને રજા આપી ઘરે મોકલી દેવાયા છે. મેડિકલ કોલેજની સમગ્ર હોસ્પિટલ ખાલી કરી દેવાઇ છે. તેમજ શિક્ષણ કાર્ય ફરી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમયના બ્રેક બાદ કોરોનાએ ભારતમાં ફરી માથું ઉચકતાં હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં સ્થિતિ બેકાબૂ બનતા ગુજરાતમાં પણ ખતરો ઉભો થયો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં 700 કરતા વધુ કેસો નોંધાયા છે. એમાં પણ કોરોના સમયાંતરે કાકિડાની જેમ કલર બદલતા વધુ જોખમ ઉભુ થયું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્થિતિ ચિંતાજનક બની છે. રાજકોટમાં આજરોજ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને 5 કર્મચારીઓ કોરોનાના ભરડામાં સપડાઇ જતા ખળભળાટ મચી ગયો છે તો સૂરતમાં પણ પાંડેસરા વિસ્તારની ગંગા ડાંઈંગ મિલ કોરોનાની ઝપેટમાં આવી છે. એક સાથે 8 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટીવ આવતા મિલ સીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.