Abtak Media Google News

ખેડૂતોને પ્રીમિયમ ન ચૂકવાતું હોવાના આરટીઆઈના ખુલાસાને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિની ચીમકી

સરકારે વીમા કંપનીને હજુ રૂ. ૧૮૮ કરોડ જેવી ચૂકવવી જોઈતી વિમાના પ્રીમિયમની રકમ ન ચૂકવી હોવાનો અને તેના કારણે ખેડૂતોને પ્રીમિયમ ન ચૂકવાતું હોવાનો આરટીઆઇમાં એક મોટો ખુલાસો સામે આવતા સમસમી ઉઠેલ ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ દ્વારા સરકારની આ નીતિ સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂત હિત રક્ષક સમિતિના ભરતભાઈ લાડાણીના જણાવ્યા અનુસાર, આ કપરા સમયમાં ખેડૂતોને પાક વીમાની રકમ હજુ સુધી મળેલ નથી, ત્યારે કૃષિ વિભાગમાં આર.ટી.આઇ. કરાતા તેના જવાબમાં તંત્ર દ્વારા એવો જવાબ મળેલ કે, આ માટે વીમા કંપનીને સરકાર તરફથી એક નોટિસ પાઠવવામાં આવી છે, અને સરકાર દ્વારા ઈન્શ્યોરન્સની રકમની ચૂકવણી કરી દેવાય છે, છતાં ખેડૂતોને વીમો ચૂકવવામાં આવેલ નથી. જે સત્વરે ચૂકવવામાં આવે. તેવું આર. ટી.આઇ. ના જવાબમાં જણાવવામાં આવેલ હતું.

બાદમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા વીમા કંપની પાસે આરટીઆઈ. કરી, જવાબ માંગતા, વીમા કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા ઇન્સ્યોરન્સની અમુક રકમ ભરવાની બાકી છે, જેના કારણે ખેડૂતોને વીમો ચૂકવવામાં આવેલ નથી. સરકારની આવી ઢીલી નીતિના કારણે ફરી એક વખત સરકારના કૃષિ વિભાગ પાસે આરટીઆઇ કરાતા કૃષિ વિભાગે  જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૧૮૮,૩૧,૨૧,૨૬૬ રૂપિયા જેવી પ્રીમિયમની રકમ વીમા કંપનીને ચૂકવવાની બાકી છે.

આરટીઆઇના જવાબમાં આ મોટો ખુલાસો સામે આવતા ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ સમસમી ઊઠી છે, અને સરકાર વીમા પ્રીમિયમની રકમ તાત્કાલિક ભરી આપે અથવા તો વીમા કંપની તાત્કાલિક વીમો ચૂકવી આપે તેવી માંગ કરી છે અને જો તેમાં કશુર થશે તો, હજારો ખેડૂતોના હિતમાં ખેડૂત હિત રક્ષક સમિતિ અદાલતના દ્વાર ખખડાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.