Abtak Media Google News

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ મનપાનું ગઈકાલે મળેલું જનરલ બોર્ડ ભારે ગરમા ગરમ રહ્યું હતું,  શાસક પક્ષના સભ્યો દ્વારા જ ભાજપના શાસન સામે વિવિધ પ્રશ્નો ઉઠાવી તેની ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી અને જનરલ બોર્ડ ઘણા સમય પછી લાંબા સમય સુધી ચાલ્યું હતું. જો કે, આગલી હરોળમાં બેઠેલા મનપાના અમુક પદાધિકારીઓ ચર્ચા ન થાય તેમાં રાજી હતા અને ઝડપથી બોર્ડ સમાપ્ત થાય તે માટે  સેક્રેટરીને વારંવાર સૂચના આપતા નજરે પડી રહ્યા હતા.

જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ગઈકાલે મનપા કચેરી ખાતે મળ્યું હતું, જેમાં મનપાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, વિરોધપક્ષના નેતા સહિતના મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તથા જૂનાગઢ મનપામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવા માટે વય મર્યાદામાં ફેરફાર કરવાની સાથે જુનાગઢ સ્મશાન સામે પ્રતિષ્ઠા કરાયેલ ભગવાન પરશુરામની પ્રતિમાને મંજૂરી આપવાનો તથા જોષીપરામાં વર્ષો જૂની ફાળવાયેલ દુકાનોનું પ્રકરણ જિલ્લા કલેકટરને દરખાસ્ત માટે મોકલવા માટેના સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યા હતા.બાદમાં ભાજપના કોર્પોરેટરો લલીતભાઈ સુવાગીયા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં બનેલા રસ્તાઓ ધૂળધાણી થઇ ગયા છે, ત્યારે જવાબદારી કોની ?

Whatsapp Image 2021 09 16 At 5.18.16 Pm

રસ્તાનું સરપ્રાઇઝ ચેકીંગ કરતા હોય તેવા ફોટા પ્રસિદ્ધ કરાવ્યા હતા તો રસ્તા તૂટી કેમ ગયા ? તેવા વેધક પ્રશ્ન કરી લોકોના ટેક્ષના પૈસા ખોટી રીતે ન વેડફાય તે માટે આવા કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ થાય તેવી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, આ સાથે તેમણે શહેરની ફૂટપાથ દબાવી બેશી ગયેલા કેબિન ધારકો અને રેકડી વાળાઓ સામે મનપાની દબાણ શાખા શું કરી રહી છે ? તેવો સણસણતો સવાલ ઉઠાવ્યો હતો.

જો કે, વિરોધ પક્ષના નેતાએ તેમનો વિરોધ કરી ફૂટપાથ ઉપર વેપાર ધંધા કરતા વેપારીઓને કનડગત કરવામાં ન આવે તથા શહેરના વોકડા ઉપર રાજકીય મોટા મોટા માથા દ્વારા જે બાંધકામો કરી દેવામાં આવ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.બીજી બાજુ જુનાગઢ વોર્ડ નંબર 4 ના ભાજપના જ સિનિયર કોર્પોરેટર હરેશ પરસાણા એ તેમના વોર્ડમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરના પાણી ભળી જતા હોવાની છેલ્લા દોઢ વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતું હોવાનો પ્રશ્ન જનરલ બોર્ડમાં ઉઠાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને વોટર વર્કસ ઇજનેર આ બાબતે ગલ્લાતલ્લા કરતા નજરે પડ્યા હતા.

આ સાથે શાસક પક્ષના કોર્પોરેટર જીતેન્દ્ર ઉદાણી એ પણ તેમના વોર્ડમાં પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. એભાભાઈ કટારા એ રોડ ઉપરના ગટરના ઢાંકણા ઊંચા, નીચા છે, કોઈ ભટકાઈને મરી જશે તો, જવાબદારી કોની ? તેવી ચિંતા બોર્ડ માં વ્યકત કરી હતી, જીવાભાઇ સોલંકીએ રોડના કામમાં પાકું મેટલિંગ કરવાના બદલે ધૂળ નાખી દીધાના આક્ષેપ કરી તપાસ કરવાની માંગ કરી હતી.જો કે, ભાજપના શાસન સામે  શાસક ભાજપ પક્ષના જ કોર્પોરેટર દ્વારા ભર્યા બોર્ડમાં, જાહેરમાં શહેરીજનોને પરેશાન કરતા પ્રશ્નોની ઝડી વરસતા, અને પોલ ખુલી પડી રહી હોવાનું લાગી આવતા પ્રથમ હરોળમાં બેસેલા ભાજપના શાસક પક્ષના નેતા, દંડક જેવા મહત્વના પદાધિકારી ઓ બોર્ડ જલ્દી સંકેલાઇ જાય તે માટે વારંવાર સેક્રેટરીને સૂચના આપી રહ્યા હતા. અને મોટે મોટેથી બોર્ડ પૂરું કરો તેવું બોલતા નજરે પડી રહ્યા હતા.

ટૂંકમાં ગઈકાલે ભાજપના કોર્પોરેટરોએ પ્રજાને પડતી મુશ્કેલીઓ બિન્દાસ રીતે રજુ કરતા મેયર તથા કમિશનર પણ શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આપવા મજબૂર બન્યા હતા અને વિભાગીય અધિકારીઓ આ પ્રશ્નોના જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા હોવાનું નજરે પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.