જૂનાગઢ: ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતીબાપુએ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી કર્યો આપઘાત

જૂનાગઢને સાધુ-સંતોની ભૂમિ ગણવામાં આવે છે. વિવિધ અખાડાના સાધુ-સંતોના આશ્રમ ભવનાથમાં આવ્યા છે. જૂનાગઢના જાણીતા ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતીબાપુનો સાધુ સમાજને કલંકીત કરતો વીડિયો અને ઓડિયો વાયરલ થયાના કલાકોમાંજ પોતાના પરવાનાવાલી રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે.

શરાબ અને શબાબના શોખીન અંગે રાજ ભારતીબાપુનો વીડિયો અને ઓડિયો વાયરલ થતાં જીવન ટૂંકાવ્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ ખાતે આવેલા ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતીબાપુએ પોતાના વતન ખડીયા ગામેે વાડીમાં લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અવાચક બની ગયા છે. રાજ ભારતીબાપુ શરાબ અને શબાબના શોખીન હોવા અંગેનો વીડિયો વાયરલ થતા પોતે સમાજમાં શુ મોઢુ બતાવશે તેવી દહેશતના કારણે ગોળી ધરબી આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ખડીયા ગામે પોતાની વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી ધરબી દીધી

ભારતીબાપુના પરિણીત મહિલા સાથેના ફોટા અને ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. તુ મને મળતી નથી તેવા ઓડિયો ક્લિપ તેમજ દારુનો નશો કરતા હોવાના વીડિયો વાયરલ થયા હોવાથી રાજ ભારતીબાપુ શરમજનક સ્થિતીમાં મુકાયા હતા અને સાધુ સમાજ માટે કલંકીત થઇ જશે તેવા ડરના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

વીડિયો વાયરલ થતા સમાજમાં શરમજનક સ્થિતીમાં મુકાયાના ગણતરીની કલાકોમાં જ આત્મહત્યા કરી લીધી

રાજ ભારતીબાપુનો દારુ પીતા હોય તેવો અને પરિણીત મહિલા સાથેના ફોટોગ્રાફ તેમજ ઓડિયો તેમની નજીકની જ વ્યક્તિએ વાયરલ કર્યાની શંકા વ્યક્ત થઇ રહી છે. રાજ ભારતીબાપુના શરાબ અને શબાબના શોખ  અંગે નબળી કડી જાણતી અંગત વિશ્ર્વાસુ દ્વારા વિશ્ર્વાસઘાત કરી બ્લેક મેઇલીંગ કરવા માટે વીડિયો રેકોર્ડીંગ કયાની ચર્ચાએ ચકચાર જગાડી છે.