કેશોદના વ્યાજના ગુનામાં બે માસથી  ફરાર શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો

વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે યુવાને ઝેર ગટગટાવી લીધુ હતુ

જૂનાગઢના એક વ્યાજખોર શખ્સે કેશોદના મજૂરી કરી ગુજરાન ચલાવતા યુવકને રૂ. 10 હજાર વ્યાજે આપી, 45 હજાર આ યુવકે વ્યાજ સહિત ચૂકવ્યા છતાં, 95 હજારની માગણી કરતા, યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. છતાં આ યુવકે વધુ રકમ મેળવવા હોસ્પિટલે પહોંચી જઈ ધમકી આપી હતી. જો કે આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીનાસતો ફરતો હતો ત્યારે જૂનાગઢ પોલીસે આ શખ્સને ઝડપી લઇ કેશોદ પોલીસને હવાલે કર્યો હતો અને આ શખ્સના ગંભીર ગુનાની નોંધ લઇ કોર્ટે આ શખ્સને જેલહવાલે કર્યો હતો. બીજી બાજુ આ વ્યાજખોર શખ્સો સામે જૂનાગઢમાં આરટીઆઇ એક્ટિવિસ્ટના પુત્રનું વ્યાજે આપેલાં નાણાં વધુ મેળવવા માટે અપહરણ કરી  રૂપિયા 55 હજાર પડાવ્યાની જૂનાગઢમાં ફરિયાદ થતા પોલીસે આ શખ્સનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક યુવકની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ઇન્દિરા નગર ખાતે સોસાયટી વિસ્તારમાં રહેતા અને કલર કામની મજૂરી કરી, પોતાનું ગુજરાન ચલાવતા મનદીપ જગદીશભાઈ ચુડાસમાએ પોતાની જરૂરીયાતના કારણે પોતાના ઓળખીતા જૂનાગઢના વ્યક્તિ આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી પાસેથી સાત આઠ મહિના પહેલા રૂ. 10, હજાર વ્યાજે લીધેલા અને અત્યાર સુધીમાં મુદ્દલ કરતા ચાર ગણાથી વધુ વ્યાજ સહિત રૂ. 45 હજાર ચૂકવી દીધા હતા. છતાં પણ વ્યાજખોર આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી દ્વારા પેનલ્ટી સહિત હજુ પણ દશ ગણા રૂપિયા વ્યાજના ચઢાવીી રૂ. 95, હજાર માંગવામાં આવ્યા હતા અને પઠાણી ઉઘરાણી કરી, ધમકીઓ આપવામાં આવતી હતી.

જેના કારણે વ્યાજ ચુકવવાની લ્હાયમાં મનદીપ ચુડાસમા મજૂરી પણ કરી શકતા ના હતા. અને વ્યાજને પહોંચી શકાતું ન હોતું. યુવાનની હાલત કફોડી થઈ ગયેલ હતી, બીજી બાજુ વ્યાજખોોર શખ્સ યુવાનના ઘરે જઈને તેમજ મોબાઈલ ફોન ઉપર ધમકીઓ આપવાનું શરૂ કરતાં, વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાાનની તેમજ તેમના પરિવારની માનસિક સ્થિતિ ખૂબ જ બગડી હતી. ફરિયાદી પાસે કોઈ રસ્તો રહ્યો ના હોય, ગત તા. 11 મી માર્ચ ના રોજ વ્યાજમાં ફસાયેલા બે યુવક એ ઝેરી દવા પી જતા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો.

ત્યારે પણ છરી સાથે આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેમના દ્વારા વ્યાજ નહિ આપે તો, મારી નાખવાની ધમકી આપતા, આ બાબતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોર આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી વિરૂદ્ધ મની લોંડરિંગ એક્ટ તથા ખંડણી ઉઘરાવવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

દરમિયાન કેશોદ ખાતે ગુન્હો દાખલ થયા બાદ છેલ્લા બે માસ જેટલા સમયથી આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી વોન્ટેડ થઈ, નાસતો ફરતો હતો અને જૂનાગઢ શહેરમાં પણ આ શખ્સ વિરુદ્ધ વ્યાજખોરીની રજૂઆત આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્ટાફની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે કેશોદના વ્યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવાના ગુન્હામાં વોન્ટેડ આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકીની ધરપકડ કરી, રાઉન્ડ અપ કરી, કેશોદ પોલીસને સોંપવામાં આવેલ હતો.

કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર તથા સ્ટાફ દ્વારા વોન્ટેડ આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકીની ધરપકડ કરી, કોર્ટ હવાલે કરતાં, ચૌદ ગણું વ્યાજ લેનાર અને વ્યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, ઝેરી દવા પીવા મજબૂર કરી, હોસ્પિટલમાં દાખલ ફરિયાદીને હોસ્પિટલમાં હોવા છતાં છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.