Abtak Media Google News

૨૦ જેટલી દુકાનમાં ચેકિંગ હાથ ધરાતા ૨૫૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

જુનાગઢ મનપાએ રાજય સરકારના આદેશોના પગલે મનપા કમિશનરની સુચના મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પાણીપુરીની લારીઓવાળા તેમજ ચાઈનીઝ ફુડ વેચનારા અને ફરસાણના ધંધાર્થીઓ પાસેથી અખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો સાથે સાથે ભુતનાથ પાસે વગર લાયસન્સે ચાઈનીઝ ફુડનો ધંધો કરતા વેપારીઓ પણ ઝપટે ચડયા હતા. તેમને નોટિસો ફટકારાઈ હતી. મનપાએ શહેરી વિસ્તારમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા અનેક ખાણી પીણીના ધંધાઓવાળા શંકેલો કરી છુમંતર થઈ ગયા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર સરકારના આદેશો તેમજ મનપા કમિશનરની સુચના મુજબ શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધરતા આશરે ૨૫૦ કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. સાથે-સાથે વગર લાયસન્સે ખાણીપીણીની દુકાનો ચલાવનારા પણ સામે આવ્યા હતા. આ તમામની પાસેથી મનપાએ ન્યુસન્સ ચાર્જ વસુલી નોટિસો ફટકારી હતી.

અંકુર ફરસાણ કીંગ કવીન, શીવશકિત સહિતના વેપારીઓ મનપાની ઝપટે ચડયા હતા. આ લોકોએ બહાર ખુલ્લામાં મુકેલા તાવડા, વાસી અને અખાદ્ય ખોરાક, અખાદ્ય ચટણીઓ સહિતનો જથ્થો નાશ કરતા શહેરના અન્ય ખાણી પીણીનાં ધંધાર્થીઓમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા ખાણી-પીણીની લારીઓ સમી સાંજના સુમારેજ ટપોટપ બંધ થઈ જવા પામી હતી.

આસી.કમિશનર પ્રફુલ કનેરીયા તેમજ મેડિકલ ઓફિસર રવિ ડેડાણીયાના માર્ગદર્શન મુજબ રાયદેભાઈ ડાંગર, ફુડ સેફટી ઓફિસર, ઉદય નંદાણીયા સહિતની મનપાની ટીમ દ્વારા કાર્યવાહી હાથધરાઈ હતી. હજુ આગામી દિવસોમાં આવા તત્વો સામે કાર્યવાહી ચાલુ જ રાખવાના અણસાર હેલ્થ ઓફિસર ડેડાણીયાએ આપ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાઓ રસ્તાઓ ઉપર દબાણો કરી ચાલી રહ્યા છે. જેના પર આવા ચેકિંગથી કંટ્રોલ રહેશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.