Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ વિભાગમાં પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં લાખો યુવાનોએ અરજી કરી છે. આગામી 3 ડિસેમ્બરથી પોલીસ કોન્સટેબલ અને પીએસઆઈની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જ્યારે માર્ચ-એપ્રિલ મહિનામાં લેખિત પરીક્ષા યોજાય તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં યુવાનો ખાખીનું સપનુ સાકાર કરવા મથી રહ્યા છે ત્યારે કેશોદ પંથકના યુવાનોને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ બનવા અને માર્ગદર્શન આપવા સર્વ જ્ઞાતિ માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ગનું ઉદ્ઘાટન જુનાગઢ જિલ્લા પોલીસ વડાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કેશોદના બસ સ્ટેન્ડ સામે આવેલાં ખાનગી શાળાનાં સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. કેશોદ પંથકના 800થી વધારે યુવાનોએ પીએસઆઈ-એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે અરજીઓ કરી છે તેઓ હાજર રહ્યા હતાં અને મંચસ્થ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

કેશોદના પોલીસ વિભાગમાં ભરતી માટે તૈયારીઓ કરતાં યુવાનોની પ્રાથમિક પરીક્ષામાં ઉત્તિર્ણ થનારાં દોઢસો પરીક્ષાર્થીઓને પસંદ કરી લેખિત પરિક્ષા અને મૌખિક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. જુનાગઢ જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત યુવાનો સાથે મુક્ત મને ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેશોદ પંથકમાં પ્રથમ વખત સર્વ જ્ઞાતિના પરીક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જરૂરતમંદ વિદ્યાર્થીઓને આ કોચિંગ ક્લાસ આશીર્વાદરૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.