જૂનાગઢ: રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના પ્રમુખે રાજકોટની મહિલા સામે કર્યા આક્ષેપ

લગ્ન સહાયના નામે કૌભાંડ થયાના આરોપમાં નવો વળાંક

જૂનાગઢની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા લગ્ન સહાયના નામે કરોડોનું ફુલેકું ફેરવી ગયાની ગઈકાલે રાજકોટમાં કમિશનરને થયેલ રજૂઆત અને ફરિયાદ બાદ જૂનાગઢની રીયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ મીડિયા સમક્ષ આવ્યા છે. અને તેમણે આવું કોઈ ફ્રોડ નથી કર્યું તથા તેમની ઓફિસ પણ ચાલુ હોવાની સાથે રાજકોટ ઓફિસમાં કામ કરતી એક મહિલા દ્વારા જે સભ્યોની રકમ આવી છે તે ફાઉન્ડેશનમાં જમા કરવામાં ન આવી હોવાનો આક્ષેપો કરી, આ મહિલા સામે જુનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ફરિયાદ અરજી અને રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે. બીજી બાજુ રિયલ ફ્રેન્ડશીપ ફાઉન્ડેશન સામે માધુપુર ગીરના એક અગ્રણી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.

ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરીયાએ કર્યા ખુલાસા:
રાજકોટના મહિલા કર્મીએ લાભાર્થીની રકમ જમા કરાવી જ નથી

રાજકોટના મોરબી રોડ પર રહેતા જિજ્ઞાસાબેન સહિતના એ ગઈકાલે રાજકોટ પોલીસ કમિશનરને એક આવેદનપત્ર પાઠવી લગ્ન સહાયના નામે રૂ. 25 હજાર ઉઘરાવી, લગ્ન હોય ત્યારે એક લાખ આપવાની સ્કીમ આપનાર જૂનાગઢની રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન હાલમાં બંધ થઈ ગયેલ હોય અને ઓફિસને તાળા મારી ફાઉન્ડેશનના પ્રમુખ વિદેશ જવાની ફિકરમાં હોય તેવી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી. જો કે, આ બાબતે માધાપુર ગીરના એક અગ્રણીએ પણ મુખ્યમંત્રી, જુનાગઢ અને રાજકોટ કલેકટર તથા પોલીસે વડાને રજૂઆત કરી હોવાનું સંભળાઈ રહ્યું છે.

દરમિયાન ગઈકાલે જૂનાગઢની રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનનાના હરેશ કરમશીભાઈ ડોબરીયા એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજની તારીખે જુનાગઢ ખાતે ફાઉન્ડેશનની ઓફિસ કાર્યરત છે. અને અમો ક્યાંય વિદેશ જવાના ફિકરમાં નથી. અમે કોઈ ફ્રોડ કર્યું નથી અને જે જરૂરિયાતમંદ લાભાર્થીઓ છે તેને રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવશે અમે તમામ સભ્યોની સાથે છીએ, હતા અને રહેશું.

જો કે, આ દરમિયાન રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના ના હરેશ ડોબરીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારી રાજકોટ ખાતે ઓફિસ સંભાળતા જિજ્ઞાસાબેન દ્વારા લોકોને ખોટી રીતે ઉશ્કેરવામાં આવ્યા છે. અને મીડિયા સમક્ષ ખોટા બયાન અપાયા છે. હકીકતમાં જિજ્ઞાસાબેને રાજકોટ ખાતે લાભાર્થીઓની જે રકમ આવી હતી તે ફાઉન્ડેશનમાં જમા કરાવી નથી. અને તે રકમ તેમની પાસે રાખી અન્ય એક ટ્રસ્ટ શરૂ કરેલ છે અને રાજકોટ ખાતે ખોટી ફરિયાદ કરી છે. હકીકતમાં અમોએ જિજ્ઞાસાબેન સામે જુનાગઢ એસપી અને ડીઆઈજીને રજૂઆત કરી ફરિયાદ અરજી આપેલા છે અને પોલીસ દ્વારા તપાસ થશે, તથા જિજ્ઞાસાબેન સામે ફરિયાદ પણ દાખલ થશે.