Abtak Media Google News

જુનાગઢ પોલીસની સતર્કતા અને ત્વરીત કામગીરીના કારણે જૂનાગઢ માં ગતરાત્રીના થયેલા નવ લાખથી વધુ રકમના તમાકુ અને સિગરેટની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે અને વડોદરા પોલીસની મદદથી આ ચોરીના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. દરમિયાન પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રમાં લોક ડાઉન હોય ત્યારે તમાકુ બીડીની અછતમાં કમાય લેવાના આશયથી આ ચોરી થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અને પકડાયેલા પૈકીના 3 આરોપીઓ આંતર રાજ્ય ચોરી હોવાનું તથા અનેક ગુન્હા નોંધાયેલ હોવાનું રિમાન્ડ દરમિયાન સામે આવેલ છે જૂનાગઢ શહેરના સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટનો હોલસેલ વેપાર કરતા ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયાના ગોડાઉનમાં તાળાં તોડી, પ્રવેશ કરી, બાગબાન તમાકુના પાઉચ, ટીનના ડબ્બાના કાર્ટૂન નંગ 17, વિમલ પાનમસાલા ના પેકેટ નંગ 300, રજની ગંધા પાન મસાલાના પેકેટ નંગ 200, સિગારેટના પાકીટ નંગ 60, તથા  રોકડ રકમ રૂ. 3000 મળી કુલ રૂ. 9,70,000 ની ચોરી કર્યા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી હતી.

જે અંગે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.આઇ.ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ટેકનીકલ સેલના પીએસઆઈ પી.એચ. મશરુ તથા સ્ટાફની જુદી જુદી ચાર ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાથોસાથ જૂનાગઢ પોલીસ તરફથી ઘરફોડ ચોરીના ગુન્હામાં ત્વરિત માહિતી મેળવી, અન્ય જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવતા, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ  મહાવીરસિંહ જોહરસિંહ રાઠોડ (ઉવ. 33 રહે. કાશીમીરાં ગામ, મીરા રોડ, ઝૂમખાં ભાખરી વિસ્તાર, મુંબઇ મહારાષ્ટ્ર), ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા (ઉવ. 23 રહે. પ્રમુખ છાયા સોસાયટી, સરથાણા, સુરત મૂળ રહે. કેરાલા ગામ તા. ધારી જી. અમરેલી), રામુ છોટેલાલ નિશાદ (ઉવ. 37 રહે. શાંતિનગર, કડોદરા, સુરત મૂળ રહે. બેનકી ગામ પોષ્ટ ચોડાગર જી. કાનપુર ઉત્તરપ્રદેશ), અજય સત્યશ્રી મિશ્રા (ઉવ. 27, રહે. શાંતિનગર, કડોદરા, સુરત મૂળ રહે. લમકાણા, શિવહોરા, જી. જબલપુર, મધ્યપ્રદેશ) તથા જગદીશ તુલસીરામ ચૌધરી (ઉવ. 25 રહે. રબારી કોલોની, નારોલ, અમદાવાદ મૂળ રહે. એલઆઇસી ઓફીસ સામે, જાવરા, જી. રતલામ મધ્યપ્રદેશ) ને પકડી પાડી, આ ગુન્હામાં સંડોવાયેલ આઇશર ટેમ્પો તથા  ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ, મોબાઈલ ફોન નંગ 7, રોકડ રકમ રૂ. 15000 તેમજ એક ટપારિયા કટર, બે ગણેશિયા સહિત કુલ રૂ. 14,88,700 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા આરોપીઓ તથા મુદામાલનો કબ્જો મેળવી, જૂનાગઢ લાવી, કોર્ટ માંથી બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરાઇ છે

દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપીઓ માલવાહક વાહન લઈને ગુગલ મેપમાં સર્ચ કરીને શહેર વિસ્તારમાં આવેલ પાન, બીડી, તમાકુ, સિગારેટના ગોડાઉન શોધી કાઢી, ગોડાઉનમાં તાળા તોડી, લાખો રૂપિયાનો માલ ચોરી કરવાની મોડ્સ ઓપરેનડીથી ગુન્હાઓ આચરતા હોવાનું જાણવા મળેલ છે. તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરીપી ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા મુખ્ય સૂત્રધાર છે, હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં લોક ડાઉન ચાલુ હોય, તમાકુ બીડી સિગારેટની ખૂબ જ તંગી હોઈ આ ચોરીને અંજામ આપેલ હતો આ સિવાય ગત વર્ષે લોક ડાઉન વખતે પણ આ જ મોડ્સ ઓપરેન્ડીથી  મોરબી, સુરત અને જૂનાગઢ ખાતે ગુન્હાઓ કરેલાની કબૂલાત આરોપીઓ દ્વારા જૂનાગઢ પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે.

પકડાયેલા પૈકી ત્રણ આરોપીઓ આંતરરાજય ગેંગમાં સામેલ

આંતર રાજ્ય પરપ્રાંતીય ઘરફોડ ચોરી કરતા પાંચ આરોપીઓની ગેંગની જૂનાગઢ પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી મહાવીરસિંહ જોહરસિંહ રાઠોડ ભૂતકાળમાં 2013 ની સાલમાં મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યના ડીંડોસી પોલીસ સ્ટેશન, કાંદીવલી પોલીસ સ્ટેશન, ભાંડું પોલીસ સ્ટેશન તેમજ નાલાસોપારા તુલિઝ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીઓના પ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ છે. આરોપી ધર્મેશ ઉર્ફે ધર્મો જયસુખભાઈ સિરિયા અમદાવાદ શહેરના એલિસબ્રિજ, સેટેલાઇટ, નવરંગપુરા, પાલડી પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેરના સલાબતપુરા, વરાછા પોલોસ સ્ટેશન તથા ખેડા જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ઉપરાંત મુંબઇ મહારાષ્ટ્ર રાજ્યના થાણા, કુલીનજી, નવઘર સહિતના પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના 15 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. આરોપી જગદીશ તુલસીરામ ચૌધરી અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ચોરીના 3 ગુન્હાઓમાં પકડાયેલ હોવાનું ખુલવા પામ્યું છે. આમ, પકડાયેલ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ઘરફોડ ચોરી અને ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ રીઢા આંતર રાજ્ય પરપ્રાંતીય ગુન્હેગારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.