Abtak Media Google News

જૂનાગઢના જૂની સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ગઈકાલે સાંજના પાંચ વાગ્યે એક વૃદ્ધ પાસેથી રૂપિયા ૨૫ હજાર ભરેલી થેલીની ચીલ ઝડપ કરવા નીકળેલા બે બાઇક સવારોની મનની મનમાં રહી હતી અને આ ચીલ ઝડપ દરમિયાન મોટરસાયકલ ગોથું ખાઈ જતા એક આરોપી મોટરસાયકલ સાથે પકડાઈ જવા પામ્યો હતો, જ્યારે બીજો આરોપી રૂ. ૨૫૦૦૦ ભરેલી થેલી લઈને નાસી છૂટતાં પોલીસે તેને પકડી પાડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા છે. જો કે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટના એ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી.

જૂનાગઢના ભરચક એવા જૂની સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ગઈકાલે સાંજના ૫ વાગ્યે શહેરના વાંઝાવાડ સેજના ઓટા પાસે રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધ ધીરૂભાઇ મોરારજીભાઇ પીઠવા કપડાની થેલીમા ભરેલ રોકડ રૂ. ૨૫૦૦૦ લઇને જતા હતા તે દરમિયાન બે શખ્સો પોતા પાસેનુ સુઝુકી બર્ગમેન બ્લુ કલરના મોટર સાયકલ  ઉપર ડબ્બલ સવારીમા આવી, વૃદ્ધાના  હાથમા રહેલ કપડાની થેલી જુટવી ભાગતા વૃદ્ધ  ધીરૂભાઇ પડી જતા ઢસડાયા હતા અને છોલાઈ ગયેલ, જ્યારે બંને શખ્સો મોટર સાયકલ સાથે પડી ગયેલ હતા.

જે દરમિયાન શહેરના માત્રીરોડ કુંભારવાળા વડલાવાળી શેરીમાં રહેતો હશનભાઇ નામનો શખ્સ રૂ. ૨૫૦૦૦ સાથેની થેલી જુટવી ભાગી ગયેલ, જ્યારે નાથીબુ મસ્જીદ પાછળ રહેતો એજાજ ગફારભાઇ ભટ્ટી મોટર સાયકલ સાથે પકડાઈ ગયો હતો. બાદમાં વૃદ્ધ ધીરૂભાઇ મોરારજીભાઇ પીઠવા એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને રૂ. ૨૫૦૦૦ લઈને નાસી છુટેલ શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.