Abtak Media Google News

બજારમાં ડુંગળીનો નવો પાક આવતા ભાવમાં સતત નોંધાતા ઘટાડાથી ખેડૂતોને નુકસાનીની ભીતિને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

ચાલુ વર્ષે ડુંગળીની ઉપજ ઓછી આવતા અને નિકાસકારોની નિકાસના પરિણામે એશિયામાં ડુંગળીના સૌથી મોટા નિકાસકાર દેશને આયાત કરવા મજબૂર બનાવી દીધો હતો. ડુંગળી ૨ મહિના ખેડૂતો અને ૧૦ મહિના ગૃહિણીઓને રડાવે છે તે બાબત અવાર નવાર સંભળાતી હોય છે. ત્યારે ડુંગળીમાં સરકારની દુરંદેશી નીતિની જરૂરિયાત ભણી રહી છે. નવો પાક આવતા નિકાસકરો ધમ ધોકાર નિકાસ કરતા હોય છે જેથી દિવાળી નજીક આવતા ભારતમાં જ ડુંગળીની અછત વર્તતી હોય છે પરિણામે ડુંગળીના ભાવ આસમાને પહોંચતા હોય છે ત્યારે સરકારે આ મામલે યોગ્ય નીતિ ઘડી સુઘડ વ્યવસ્થાપન કરવાની જરૂરિયાત છે.

દિવાળી સમયે ડુંગળીની અછત સર્જાતા સરકારે અબય દેશોમાંથી ડુંગળીની આયાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, દિવાળી પૂર્વે ડુંગળીના ભાવ દેશના અમુક રાજ્યોમાં રૂ. ૧૦૦ પ્રતિકીલોએ પહોંચ્યા હતા જેથી કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. ઉપરાંત સરકારે  સ્ટોક મર્યાદા ધારો પણ અમલી બનાવ્યો હતો. ત્યારે ફરીવાર બજારમાં નવો બમ્પર ક્રોપ આવી રહ્યો છે જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી ડુંગળીના નિકાસને છૂટ આપવામાં આવી છે. નવો પાક ધીમેધીમે બજારમાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા બે સપ્તાહથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી બાજુ ડુંગળીની નિકાસ પ્રતિબંધિત હોવાથી જથ્થો ફક્ત ઘર આંગણે જ વપરાય રહ્યો છે જેથી માંગની સામે ઉપલબ્ધતાનો રેશિયો ઊંચો જતા ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો જેથી ખેડૂતોને પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને ડુંગળીની તમામ જાતોની નિકાસની છૂટ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેનાથી નિકાસકારોમાં ખુશીની લહેર છવાઈ છે. સાથોસાથ ખેડૂતોમાં પણ આંનદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટતા જતા ડુંગળીના ભાવ પર નિયંત્રણ મેળવવામાં સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે.

ભારત એશિયન દેશોમાં ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ભારત બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયા અને શ્રીલંકામાં ડુંગળીનો નિકાસ કરે છે. ત્યારે કેન્દ્ર સરકારે ડુંગળીની અછત તેમજ ભાવને કાબૂમાં રાખવા એક ચોક્કસ નીતિ બનાવવાની તાતી જરૂરિયાત છે અન્યથા ડુંગળી વારાફરતી ખેડૂત અને ગૃહિણીઓને રડાવતી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.