Abtak Media Google News

ઇન્ડિયન વિમેન્સ કબડ્ડી પ્લેયર એશિયાડમાં જીતાડી ચૂકી છે ગોલ્ડ

ઈન્ડિયન વિમેન્સ કબડ્ડી ટીમની પ્લેયર કવિતા ઠાકુરે પોતાના જીવનનો લાંબો સમય હિમાચલ પ્રદેશના મનાલીથી ૬ કિલોમીટર દૂર આવેલા પોતાના ગામ જગતસુખના એક ઢાબામાં પસાર કર્યો છે. ૨૪ વર્ષીય કવિતા જેણે ૨૦૧૪માં ભારતને એશિયાડમાં ગોલ્ડ જીતાડવામાં મદદ કરી હતી, તેણે પોતાનું બાળપણ ઢાબામાં વાસણ ધોવામાં અને સફાઈ કરવામાં પસાર કર્યું.

કવિતાના પિતા પ્રુથ્વી સિંહ અને માતા ક્રિશ્ના દેવી હજી પણ ઢાબા પર ચા અને નાસ્તો વેચે છે. કવિતાની મોટી બહેન કલ્પના સિંહ તેમને ઢાબા પર મદદ કરે છે. કવિતાએ જણાવ્યું કે, હું પણ મારા પેરેન્ટ્સ સાથે ઢાબા પર કામ કરતી હતી. હું વાસણ ધોતી હતી, સફાઈ કરતી હતી.

કવિતાએ આગળ જણાવ્યું કે, મારું બાળપણ અને ટીનેજના વર્ષો ઘણાં મુશ્કેલીમાં પસાર થયા. શિયાળામાં અમે દુકાનની પાછળના ભાગમાં જમીન પર જ સુઈ જતા હતા. જમીન બરફ જેવી થઈ જતી હતી. ત્યારે અમારી પાસે પાથરણાં ખરીદવાના પૈસા નહોતા. ૨૦૧૪માં એશિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી કવિતાને ઓળખ મળી અને રાજ્ય સરકારે પણ નાણાંકીય મદદ કરી.

કવિતાનો પરિવાર હવે મનાલી પાસે એક ભાડાના મકાનમાં રહે છે. કવિતા કહે છે કે, હું મારા માતા-પિતાને રહેવા માટે એક વ્યવસ્થિત ઘર આપી શકી તે મારા જીવનની સૌથી આનંદની પળ હતી. મારો નાનો ભાઈ હવે સારું ભણતર મેળવી શકશે. કવિતાના માતા જણાવે છે કે, કવિતાની મહેનત અને ધગશને કારણે અમારા માથા પર આજે છત છે. થોડાક વર્ષો પહેલા અમે વિચાર્યુ પણ નહોતું કે અમે ઢાબા સિવાય બીજે ક્યાંય રહેવા જઈ શકીશું.

કવિતાએ ૨૦૦૭માં સ્કૂલમાં કબડ્ડી રમવાની શરુઆત કરી હતી. કવિતા કહે છે કે, કબડ્ડી ખર્ચાળ રમત નહોતી, માટે મેં કબડ્ડી રમવાનું નક્કી કર્યુ હતું. મારી મોટી બહેન મારા કરતા વધારે સારી કબડ્ડી પ્લેયર હતી, પરંતુ મારા માતા-પિતાને ઢાબા પર મદદ કરવાને કારણે તેણે પોતાના કબડ્ડી રમવાના સપનાનો ત્યાગ આપ્યો.

નેશનલ લેવલ પર સતત સારું પ્રદર્શન કર્યા પછી કવિતાએ ૨૦૦૯માં ધર્મશાલામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જોઈન કર્યું. પછી તેનું સિલેક્શન નેશનલ ટીમમાં થયું. કવિતા કહે છે કે, મારા માતા-પિતા અને બહેને મને સતત સપોર્ટ કર્યો. તેમના સપોર્ટ વિના હું ઈન્ડિનય ટીમ માટે ક્યારેય ન રમી શકતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.