Abtak Media Google News

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્થાથી હૈયું તરબતર  જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે.  મહુડી તીર્થનાં દર્શને જેટલા જૈનસમુદાયના લોકો જાય છે એના જેટલા જ જૈનેતરો પણ જતા હોય છે.  ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે.  તેનું અસલ નામ મધુપુરી છે.  તેમાં શ્રી ઘંટાકાર્ણવીર દાદાનું મંદિર છે.  ઉપરાંત મૂળનાયક  શ્રી પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે.  ઘંટાકર્ણવીર જિનેશ્વર પરમાત્માના પરમતારક શાસનમાંના બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે.

જિનશાસ્ત્ર મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા. હાલના ઉત્તરાંચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજય હતું.  તેની નજીકની પર્વતમાળા પર ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં જિનાલય આવેલાં છે તેની યાત્રાએ આવતા શ્રાવકોનું રક્ષણ પર્વતના જંગલ વિસ્તારનાં હિંસક વન્ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષણ કરવા માટે ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ થયો હતો.  યાત્રીઓનું રક્ષણ કરતાં કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે.

જિનશાસક પ્રભાવક યુગપ્રવર્તક યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ઘિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થ ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ કર્યો હતો.  આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે.  વિક્રમસંવત 1980 માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી ઘંટાકર્ણ દાદાની સ્થાપના કરી હતી.  જો કે આ અગાઉ વિક્રમસવંત 1978માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી.  ઉપાસનાસહ  સાત્વિક ભકિત કરનાર સર્વ શ્રાવકો- શ્રદ્ઘાળુઓ- ભાવિકોને સહાયભૂત થવા માટે  દાદાને વચનબદ્ઘકરીને તેમણે બે ચરિત્ર્યવંત શિલ્પકારો પાસે મુર્તિ ખારાબારના પથ્થરમાંથી બનેલી છે.  રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મુર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે જ તેની વિવિધપૂર્વક પ્રક્ષાલ પૂજા-કેસરપૂજા કરવાની પરંપરા છે.

પ્રતિમાનજીના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે.  અજ્ઞાન વહેમ ભૂતપ્રેતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી લોકોને મુકત કરવા માટે અને ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ લોકોને મુકત કરાવવા માટે જ પારમાર્થિક પ્રેરણાથી શુદ્ઘવિશુદ્ઘ સમ્યગ્ દ્રષ્ટિધારક જિનશાસન અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્યક્ષભાવે આ.ભ. શ્રીમદ્ બુદ્ઘિસાગર સૂરીશ્વરજી મ.સા.એ પ્રત્યક્ષભાવે સાક્ષાત કર્યા હતા.સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. આ.ભ.શ્રીમદ્ બુદ્ઘિસાગર સૂરીશ્વરજી મ.સા.એ વિક્રમસવંત 1974માં માગશર સુદ છઠના દિવસે નૂતન જિનાલય નિમાર્ણ કરાવી મૂળનાયક શ્રીમદ્ પદ્મપ્રભુસ્વામી ભ.ની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ સવંત ર0ર4માં ગચ્છાધિપતિ આ.ભ.રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સા. તથા ગચ્છાધિપતિ આ. ભ. સુબોધ સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ર7 જિનાલયનું  નિમાર્ણ થયું.

આ તીર્થમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનના પૂજન – દર્શન ભકિત કરી તેમજ ઘંટાકર્ણદાદાને સુખડી -શ્રીફળ ધરાવીને શ્રદ્ઘાળુઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થાય છે એ સંદર્ભે ઘંટાકર્ણ દાદાનું મંદિર અન્ય જિનમંદિરોથી અલગ પડે છે. રોજ હજારો મણ સુખડી શુદ્ઘ ઘીમાંથી મંદિરસંકુલમાં જ તૈયાર થાય છે. અહીંના નૈવેદ્યની સુખડી મંદિર સંકુલમાં જ આોરગવાની પરંપરા-પ્રણાલિકા છે.  સંકુલની બહાર તેને લઈ જઈ શકાતી નથી. બહાર લઈ જનારને અશાંતિ-અનિષ્ટ નડે છે એવી માન્યતા છે.દર વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે 1ર-39ના વિજયમુહૂર્ત ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા 97 વર્ષથી પણ વધુ આ હવન થાય છે.  ઘંટાકાર્ણ દાદાની પૂજા અર્ચના કાળી ચૌદશની મધ્યરાત્રીએ 1ર-00 કલાકે કરી શકાય છે.  જેમ કે ધનનો લાભ વ્યાપાર નોકરીનો લાભ રોગમુકિત રાજકીય લાભ તેમજ હરીફ ઉપર અચુક લાભ થાય છે.  તેમજ આ સાધનાથી ગર્ભપાત ચોરી અગ્નિ પાણી કસુવાવડ અ કાળ મૃત્યુનો ભય દુર થાય છે.

દેશ અને દુનિયાના અનેક વિસ્તારોમાંથી  જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે.  હવનમાં 108 આહુતિઓ અપાય છે. પ્રત્યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પર એક ગાંઠ મારવાની ક્રિયા થાય છે.મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.