Abtak Media Google News

પરમ કથ્થક કેન્દ્રના કલાકારોના ગ્રુપ નૃત્ય અને અંકિતા જાડેજા એકાંકી નૃત્યએ કલા રસીકોનાં દિલ જીત્યા

Screenshot 9 1 1

સપ્ત સંગીત-2023ના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં કલાપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત: આજે ઋતુજા લાડ, અવંતી પટેલ દ્વારા  ઠુમરી-દાદરા પ્રસ્તુત કરાશે

રાજકોટની કલા રસીક જનતાની આતુરતાના અંત સાથે તા. 2 ગઈકાલથી સપ્ત-સંગીતિ-2023 નો હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે પં. બિરજુ મહારજના પૌત્રી સુશ્રી શિંજીની કુલકર્ણીના કથ્થક નૃત્યથી સાપ્તાહિક સંગીત સંમેલનનો નૃત્યમય શુભારંભ થયો હતો. તેમની કલા પ્રસ્તુતીએ રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમના પ્રથમ ચરણમાં રાજકોટના પરમ કથક કેન્દ્રના કલાકારોના ગ્રુપ નૃત્ય અને અંકિતા જાડેજા એ એકાંકી નૃત્ય રજુ કરીને તેમની પ્રતિભનો પરિચય આપ્યો હતો.

Kaththak Dance 1 કાર્યક્રમની શરુઆત સપ્ત સંગીતિની પરંપરા અનુસાર પ્રથમ દિવસના પેટ્રન રોલેક્સ રિંગ્સ લિ. ના   મનીષભાઇ મદેકા, શુભેચ્છક ડો. જયપ્રકાશ ભટ્ટ તથા સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલના પત્ની  કીર્તિબેન, તેમની દિકરી કુ. પ્રાચી અને નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરોના શુભ હસ્તે દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. નીઓ ફાઉન્ડેશનના ડિરેકટર  દિપકભાઈ પિંડાણી એ તેમના ઉદબોધનમાં રાજકોટના કલારસીકોને આવકાર્યા હતા.Kaththak Dance 4

તેમણે કુશળતા અને કલા દ્વારા વિકાસની અને તેને પ્રોત્સાહન આપવા માટે 2017 ની સાલથી શરુ થયેલી સપ્ત સંગીતિની સફર વિશે વાત કરી હતી. વક્તવ્યમાં તેમણે ગાયન, વાદન અને નૃત્ય એમ ત્રણ કલાના ત્રિ-સંયોગની વાત કરી હતી. તેમજ કાર્યક્રમ માટે હંમેશા અગ્રેસર રહેતા તમામ પેટ્રન અને પ્રેક્ષકોના સહકાર માટે આભાર માન્યો હતો. વકત્વના અંતમાં 2020ની સાલમાં સપ્ત સંગીતિમાં સ્વ. પં. જસરાજજીના છેલ્લા પર્ફોર્મન્સની થોડી ક્ષણો સ્ક્રીન ઉપર રજુ કરી હતી. ઓડિટોરીયમમાં ઉપસ્થિત સૌ શ્રોતાગણે તેમના સ્થાન ઉપર ઉભા થઈ મૌન પાડીને પંડિત સ્વ. પં. જસરાજજીને અને કોરોનાના કપરા બે વર્ષ દરમિયાન ગુમાવેલા સ્વજનો અને કલાકારોને યાદ કરીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સભાના પ્રથમ ચરણમાં રાજકોટના પરમ કથ્થક કેન્દ્રની વિધાર્થીનીઓ દ્વારા ગ્રુપ ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. શ્રીમતી પલ્લવીબેન વ્યાસ દ્વારા સંચાલીત આ ગ્રુપની વિધાર્થીનીઓ વાગીશા સાકરીયા, હિમા શેઠ, વૈભવી જિકાર, યશવી જોષી, મિષ્ટી અઘેરા તથા જીયા પાધરા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, પ્રથમ કૃતિ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. ગણેશ સ્તુતિ રાગ યમન અને દાદરા તાલમાં રજૂ કરવામાં આવી હતી.Kaththak Dance 5

બીજી પેશકશમાં આ ગ્રુપની કલાકારાઓએ શુદ્ધ જયપુરી ઘરાનાની બંદિશ ઉપર ખૂબ સુંદર નૃત્ય, શિવ વંદના અને કૃષ્ણ વંદના પ્રસ્તુત કરી હતી અંતભાગમાં રાગ મારવામાં સુંદર તરાનાના બોલ ઉપર વિદ્યાર્થીનીઓએ તેમની કથ્થક કલા પ્રસ્તુત કરી હતી. આ પેશકશમાં તેમની સાથે હાર્મોનિયમ અને ગાયન પર ઋષિકેશ પંડયા, તબલા પર આનંદ જોષી તથા કુણાલ વ્યાસ અને સારંગીમાં શ્રી ગુલામ મોહમદે સાથ આપ્યો હતો. આ પ્રથમ ચરણની બીજી પ્રસ્તુતિમાં શ્રી અંકિતા જાડેજાએ કથ્થક સોલો ડાન્સ રજૂ કર્યો હતો. તેણીએ જયપુર ધરારાનાના શ્રી રાજેન્દ્ર ગંગાણી દ્વારા રચિત શિવ સ્તુતિ પ્રસ્તુત કરી પ્રેક્ષકોની દાદ મેળવી હતી. ઉભરતા કલાકારોની આ પેશકશ માણવા માટે સુશ્રી શિંજીનીજી ખાસ પ્રેક્ષકો સાથે ઓડિટોરીયમમાં બેઠા હતા અને તમામ કલાકારોને બિરદાવ્યા હતા

કાર્યક્રમના બીજા ચરણમાં કાલકા બિંદાદીલ પરંપરાના અને મહાન નૃત્યકાર પં. બિરજુ મહારજના પૌત્રી સુશ્રી શિંજીની કુલકર્ણી એ કથ્થક નૃત્ય પેશ કર્યું હતું. તેમણે પ્રથમ ‘ઓમ નમ: શિવા શિવ સ્તુતિ દ્વારા તેમના નૃત્યની શરૂઆત કરી હતી. આ સ્તુતિ વિલંબિત તીનતાલમાં રજુ કરી હતી. જેમાં થાટ, અદાકારી અને ઉપજ એમ ક્રમવાર રજૂ કર્યા હતા. તાલ અને પગની જુગલબંધીને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી, તેમની પ્રસ્તુતિને બીરદાવી હતી.

Kaththak Dance 6

તેમના નાના  બીરજુ મહારાજ ને યાદ કરી તેમણે રચેલા તાંડવ અને આમદ અંગ રજૂ કર્યા હતા. પં. બીરજુ મહારાજ દ્વારા રચાયેલી કઠીન બંદીશોને ખુબ સરળભાવ સાથે પ્રેક્ષકો સમક્ષ રજુ કરીને અનોખી ભાવસભર સફર કરાવી હતી. તેણીએ કહ્યું હતુ કે તેમના નાના જીવનની આમ ગતીવિધિઓને કથ્થક સાથે વણી સામાન્ય ભાવકને સમજાય તે રીતે કથ્થકની ખુબ અધરી બંદિશો રજૂ કરતા હતા,

જે તેમણે અહીં પેશ કરી દર્શકોના મનમોહી લીધા હતા. જેમાં ટ્રેનની સફર, પતજળમાં પાન ખરતા વૃક્ષોનું વર્ણન, ધોડાની થાપ, ખેતરમાં દડાથી રમતા બાળકો, સાપ-સીડીની રમત અને વળી અનોખી રીતે અંતાક્ષરી રમીને બતાવી હતી. જેમાં આવતા અંતિમ અક્ષરથી શરૂ થાય તે તાલ ઉપર નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ ગુજરાતના દ્વારકા અને સોમનાથના દરિયા કિનારાના ઉછળતા મોજા અને નર્મદા નદીના વહેતા નીરને અદાકારીથી પેશ કર્યું હતું. આમ પ્રકૃતિના દરેક સ્વરૂપને બખુબી તેમની નૃત્યશૈલીમાં દર્શાવ્યા હતા.

કાર્યક્રમના સમાપન પહેલા સૌના આશ્ચર્ય વચ્ચે  વિશ્વ મોહન ભટ્ટના પુત્ર   સલિલ ભટ્ટ દ્વારા સાત્વિક વીણાવાનની પ્રસ્તુતી કરી હતી. આ પ્રસ્તુતીની ફરમાઈશ સુશ્રી શિંજીનીજી દ્વારા કરવામાં આવી હતી.   સલિલ ભટ્ટ સાથે તબલા સંગતમાં ગુજરાતના જાણીતા તબલા વાદક   હિમાંશુ મહંતે સાથ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત  સલીમ ભટ્ટે પ્રેક્ષકો સાથે ‘કેમ છો રાજકોટ?’ કહી સંવાદ શરુ કર્યો હતો. તેમણે તેમના પિતા  વિશ્વ મોહન ભટ્ટને યાદ કરી તેણે કહ્યું હતું કે સપ્ત સંગીતિના મંચ ઉપર તેઓ તેમના પિતા સાથે રાજકોટ પ્રથમ વખત આવ્યા હતા અને આ આજે બીજી વખત રાજકોટ સમક્ષ પ્રસ્તુતીનો અવસર પ્રાપ્ત થયો છે.

Kaththak Dance 3

તેમણે તેમની રજૂઆતમાં રાગ જોગમાં ભગવાન શિવની સ્તુતિ તીનતાલ માં રજુ કરી હતી. તેમની અંતિમ પ્રસ્તુતિમાં ભગવાન શ્રી રામનું પ્રચલિત ભજન ‘પાયોજી મેને રામ રતન ધન પાયો2 રજૂ કર્યું હતુ અને સાથે સુશ્રી શિંજીનીજીને આ ભજન ઉપર કથક નૃત્યથી ભાવ રજૂ કરવા અનુરોધ કર્યો હતો. આ બન્ને દિગ્ગજ કલાકારોની આ પ્રથમ અને કોઈપણ તૈયારી વગર રજુ કરવામાં આવેલી અદ્ભુત પેશકશ રહી હતી. તેઓની કલાકારીને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. પ્રેક્ષકો માટે આ રજૂઆત જાણે સોને પે સુહાગા સાબિત થઈ હતી, જેમ સ્વાદિષ્ટ ભોજન પછી મિષ્ટાન પીરસવામાં આવે તેમ આ પ્રસ્તુતીથી સભાના અંતીમ ચરણમાં મીઠાશ ભળી ગઈ હતી.

Kaththak Dance 2

કાર્યક્રમના અંતે નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટરઓના હસ્તે ઉપસ્થિત કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય કલાકારોના હસ્તે રાજકોટની ઉભરતી પ્રતિભાઓને શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતી સપ્ત સંગીતિની પરંપરા પ્રમાણે રાષ્ટ્રગાન સાથે થઈ હતી. આજે  સુશ્રી ઋતુજા લાડ અને સુશ્રી અવંતી પટેલ દ્વારા ઠુમરી અને દાદરા પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ સભાના પ્રથમ ચરણમાં રાજકોટના ઉભરતા કલાકાર અનુજ અંજારિયાનું સંતુરવાદન માણવા મળશે.

શાસ્ત્રીય સંગીત આપણા દેશની પરંપરા અને ધરોહર છે: વિક્રમ સંઘાણી

વિક્રમ સંઘાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાચમી હારમાળા છે કે જેમાં શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આમારી ભાવના એવી રહેલી છે કે રાજકોટના કલા પ્રેમી દર્શકોને સારું સંગીત પીરસી શકીએ. ત્યારે દર વર્ષે આ કાર્યક્રમમાં ભારત વર્ષના ખ્યાત નામ અને દિગજ એવા શાસ્ત્રીય સંગીતના કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે. આજના આધુનિક યુગમાં પણ લોકોનો શાસ્ત્રીય સંગીત પ્રત્યે ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રતિસાદ મળે છે. સાત દિવસની શૃંખલામાં દિગ્ગજ કલાકારો સાથે રાજકોટની નવી ઉભરતી પ્રતિભાને પણ અમે મંચ આપીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે શાસ્ત્રીય સંગીત આપણા દેશની પરંપરા અને ધરોહર છે તેમજ ગણિત આધારિત આંકડા છે કે જેમાં ખૂબ જ સારી રીતે નિયમોનું પાલન કરીને કરવું ખૂબ જ જરૂરી હોય છે. આ મધુર સંગીત હૃદય સ્પર્શી અને ભાવનાઓની અભિવ્યક્તિ કરે છે.

ઋતુજા લાડ (ગાયન)

ઋતુજાને પાંચ વર્ષની ઉંમરે તેણીના માતા -પિતાએ સંગીતથી અવગત કરાવી હતી . શરૂઆતની તાલીમ ગુરુવર્ય બાલચંદ્ર પાત્ર પાસેથી 08 વર્ષની ઉંમરે ત્યારબાદ ગાનયોગીની ઢોંઢુંતાઈ કુલકર્ણી પાસેથી જયપુર અત્રોલી ધરાનાની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. હાલમાં તેઓ ડો. અશ્વિની ભીડે દેશપાંડે પાસેથી પણ તાલીમ મેળવી રહ્યા છે . તથા તેમના કાકા સંજય નાથકર્ણી પાસે હળવા કંઠય સંગીતની તાલીમ મેળવી છે. ઋતુજા એ મરાઠી સા રે ગા મ રિયાલીટી ટીવી શોમાં પણ ગાયન રજૂ કરી ટોપ સિક્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આદિત્ય બિરલા સેન્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, સબરબન મ્યુઝીક સર્કલ, ભવન્સ કલ્ચરલ સેન્ટર, ગઈઙઅ મુંબઇ વગેરે જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓએ તેણીએ ગાયનો રજૂ કર્યાં છે.

અવંતી પટેલ (ગાયન)

અવંતી પટેલ એ ફકત પાંચ વર્ષની ઉમરથી ગાયન શરૂ કર્યું હતું. સંગીત શીખતા શીખતા 13 વર્ષની ઉંમરે સંગીત ક્ષેત્રમાંજ કેરિયર બનાવવનો નિર્ધાર કરી લીધો હતો. તેણીએ ઝી મરાઠી ચેનલ ઉપર આવતા સા રે ગ મ 5 2008 માં ટોપ સેવનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને બેસ્ટ પર્ફોર્મરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ઇન્ડિયન આયડોલ સીઝન 10 માં ટોપ કોન્ટેસ્ટન્ટ્સમાં પણ સ્થાન મેળવેલું છે. અવંતી એ તેમનું પ્રથમ સોલો આલ્બમ 2010માં રિલીઝ કર્યું છે. 2015માં ગુજરાતી ફિલ્મ ’ હું તું તું તું ’ માં પ્લેબેક સિંગીગ કર્યું છે. તેમજ શંકર મહાદેવન સાથે પણ ઘણા કાર્યક્રમો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.