Abtak Media Google News

ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા

જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિવર્ષ એનાયત થતા નચિકેતા એવોર્ડ આ વર્ષે રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. આ ખાસ એવોર્ડ મોરારીબાપુનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ ર019માં રાજકોટમાં નગીનદાસ સંઘવીનું શતાયુ સન્માન યોજાયુ હતું. એ વખતે એમને અર્પણ થયેલી ધનરાશી એમણે સ્વીકારી નહોતી એટલે એમાંથી પ્રતિવર્ષ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર પત્રકારોને પોખવાનો નિર્ણય થયો હતો અને એ રીતે નચિકેતા એવોર્ડનો પ્રારંભ થયો. આ એવોર્ડ અંતર્ગત રૂપિયા 1,25,000ની પુરસ્કાર રાશી અને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આજ સુધીમાં આ એવોર્ડ ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હિરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય, ભાર્ગવ પરીખ, ચિરંતના ભટ્ટ, ભવેન કચ્છીને એનાયત થયા છે અને હવે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતાને આ એવોર્ડ એનાયત થવા જઇ રહ્યો છે.

સાંપ્રત પરિસ્થિતિમાં નગીનબાપાની ખોટ વર્તાઈ છે : કૌશિકભાઈ મહેતા

ફુલછાબ દૈનિકના પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતાને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં નચિકેત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તે પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે હાલ સાંપ્રત પરિસ્થિતિમાં નગીનબાપા ની ખોટ વર્તાય છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે તેમને જે મળેલો એવોર્ડ છે તે મળવાથી એક ગૌરવની લાગણી અનુભવાય  છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પત્રકારત્વ ક્ષેત્રે ઘણા પડકારો સામે આવશે પરંતુ જો યોગ્ય દિશામાં પત્રકારત્વ કરવામાં આવે તો આ તમામ પ્રશ્નોનો હાલ આવી જશે ત્યારે માત્ર જરૂર છે નિષ્ઠાની.

કૌશિકભાઇને નચિકેત એવોર્ડ મળ્યો તે એવોર્ડ જાણે મને મળ્યો હોય તેવો આનંદ:પૂ.મોરારીબાપુ

મોરારીબાપુએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કૌશિક ભાઈને જે નચિકેત એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ જાણે તેમને મળ્યો હોય તેવો આનંદ છે. એટલું જ નહીં તેઓએ નગીનદાસ સંઘવી અંગે પણ જણાવ્યું હતું કે બાપાનું મહત્વ પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ વધુ છે. બાપા એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જે સચોટ અને સત્યતાને વરેલા હતા. ત્યારે તેમની સ્મૃતિમાં જે એવોર્ડ આપવામાં આવ્યો છે તે યોગ્ય વ્યક્તિને એનાયત થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પત્રકારત્વનું સ્તર ઊંચું આવે તે માટે કામ કરવું જોઈએ.

સમાજની આંખ ખોલવામાં પત્રકારોનું અનેરૂ મહત્વ: બ્રિજેશ મેરજા

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજીપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સમાજની આંખ ખોલવામાં પત્રકારોનું અનેરૂ મહત્વ છે એટલું જ નહીં જ્યારે કૌશિકભાઇ મહેતાને એવોર્ડ મળ્યો છે તે યોગ્ય છે કારણ કે કૌશિકભાઈએ અનેક પડકારોનો સામનો કરી પત્રકારત્વનું સ્તરને ઊંચું લાવવામાં ખૂબ સારું કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.