માણાવદરના પાદરડી ગામે ફૌજીને માર મારવાની ઘટનાં સામે કેશોદ કોળી સમાજમાં ઉગ્ર રોષ, આપી આવી ચીમકી

જય વિરાણી, કેશોદ:

જૂનાગઢનાં માણાવદરમાં પાદરડી ગામે લશ્કરમાં ફરજ બજાવતાં સૈનિકને ઢોરમાર માર્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર સોરઠમાં વિરોધ ઉઠયો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કેશોદ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સમગ્ર ઘટનાને વખોડી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

કેશોદ શહેર તાલુકામાં વસતાં કોળી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા કેશોદ કોળી સમાજના પ્રમુખ લખનભાઈ ભરડાની આગેવાનીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા નાયબ કલેકટર અને ડીવાયએસપી કચેરીએ આવેદનપત્ર આપી પાદરડી ગામે ફૌજી જવાનને માર મારવાની ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે.

આ ઉપરાંત કેશોદ કોળી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી કે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં માજી સૈનિકો અને કોળી સમાજ સાથે મળીને ઝલદ આંદોલન શરૂ કરશે. તેમજ કેશોદ કોળી સમાજનાં પ્રમુખ લખનભાઈ ભરડા સહિતના આગેવાનો પાદરડી ગામે ઈજાગ્રસ્ત ફૌજી જવાનની મુલાકાત લેવાં રવાનાં થયાં હતાં.