Abtak Media Google News
  • વર્ષ 2017માં કવલજિત રાયજાદા અને આરતી ધીરે સોપારી આપી માસુમ સહીત બેની કરાવી હતી હત્યા

કેશોદના ડબલ મર્ડર કેસના આરોપી કવલજિત રાયજાદાને લંડનમાં ડ્રગ્સ સ્મગલિંગમાં ઝડપી લેવામાં આવ્યા છે. વિમાની રકમ હડપ કરવા માટે આરોપીએ 12 વર્ષના નિર્દોષ બાળક સહીત બે લોકોની હત્યા કરાવનાર રાયજાદા અને તેની પ્રેમિકાને લંડનમાં ડ્રગ્સની હેરાફેરી બદલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેશોદમાં ડબલ મર્ડરના ભારતીય મૂળના જે આરોપી પરિણીત યુગલને યુકેની અદાલતે પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. તેને સોમવારે લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટમાં રૂ. 600 કરોડના કોકેઈનની દાણચોરી અને લોન્ડરિંગના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

નૈરોબીમાં જન્મેલી બ્રિટિશ ભારતીય મહિલા આરતી ધીર (ઉ. વ. 59) જેનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે અને તેના 35 વર્ષીય પતિ કવલજીતસિંહ રાયજાદા જે મૂળ કેશોદનો વતની છે. જે યુગલ હાલ હેનવેલમાં રહેતો હતો જેમને રૂ. 600 કરોડના ડ્રગ્સ કેસમાં લંડનમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ એજન્સીની તપાસ બાદ ઓસ્ટ્રેલિયામાં 514 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે 2021માં સિડનીમાં કોકેઈનનો જથ્થો ઝડપી લીધા બાદ તપાસ એજન્સીએ આ યુગલની ઓળખ કરી હતી. અધિકારીઓએ આરતી ધીર અને કવલજિત રાયજાદાને શોધી કાઢ્યો હતો જેમણે ડ્રગ્સની દાણચોરીના એકમાત્ર હેતુ સાથે વિફ્લાય ફ્રેઈટ સર્વિસીસ નામની ફ્રન્ટ કંપનીની સ્થાપના કરી હતી.

પ્લાસ્ટિક રેપિંગ પર રાયજાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. જ્યારે કપલના ઘરે ટૂલબોક્સની રસીદો મળી આવી હતી. ધીર અને રાયજાદા બંને હિથ્રો ખાતેની ફ્લાઇટ સર્વિસ કંપનીમાં નોકરી કરતા હતા અને એરપોર્ટ ફ્રેઇટ પ્રક્રિયાના તેમના જ્ઞાનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓને આવરી લેવા માટે કરવામાં આવતો હતો. યુગલની ધરપકડ કર્યા પછી તપાસકર્તાઓએ તેમની પાસેથી લાખો પાઉન્ડ રોકડ અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીના બાર શોધી કાઢ્યા હતા.

ધીર અને રાયજાદાએ આરોપોનો ઇનકાર કર્યો હતો પરંતુ સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં જ્યુરી દ્વારા નિકાસની 12 ગણતરીઓ અને મની લોન્ડરિંગના 18 કાઉન્ટ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એનસીએ હવે તેમની ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિ જપ્ત કરવા માટે કાર્યવાહી કરશે.

ભારતે 2019 માં કેશોદમાં ડબલ મર્ડર કેસના આરોપોનો સામનો કરવા માટે દંપતીને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દંપતી પર નીતિશ મુંડ સાથે મળીને 12 વર્ષના અનાથ ગોપાલ સેજાનીની હત્યાનો આરોપ છે. જેને ધીરે 2015માં દત્તક લીધો હતો અને તેના સાળા હરસુખભાઈ છગનભાઈ કરદાણી પાસેથી વિમા પેટેની રકમ રૂ. 1.3 કરોડ ચાઉં કરવા હત્યા કરાવી હતી.

8 ફેબ્રુઆરી 2017ના રોજ જૂનાગઢના કેશોદમાં ગોપાલ અને કરદાણી પર બે નકાબધારી હત્યારાઓએ હુમલો કર્યો હતો. બાદમાં છરીની ઇજાને કારણે બંનેના હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા. જે હત્યા કેસની તપાસમાં ધીર અને રાયજાદાએ હત્યારાઓને સોપારી પેટે રૂ. 5 લાખ ચૂકવ્યા હોવાનો આરોપ છે.

2 જુલાઈ, 2019ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે પ્રત્યાર્પણની વિનંતીને એ આધારે ફગાવી દીધી હતી કે જો ગુજરાતમાં આજીવન કેદની સજા કરવામાં આવે તો તેમની વહેલી મુક્તિની કોઈ સંભાવના નથી.

વિમાની રકમ ચાઉં કરી જવા 12 વર્ષીય નિર્દોષ બાળકની કરાવી હતી નિર્મમ હત્યા

મૂળ માળિયા હાટીનાના અને લંડનમાં વસતા હરસુખ છગનભાઈ કરડાણીને મૂળ કેશોદના અને લંડન રહેતા કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા તેની સાથે જ લંડનમાં રહેતી આરતી લોકનાથ ધીર અને રાજકોટના નીતિશ શ્યામલાલ પંજાબીએ હરસુખના 11 વર્ષીય સાળા ગોપાલને દત્તક લેવાની કાર્યવાહી તથા તેના પાસપોર્ટની પ્રોસીજરનું બહાનું બતાવીને રાજકોટ બોલાવ્યો હતો. ગોપાલને હરસુખ પોતાની સાથે રાખે તો તેની વીમાની રકમ ચાઉં કરી શકાય નહીં તેથી ગોપાલની રૂ. એક કરોડ 30 લાખની વીમાની રકમ પકવવા માટે ઉપરોક્ત ત્રણેયે ગોપાલને

મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. કવલજીત, આરતી અને નીતિશે સાળા બનેવીનો કાંટો કાઢવા માટે રાજપરી કિશોરપરી ગોસ્વામી અને લખમણ મેઘરાજ ગઢવીને રૂ. પાંચ લાખની સોપારી આપી હતી.

આઠમીએ ગોપાલ અને હરસુખભાઈ રાજકોટના કારચાલક હિતેશ નરેશ ત્રિવેદીની કારમાં રાત્રે માળિયા આવી રહ્યા હતા ત્યારે કેશોદ-સોમનાથ બાયપાસ પર ગાડી પસાર થતી હતી ત્યારે કારમાંથી પહેલાં ગોપાલનું અપહરણ કરાયું હતું. તેને બચાવવા જતા હરસુખભાઈને છરીના ઘા ઝીંકાયા હતા. એ પછી કારથી દૂર લઈ જઈને ગોપાલ પર છરીના ઘા ઝીક્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા. ઘવાયેલા સાળા-બનેવીને જૂનાગઢ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં 11મી ફેબ્રુઆરીએ ગોપાલનું અને 17મી ફેબ્રુઆરીએ હરસુખભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના પછી પોલીસે કારના ચાલક હિતેષ ત્રિવેદીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં હકીકત સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.